અમદાવાદ: ભાજપે તેમનાં ઓફિશિયલ ટ્વટિર હેન્ડલ પર પેટ્રોલ ડિઝલનાં વધતા ભાવનું સત્ય દર્શાવતી એક ટ્વિટ કરી જેમાં તેમણે એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે યૂપીએ સરકાર સમયે પેટ્રોલ ડિઝલનાં દરમાં જે પ્રમાણમાં વધારો થયો હતો તેની સરખામણીએ મોદી સરકારનાં સમયમાં ઘણો ઓછો છે.
ભાજપે આ ટ્વિટમાં 16 મે 2004થી 10 સપ્ટેમ્બર 2018 સુધીનાં સમયમાં કેટલા પ્રમાણમાં ભાવ વધ્યા છે તે દર્શાવ્યું હતું જેનાં પર કોંગ્રેસે તેમને આડે હાથ લીધા છે અને કોંગ્રેસ દ્વારા પણ એક ઇન્ફો ગ્રાફિક શેર કરવામાં આવ્યું છે જેમાં તેમણે મોદી સરકારની ટ્વિટને ટ્રોલ કરી છે. અને કોંગ્રેસે તેમની ટ્વિટમાં ઉલ્લેખ કર્યો છે કે, 16 મે 2009થી લઇને 16 મે 2014 વચ્ચે પેટ્રોલનો ભાવ 40.62 રૂપિયાથી વધીને 71.41 રૂપિયા થયો તે સમયે કાચા ઓઇલનાં ભાવમાં 84 ટકાનો વધારો થયો હતો.
જ્યારે મોદી સરકારે 16 મે 2014થી 10 સેપ્ટેમ્બર 2018 વચ્ચે કાચા તેલનાં ભાવમાં 34 ટકાનો ઘટાડો થયો છે. અને 107 ડોલર પ્રતિ બેરલથી ઘટીને ભાવ 71 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. તેમ છતાં પેટ્રોલનાં ભાવમાં વધારો થયો છે અને તે 71 રૂપિયાથી વધીને 80 રૂપિયાને પાર પહોંચી ગયો છે.