નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે માતા-પિતા અને બહેનની હત્યાના ગુનામાં 19 વર્ષના યુવકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા યુવકને ઓનલાઇન ગેમ રમવાની લત લાગી હતી. યુવકે તેના મિત્રો સાથે દિલ્હીના મહરોલી વિસ્તારમાં એક ભાડાનો રૂમ પણ લીધો હતો. અહીં તે કોલેજમાંથી ક્લાસ બંક કરીને મિત્રો સાથે સમય વ્યતિત કરતો હતો. પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે માતા-પિતા અને બહેનની હત્યા પહેલા સુરજનું વર્તન બિલકુલ સામાન્ય હતું. તેણે હત્યા પહેલા મોડી રાત સુધી પરિવાર સાથે ફોટો આલ્બમ પણ જોયું હતું.
સુરજ ઉર્ફે સરનમ વર્માએ તેના પિતા મિથિલેશ, માતા સિયા અને બહેનની બુધવારે વહેલી સવારે હત્યા કરી નાખી હતી. બાદમાં તેણે ઘરમાં તોડફોડ કરી હતી જેના કારણે પોલીસને એવું લાગે કે ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. જોકે, પોલીસ બુધવારે સાંજે જ તેની ધરપકડ કરી લીધી હતી.
આ મામલે તપાસ કરનાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીને માતાપિતા અને બહેનની હત્યા કર્યાનો કોઈ જ પસ્તાવો નથી. તે સતત એવું કહી રહ્યો છે કે મને કાયદાથી બચાવો. હત્યા બાદ તેના પરિવારના લોકોએ ત્રણેયનાં અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, પરિવારના સભ્યોએ માતાપિતા અને બહેનની અંતિમવિધિ માટે સુરજને મુક્ત કરવાની મંજૂરી માંગી ન હતી. મિથિલેશના ભાઈ અને તેના ભત્રીજાએ અંતિમસંસ્કારની તમામ વિધિઓ પૂર્ણ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓને માલુમ પડ્યુ છે કે સુરજે વોટ્સએપ પર નવથી દસ મિત્રોનું એક ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં તેઓ બહાર ફરવા જવાના તેમજ ક્લાસ બંક કરવા અંગે વાતચીત કરતા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "મિત્રો સુરજને પોતાનો આદર્શ માનતા હતા. સુરજે તેના મિત્રો સાથે મળીને મહરોલીમાં એક રૂમ ભાડા પર રાખ્યો હતો. જે દિવસે તેઓ સ્કૂલે જતાં ન હતા ત્યારે તેઓ અહીં સમય પસાર કરતા હતા. અહીં રહીને તેઓ ટીવી જોતા હતા અને ખૂબ હિંસક ઓનલાઇન ગેમ્સ રમતાં હતાં."
મળતી માહિતી પ્રમાણે સુરજનાં તેની બહેન સાથેનાં સંબંધો સારા ન હતાં. તે એવું માનતો હતો કે તેના માતાપિતા તેના કરતા તેની બહેનને વધારે લાડકોડ કરે છે. જોકે, માતાપિતા અને બહેનની હત્યા કરતા પહેલા સુરજ ખૂબ શાંત હતો. તેણે મોડી રાત સુધી પરિવાર પરિવાર સાથે ફેમિલિ ફોટો આલ્બમ જોયું હતું. રાત્રે ત્રણ વાગ્યે તે ઉંઘમાંથી જાગ્યો હતો અને તેના પિતાને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. તેની માતા પણ આજ રૂમમાં ઉંઘી રહી હતી. પરંતુ તે કંઈ કરે તે પહેલી સુરજે તેને પણ છરીનો એક ઘા ઝીંકી દીધી હતો.
બાદમાં સુરજ તેની બહેનની રૂમમાં ગયો હતો અને તેનું ગળું કાપી નાખ્યું હતું. આ સમયે તેની માતા તેને બચાવવા માટે દોડી ગઈ હતી. પરંતુ સુરજે તેના પર છરીથી હુમલો કરી દીધો હતો અને તેની બહેનનાં પેટમાં પણ છરી મારી દીધી હતી. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ તેણે ઘરમાં તોડફોડ કરી હતી અને છરી પરથી તેના ફિંગરપ્રિન્ટ મીટાવી દીધા હતા. બાદમાં સુરજે તેના પાડોશીને આ અંગેની જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે થોડા વર્ષો પહેલા સુરજે પોતાનું અપહરણ થયાની એક ખોટી સ્ટોરી ઘડી કાઢી હતી અને ઘરેથી ભાગી ગયો હતો. જોકે, પૈસા વગર બહાર રહેવું મુશ્કેલ લાગતા તે જાતે જ ઘરે પરત ફર્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર