'ગૃહયુદ્ધ' અને 'ખૂનામરકી'ની ટિપ્પણી બાદ મમતા બેનર્જી સામે કેસ દાખલ

મમતા બેનર્જી (ફાઇલ તસવીર)

"રાજકીય હેતુ પાર પાડવા માટે એનઆરસી ડ્રાફ્ટ લાવવામાં આવ્યો છે. અમે કોઈ પણ કાળે આવું નહીં થવા દઈએ. બીજપી લોકોના ભાગલા પાડી રહી છે."

 • Share this:
  દેશમાં 'ગૃહયુદ્ધ' અને 'ખૂનામરકી'ની પરિસ્થિતિ ઉભી થશે તેવી ટિપ્પણી બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આસામના દિબ્રુગઢની બીજેપી યુથ વિંગના ત્રણ કાર્યકરોએ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે નોર્થ ઇસ્ટના રાજ્યોના 40 લાખ જેટલા લોકો ગેરકાયદે ભારતમાં રહેતા હોવાનો ડ્રાફટ્ રજૂ થવા પર ટિપ્પણી કરતા મમતાએ જણાવ્યું હતું કે આના કારણે દેશમાં ગૃહયુદ્ધ અને ખૂનામરકીની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

  મંગળવારે દિલ્હીમાં હાજર રહેલા મમતાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "રાજકીય હેતુ પાર પાડવા માટે એનઆરસી ડ્રાફ્ટ લાવવામાં આવ્યો છે. અમે કોઈ પણ કાળે આવું નહીં થવા દઈએ. બીજપી લોકોના ભાગલા પાડી રહી છે. આને કોઈ પણ કાળે સહન ન કરી શકાય. આના કારણે દેશમાં 'ગૃહયુદ્ધ' અને 'ખૂનામરકી'ની પરિસ્થિતિ ઉભી થશે."

  મમતા બેનરજીએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે બીજેપીની સરકાર રાજકીય લાભ ખાટવા માટે લાખો લોકોને નાગરિકતાવિહોણાં કરી રહી છે.

  જોકે, મમતા બેનરજીના આક્ષેપનો જવાબ આપતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, "ગૃહયુદ્ધની વાત કરીને બંગળાના મુખ્યમંત્રી દ્વિધાનો ફેલાવી રહ્યા છે. તેમનું આખું ભાષણ સાંભળીને હું ચકિત થઈ ગયો હતો. એનઆરસીનો ડ્રાફ્ટ ભારતના નાગરિકોના અધિકારોનું જતન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ બાબતે દરેક પક્ષે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે દેશના નાગરિકોના અધિકારોનું કોઈ મહત્વ છે કે નહીં."

  એનઆરસી ડ્રાફ્ટ અંગે સરકારે ખુલાસો કર્યો હતો કે, દેશમાં ગેરકાયદે રહેતા લાખો બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે લાંબી મથામણ બાદ આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંતિમ ડ્રાફટ્ નથી. જે લોકોના નામ ડ્રાફ્ટમાંથી ગાયબ છે તેમને પોતાની નાગરિકતા સાબિત કરવાનો મોકો આપામાં આવશે.

  આ ડ્રાફ્ટની વિગતો 7મી ઓગસ્ટથી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ લિસ્ટમાં જે લોકોના નામ ગાયબ હશે તેઓ ઓગસ્ટ 30થી સપ્ટમ્બર 28 સુધી પોતાના વાંધા રજૂ કરી શકશે.
  Published by:Vinod Zankhaliya
  First published: