આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચુંટણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંગઠનની તૈયારીઓને વધારે ઝડપી બનાવતા ત્રણ કમિટીની નિમણુક કરી છે. તેની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ 2019ની જંગ માટે પાર્ટીના જુના સાથીઓ પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચુંટણીમાં એનડીએને ટક્કર આપવા માટે પોતાની ટીમને ત્રણ અલગ-અલગ કમિટીમાં વહેચી છે. દરેક કમિટીમાં કેટલાક સીનિયર લીડર છે તો કેટલાક યુવા નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ પોતાની કોર ગ્રુપ કમિટીમાં નવ સભ્યોને સ્થાન આપ્યું છે. જ્યારે 19 સભ્યોનો ઘોષણાપત્ર કમિટીમાં સમાવેશ કર્યો છે. આ સાથે પ્રચાર કમિટીમાં પણ 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
આ છે રાહુલ ગાંધીની કોર કમિટી
રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટીમાં નવ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ગુલામ નબી આઝાદ, પી.ચિદમ્બરમ, એકે એન્ટોની, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડકે, અહેમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે.
ઘોષણાપત્ર કમિટી
19 સભ્યોની ઘોષણાપત્ર કમિટીમાં મનપ્રીત બાદલ, પી.ચિદમ્બરમ, સુસ્મિતા દેવ, રાજીવ ગૌડા, ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, બિન્દુ કિષ્ણન, શૈલજા કુમારી, રઘુવીર મીણા સહિત નેતાઓનો સમાવેશ થાય છે.
પ્રચાર સમિતિના પ્રમુખ ચહેરા
કોંગ્રેસની પ્રચાર કમિટીમાં 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ચરણ દાસ, પ્રવિણ ચક્રવર્તી, મિલિંદ દેવડા, કેતકર કુમાર, આનંદ શર્મા, જયવીર શેરગિલ, રાજીવ શુક્લા, મનીષ તિવારી, પ્રમોદ તિવારીનો સમાવેશ થાય છે.
આ પહેલા પાર્ટીએ આર્થિક તંગીથી ઝઝુમી રહેલી કોંગ્રેસે મોટો ફેરફાર કર્યો હતો. પાર્ટીના સીનિયર નેતા મોતીલાલ વોરાને કોંગ્રેસના કોષાધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા. તેમના સ્થાને રાજ્યસભા સાંસદ અહમદ પટેલને આ જવાબદારી આપવામાં આવી હતી.