GST કાઉન્સિલની આજે મહત્ત્વની બેઠક, 14-15 ટકાનો ટેક્સ-સ્લેબ થઈ શકે છે

 • Share this:
  કેન્દ્રના નાણાપ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં આજે GST કાઉન્સિલની 29મી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં નાના વેપારીઓના હિતમાં ઘણા મોટા નિર્ણયો થઈ શકે છે. આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ પર કેશ-બેક માટે પણ નિર્ણય લેવાવાની શક્યતા છે.

  બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે

  આ બેઠકમાં એડવાન્સ પેમેન્ટ પર જીએસટીનો દર લગાવાની ચર્ચા થઈ શકે છે. એને સર્વિસીઝના કમ્પોઝિશન સ્કીમ હેઠળ લાવી શકાય છે. જ્યારે જોબવર્ક પર સૌથી નીચો 5 ટકા ટેક્સ-સ્લેબ નાખવા પર વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત બિસ્કિટસ, રાઇસ, વાસણ, ચણા, દાળ પર જીએસટીનો દર ઘટાડવાનો પણ નિર્ણય થઈ શકે છે. તમને જણાવી દઈએ કે નાણાપ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આ બીજી બેઠક છે.

  બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની ચર્ચા શઈ શકે છે છતાં બિહારના ઉપમુખ્યપ્રધાન અને જીએસટી પરિષદના સભ્ય સુશીલ મોદીએ આ અંગે કહ્યું હતું કે સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ લાવવા પર ત્યારે જ વિચાર કરાશે, જ્યારે રેવન્યુનો માસિક લક્ષ્યાંક રૂ.1 લાખ કરોડથી વધારે હશે, પરંતુ જુલાઈમાં GST કલેક્શનમાં વધારા બાદ આની પર ચર્ચાની આશા વધી ગઈ છે.

  ફક્ત એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શનમાં રૂ.1 લાખ કરોડના સ્તરને પાર કર્યો હતો. જુલાઈ મહિનામાં રૂ.96,483 કરોડ અને જૂન મહિનામાં રૂ.95610 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું. જુલાઈના આંકડા પરથી એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં એક લાખ કરોડનું લક્ષ્ય મેળવી શકાશે. નોંધનીય છે કે વસ્તુ અને સેવા કરને પહેલી જુલાઈ 2017થી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો.

  સુશીલ કુમાર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે વસ્તુ અને સર્વિસ કર કાઉન્સિલ 12 અને 18 ટકાના ટેક્સ-સ્લેબ રદ કરી 14 અથવા 15 ટકા કરી શકે છે.
  Published by:Sanjay Joshi
  First published: