દિલ્હીની ખરાબ હવા માટે અમારા ખેડૂતોને જવાબદાર ન ઠેરવોઃ હરિયાણા

News18 Gujarati
Updated: November 12, 2018, 8:16 AM IST
દિલ્હીની ખરાબ હવા માટે અમારા ખેડૂતોને જવાબદાર ન ઠેરવોઃ હરિયાણા
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીની ખરાબ હવા માટે એવું ચિત્ર ઉભું કરવામાં આવે છે કે ખેડૂતો ડાંગરનો પાક લીધા બાદ તમામ વેસ્ટને સળગાવી નાખે છે.

  • Share this:
ચંદીગઢઃ દિલ્હીનું વાતાવરણ દૂષિત થવા અંગે હરિયાણાએ તેમના ખેડૂતોને દોષિત ન ઠેરવવાનું જણાવ્યું છે. રવિવારે હરિયાણાના ચીફ સેક્રેટરી ડી.એસ. ધેસીએ કહ્યુ હતુ કે દિલ્હીની હવામાં ઝેર ભળી રહ્યું હોવા અંગે કે પછી તેની હવા દૂષિત હોવા અંગે તેમના રાજ્યના ખેડૂતોને દોષિત ગણવામાં આવે છે તે ખૂબ ખોટું છે. તેમણે દાવો કર્યો હતો કે ખેતરમાંથી પાક લીધા બાદ ખેડૂતોએ જે વેસ્ટને સળગાવ્યો હતો તે કુલ વાવેતરના ફક્ત એક ટકા જેટલો જ હતો.

હિસાર ખાતે એક કાર્યક્રમ દરમિયાન અધિકારીએ જણાવ્યુ હતુ કે, "ગયા વર્ષે ડાંગરના પાકના કુલ વાવેતરના ફક્ત બે ટકા જેટલો જ વેસ્ટ સળગાવવામાં આવ્યો હતો. આ વર્ષે તેમાં એક ટકાનો ઘટાડો થયો છે. પરંતુ દિલ્હીમાં પ્રદૂષણ બાદ એવું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે કે આપણા ખેડૂતો ખેતરમાં જેટલું વાવેતર કરે છે તે બધા વેસ્ટને સળગાવી નાખે છે."

ધેસીએ વધુમાં કહ્યુ કે, દુર્ભાગ્યની વાત છે કે દિલ્હીના પ્રદૂષણ માટે આપણા ખેડૂતોને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. "હરિયાણાના દસ જિલ્લાના 13 લાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. હરિયાણા સ્પેસ એપ્લિકેશન સેન્ટર તરફથી મળેલા આંકડા પ્રમાણે 2017ના વર્ષમાં 12,473 જગ્યાએ ડાંગરના વેસ્ટને સળગાવવામાં આવ્યો હતો. આ વર્ષે આ આંકડો ઘટીને 7,273 પર પહોંચી ગયો છે. જે ડાંગરના કુલ વાવેતરના ફક્ત એક ટકા જેટલો થાય છે."

નોંધનીય છે કે 30મી ઓક્ટોબરના રોજ ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે (એનજીટી) દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશની સરકારને સૂચના આપી હતી કે તેઓ એ વાતની તકેદારી રાખે કે તેમના રાજ્યમાં ખેડૂતો પાકની લણણી કર્યા બાદ ખેતરમાં વધેલા વેસ્ટને સળગાવે નહીં, જેનાથી પ્રદૂષણના સ્તરમાં વધારો ન થાય.

ઉલ્લેખનીય છે કે શિયાળાની શરૂઆત થતા જ દિલ્હીની હવા ખૂબ જ પ્રદૂષિત થઈ જાય છે. આ માટે હરિયાણા અને પંજાબના ખેડૂતોના માથે દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. દિલ્હી સરકારે અનેક પગલાં ઉઠાવ્યા હોવા છતાં દિલ્હીની એર ક્વોલિટીમાં ગત રવિવારે કોઈ સુધારો નોંધાયો ન હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ટેક્સ 423 રહેવા પામ્યો છે.
First published: November 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading