ચીનમાં નામશેષ થઈ રહેલી 6,000 માછલીઓનાં મોતથી બ્રિજનું બાંધકામ રોકી દેવાયું

પ્રતિકાત્મક તસવીર

બ્રિજ પ્રોજેક્ટના કારણે ફેલાઈ રહેલા પ્રદૂષણ, અવાજ અને પાણીના વહેણમાં આવેલા બદલવાને કારણે આ માછલીઓના મોત થયા હતા.

 • Share this:
  શાંઘાઈઃ ચીનની સરકારે એક રિપોર્ટ બાદ હુબેઇ પ્રાંતમાં બાંધવામાં આવી રહેલ એક બ્રિજનું કામકાજ રોકી દીધું છે. ચાઇના ડેઈલીમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે બ્રિજના બાંધકામને પગલે અતિ દુર્લભ ગણાતી છ હજાર માછલીઓનાં મોત નિપજ્યા હતા. ન્યૂઝ પેપરે એગ્રિકલ્ચર મંત્રાલયના હવાલેથી આ સમાચાર છાપ્યા હતા.

  આ બનાવ ધ્યાનમાં આવતા તાબડતોબ બાંધકામને અટકાવી દેવામાં આવ્યું હતું. આ અંગે તપાસ ટીમને માલુમ પડ્યું હતું કે જીંગઝૂ શહેરમાં નિર્માણ પામી રહેલા બ્રિજ માટે રક્ષિત નેશનલ નેચર રિઝર્વમાં દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે જીંગઝૂ ખાતે આવેલા એક્વાફાર્મમાં આ માછલીની બ્રિડ તૈયાર કરવામાં આવી હતી. બ્રિજ પ્રોજેક્ટના કારણે ફેલાઈ રહેલા પ્રદૂષણ, અવાજ અને પાણીના વહેણમાં આવેલા બદલવાને કારણે આ માછલીઓના મોત થયા હતા.

  આ પણ વાંચો: ભારત-ચીન યુદ્ધના 56 વર્ષ બાદ મળ્યું વળતર, આખુ ગામ બન્યું કરોડપતિ

  યાંગત્ઝે નદી પર હાઇડ્રોલેટ્રિક બાંધના નિર્માણને કારણે સ્ટર્જન (એક જાતની માછલી) નષ્ટ થવાની કગાર પર આવી ગઈ છે. આ નદી પર મોટા બાંધકામો અને દબાણને કારણે "યાંગત્ઝે મેરમેઇડ" તરીકે ઓળખાતી બૈજી ડોલ્ફિન પણ નષ્ટ થવાની કગાર પર છે.

  પર્યાવરણ જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય સંગઠનની યાદીમાં ચીનમાંથી 1085 પ્રાણીઓને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ચીનમાં આ પ્રાણીઓને અસ્તિત્વ પર ખતરો મંડાઈ રહ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: