નવી દિલ્હીઃ દિલ્હી સરકારે 'બધાઈ હો' ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતાને લિગલ નોટિસ પાઠવીને ફિલ્મના અમુક દ્રશ્ય પર કાતર ફેરવવાની માગણી કરી છે. દિલ્હી સરકારે નોટિસ પાઠવીને ફિલ્મમાંથી ધુમ્રપાનના દ્રશ્યો તેમજ તમાકુ પ્રોડક્ટના પ્રમોશનના દ્રશ્યો કાપવાની માંગણી કરી છે.
એડિશનલ ડિરેક્ટર એન્ડ સ્ટેટ ટોબાકો કંટ્રોલ ઓફિસર (પબ્લિક હેલ્થ) એ.કે. અરોરાએ કહ્યુ કે, 'બધાઈ હો' ફિલ્મમાં અનેક એવા દ્રશ્યો છે જેમાં અભિનેતા ધુમ્રપાન કરતો જોવા મળી રહ્યો છે. તમાકુ બ્રાન્ડની પ્રમોશનના દ્રશ્યો પણ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા અરોરાએ જણાવ્યું કે, "ફિલ્મમાં ધુમ્રપાનના અનેક દ્રશ્યો જોવા મળે છે. એવા પણ દ્રશ્યો છે જ્યાં તમાકુ પ્રોડક્ટની બ્રાન્ડ પણ દેખાઈ રહી છે. COTPSA (પ્રોહિબિશન ઓફ એડવર્ટિઝમેન્ટ એન્ડ રેગ્યુલેશન ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ, પ્રોડક્શન, સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન)ની સેક્શન પાંચ પ્રમાણે તમાકુ પ્રોડક્ટના બ્રાન્ડનું સીધું કે આડકતરું પ્રમોશન કરવું પ્રતિબંધિત છે.અમે આ સંદર્ભે જ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને નોટિસ પાઠવી છે."
અરોરાએ વધુમાં કહ્યું કે, "દિગ્દર્શક, નિર્માતા અને 'બધાઈ હો'ના એક્ટર્સને તમાકુ પ્રોડક્ટના પ્રમોશન બદલ નોટિસ પાઠવવામાં આવી છે. એટલું જ નહીં અમે ફિલ્મમાંથી આ દ્રશ્યોને હટાવી દેવાની પણ માંગણી કરી છે."
જોકે, આ પ્રથમ બનાવ નથી જ્યારે દિલ્હીના હેલ્થ વિભાગે બોલિવૂડની કોઈ ફિલ્મના દ્રશ્યો કાપવાની માંગણી કરી હોય. ભૂતકાળમાં દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તમાકુ પ્રોડક્ટના પ્રમોશન બદલ અભિનેતા અજય દેવગણ, અક્ષય કુમાર, અક્ષય ખન્ના સહિતના અભિનેતાઓને નોટિસ પાઠવવામાં આવી ચુકી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર