ન્યૂઝ18 ગુજરાતી: મોડે-મોડે પણ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એ સ્વીકારવું પડ્યું કે નોટબંધીએ દેશમાં ખેતીની કમર ભાંગી નાખી છે. નોટબંધીએ તત્કાલીન સમયે રૂ.500 અને રૂ.1000 ના દરની 86% ચલણી નોટોને અમાન્ય ઠેરવી હતી. ખાસ કરીને નાના-સીમાંત ખેડૂતોને બી-બિયારણ અને ખાતર ખરીદવામાં આ કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે કાળાં નાણાંને નાથવા માટે નોટબંધીને એક સફળ પગલું ગણાવ્યું હતું.
જયારે વિરોધ પક્ષે આ પગલાંથી ખેડૂતો અને નાના વ્યવ્યસાયકારોને ભારે તકલીફ ઉભી થશે તેવી ચિંતા વ્યકત કરી હતી. હવે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તેના એક અહેવાલમાં સ્પષ્ટ કર્યું છે કે, નોટબંધીથી ખેડૂતોને ખુબ ભોગવવાનો વારો આવ્યો હતો અને રોકડની અછતના કારણે લાખો ખેડૂતોને રવિ સીઝનમાં બી-બિયારણ અને ખાતર ખરીદવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કૃષિ મંત્રાલયે આ અહેવાલમાં જણાવ્યું હતું કે, જયારે નોટબંધી લાગુ થઇ ત્યારે ખેડૂતો કાં તો તેમનો ખરીફ પાક વેંચી રહ્યા હતા અથવા રવિ પાકની વાવણી માટેની તૈયારી કરી રહ્યા હતા. નોટબંધીને કારણે તેમની પાસે જે થોડી રોકડ હતી તે પણ નકામી થઇ ગઈ હતી. એટલે સુધી કે, સરકારી બી-બિયારણ પણ વેંચી શકાયા નહોતા!
નોટબંધીના લીધે ખેડૂતો તેમના ખેતમજૂરોને મજૂરી પણ ચુકવવામાં અસફળ રહ્યા હતા. કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે, રોકડની અછતને કારણે 'નેશનલ સીડ કોર્પોરેશન' ના લગભગ 1.38 લાખ કવીન્ટલ ઘઉં વેંચાયા વગરના પડી રહ્યા હતા.
આ અહેવાલથી વિરુદ્ધ શ્રમ મંત્રાલયના માટે નોટબંધીથી ત્યારબાદના ક્વાર્ટરમાં રોજગારીમાં વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. પાર્લિયામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અહેવાલો મુકવામાં આવ્યા હતા જેમાં વિરોધ પક્ષના સાંસદોએ નોટબંધીના સરકારના પગલાંને વખોડી કાઢ્યું હતું। આ કમિટીમાં 31 સભ્યો હતા જેમાં કોંગ્રેસના વીરપ્પા મોઇલી અને ડૉ. મનમોહનસિંહનો પણ સમાવેશ થતો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર