ફારૂક અબ્દુલ્લાનો કેન્દ્ર સરકારને પડકાર, શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવીને બતાવો

  • Share this:

નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારૂક અબ્દુલ્લા એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાઈ ગયા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબદુલ્લાએ કેન્દ્ર સરકારને શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવવા પડકાર ફેંક્યો છે. સોમવારે નેશનલ કોન્ફરન્સના આ વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, ‘તેઓ(ભાજપ અને કેન્દ્ર સરકાર) પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(પીઓકે)માં ત્રિરંગો લહેરાવવાની વાત કરે છે. હું કહું છું કે શ્રીનગરના લાલચોકમાં તો ત્રિરંગો ધ્વજ લહેરાવીને બતાવો. અહીં તો ત્રિરંગો ફરકાવી શકતા નથી અને વાત પીઓકેની કરે છે.’ આ વાત અબ્દુલ્લાએ કઠુવાના એક કાર્યક્રમમાં કરી હતી. પાછલા કેટલાક દિવસોથી પણ ફારૂક આવાં વિવાદાસ્પદ નિવેદનો આપીને સમાચારમાં ચમકી રહ્યાં છે. કેટલાક દિવસ પહેલાં ફારૂકે કહ્યું હતું કે પાકિસ્તાને બંગડીઓ પહેરેલી નથી કે ભારત તેની પાસેથી પીઓકે પડાવી લેશે.


ફારૂકે એમ પણ કહ્યું હતું કે, "સત્યતા ન સાંભળવી હોય તો કંઈ વાંધો નથી, ખોટી વાતોમાં જ જીવ્યા કરો, સાચી વાત તે છે કે, પીઓકે ભારતનો ભાગ નથી." અબ્દુલ્લાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના કબજામાં રહેલ કાશ્મીર પાકિસ્તાનનું છે, આ એક સત્યતા છે અને ભારત પાક વચ્ચે ઘણા બધા યુદ્ધ થઈ જાય તો પણ આ સ્થિતિ ક્યારેય બદલાશે નહી.


એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ફારૂક મીડિયા સાથે વાત કરી હતી. મીડિયાએ જ્યારે પૂછયું કે આવાં નિવેદન આપીને તેઓ દેશની જનતાની ભાવના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું નથી.? તો જવાબમાં ફારૂકે જણાવ્યું હતું કે, ‘ભારતીયની ભાવના એટલે શું? શું તમે એવું વિચારો છો કે હું ભારતીય નથી?’


ઉપમુખ્યમંત્રીએ આપ્યો જડબાતોડ જવાબ
ફારૂકનાં આ નિવેદન પછી તેમને જવાબ આપતાં જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહે જણાવ્યું હતું કે ફારૂક ભાગલાવાદીઓ અને ત્રાસવાદીઓને મજબૂત કરી રહ્યા છે, કારણ કે તેઓ હતાશ થઈ ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ફારૂક એ ભૂલી રહ્યા છે કે લાલચોક સહિત સમગ્ર રાજ્યના તમામ વિસ્તારમાં ત્રિરંગો જ ફરકાવવામાં આવી રહ્યો છે.

First published: