Home /News /india /ફરી મળશે મોદી-ટ્રમ્પ, સ્વિટઝરલેન્ડમાં યોજાનાર દાવોસ સંમેલનમાં લેશે ભાગ

ફરી મળશે મોદી-ટ્રમ્પ, સ્વિટઝરલેન્ડમાં યોજાનાર દાવોસ સંમેલનમાં લેશે ભાગ

ટ્રમ્પ-મોદીની મુલાકાત (ફાઈલ તસવીર)

બંનેની પ્રથમ મુલાકાત વોશિંગ્ટન ડીસીમાં અને બીજી મુલાકાત આસિયાન બેઠક દરમિયાન થઈ હતી.

દાવોસઃ વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બહુ ઝડપથી ફરી મુલાકાત થઈ શકે છે. સ્વિટ્ઝરલેન્ડના દાવોસ શહેરમાં 22મી જાન્યુઆરીથી વિશ્વ વેપાર મંચ સંમેલન (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ)ની શરૂઆત થઈ રહી છે. મોદી આ સંમેલનમાં સ્પીચ આપશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ પણ આ બેઠકમાં ભાગ લેશે.

નોંધનીય છે કે ગયા વર્ષે ટ્રમ્પ અને મોદી બે વખત મળી ચુક્યા છે. બંનેની પ્રથમ મુલાકાત વોશિંગ્ટન ડીસીમાં અને બીજી મુલાકાત આસિયાન બેઠક દરમિયાન થઈ હતી. હવે ત્રીજી મુલાકાતમાં બંને નેતાઓ પરસ્પર આર્થિક સંબંધો મજબૂત બનાવવા પર ચર્ચા કરી શકે છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ મંગળવારે આ અંગે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. સ્ટેટમેન્ટ પ્રમાણે ટ્રમ્પ દાવોસ સંમેલનમાં 'અમેરિકા ફર્સ્ટ' એજન્ડા પર સ્પીચ આપશે. આ સંમેલનમાં ટ્રમ્પ અમેરિકન બિઝનેસ, ઉદ્યોગ અને કારીગરો પ્રત્યે પોતાની નીતિઓને પ્રમોટ કરશે.

20 વર્ષ પછી કોઈ ભારતીય પીએમનો દાવોસ પ્રવાસ

છેલ્લે 1997માં તત્કાલિન વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા દાવોસ સંમેલનમાં હાજર રહ્યા હતા. તેમના પછી કોઈ પણ ભારતીય વડાપ્રધાને દાવોસ સંમેલનમાં ભાગ લીધો નથી. 20 વર્ષ પછી મોદી પ્રથમ પીએમ હશે જે દાવોસ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

3000 લોકો લેશે ભાગ

આ સંમેલનમાં આશરે 3000 જેટલા લોકો ભાગ લશે. આ સંમેલન 22થી 27 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે સંમેલનનો વિષય 'Creating a Shared Future in a Fractured World' રાખવામાં આવ્યો છે. આ વખતે દાવોસ સંમેલનની ચેરમેનશીપ સાત મહિલાઓને સોંપવામાં આવી છે. જેમાં ભારતની એન્ટરપ્રેન્યોર ચેતના સિંહા પર સામેલ છે. આ સંમેલનમાં દુનિયાની ટોચની કંપનીઓના સીઈઓ પણ સામેલ થશે. વર્લ્ડ બેંક અને આઈએમએફના તમામ અધિકારીઓ પણ આ સંમેલનમાં હાજર રહેશે.

ભારતમાંથી કોણ રહી શકે છે હાજર?

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આ વખતે મોટી સંખ્યામાં ભારતીયોની હાજરી હશે. જેમાં રિલાયન્સના મુકેશ અંબાણી, ચંદા કોચર, ઉદય કોટક સહિત અનેક કંપનીઓના સીઈઓના નામ સામેલ છે. દાવોસ સંમેલનમાં નાણા મંત્રી અરુણ જેટલી, વેપાર અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુ, રેલ મંત્રી પીયૂષ ગોયલ, ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતિન ગડકરી, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સામેલ થશે તેવી સંભાવના છે. બોલિવૂડમાંથી શાહરુખ ખાન અને ડિરેક્ટર કરણ જોહર પણ આ સંમેલનમાં ભાગ લઈ શકે છે.

રઘુરામ રાજન રહેશે હાજર

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના ચીફ ક્રિસ્ટીન લાગ્રેડે પણ આ સંમેલનમાં હાજર રહી શકે છે. દુનિયાના આશરે 40 જેટલા દેશના રાષ્ટ્રાધ્યક્ષ આ સંમેલનમાં ભાગ લઈ શકે છે.
First published:

Tags: Davos, Donald trump, નરેન્દ્ર મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन