BJPના 4 વર્ષ પૂર્ણ: મોદી બ્રાન્ડ શક્તિશાળી બની પરંતુ હજી લોકો 'અચ્છે દિન'ની રાહ જુવે છે

News18 Gujarati
Updated: May 26, 2018, 9:10 AM IST
BJPના 4 વર્ષ પૂર્ણ: મોદી બ્રાન્ડ શક્તિશાળી બની પરંતુ હજી લોકો 'અચ્છે દિન'ની રાહ જુવે છે

  • Share this:
ચાર વર્ષ, 21 ચૂંટણી, 15 જીત, 19 રાજ્યો. મોદી સરકારને ક્યારેક ખુશી મળી છે તો ક્યારેક ગમ મળ્યું છે તેમ કહી શકાય.

ચાર વર્ષ દરમિયાન મોદી સરકાર કેટલાક એવા નિર્ણયો લઈ ચૂકી છે જેનાથી દેશ પર વિવિધ પ્રભાવો પડ્યા છે. મોદી સરકારે ચાર વર્ષમાં એવા નિર્ણયો લીધા છે જેને લેવા માટે અન્ય સરકાર ટાળતી રહી. સર્જીકલ સ્ટ્રાઇકથી લઇને નોટબંધી સુધી મોદી સરકારે નિર્ણયો લઇને દેશની જનાતાને અનેકવાર ચોંકાવી દીધા છે. જેમાંથી કેટલાક નિર્ણયો સફળ રહ્યાં તો કેટલાક નિષ્ફળ રહ્યાં. તો મોદી સરકારના કેટલાક નિર્ણયો જોઇએ કે સફળ રહ્યાં કે નિષ્ફળ ...

GST

વાત કરીએ જીએસટી એટલે કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની તો જીએસટી લાગુ કરાયા બાદ દેશભરમાં તેનો ઉગ્ર વિરોધ થયો હતો. વેપારીઓએ ધંધા રોજગાર બગડ્યા હોવાની બૂમરાણ મચાવી હતી. સામે એસોચેમે મોદી સરકારે આર્થિક ક્ષેત્રમાં ઉઠાવેલા આ નિર્ણયને સૌથી મોટો ટેક્સ સુધારો ગણાવ્યો હતો. એપ્રિલમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 2018માં જીએસટી કલેક્શન વધ્યું છે તો નાણા મંત્રાલયની માહિતી મુજબ રાજ્ય સરકારનું જીએસટી કલેક્શનનો ગાળો ઘડી રહ્યાં છે. નાણાકીય વર્ષ 2017-18માં જીએસટીનું કલેક્શન 7.41 લાખ કરોડ રૂપિયા હતું. જેના કારણે જીએસટીને સફળ ગણાવાઈ રહ્યું છે તો વેપારીઓ પણ ધીરે ધીરે તેને સ્વીકારી રહ્યા છે.

નોટબંધી
2016માં અચાનક લદાયેલી નોટબંધીની શરૂઆતમાં જનતાએ નિર્ણયનો જબરજસ્ત વિરોધ કર્યો હતો અને તેના કારણે ઘણી હાલાકી પણ ભોગવવી પડી હતી. લોકોએ મહિનાઓ સુધી પૈસા ઉપાડવા માટે લાઇનોમાં ઉભા રહ્યાં હતાં અને રોકડની અછતની સ્થિતિ ઉભી થઇ હતી. સરકારનો આ નિર્ણયથી પ્લાસ્ટિક મનીના ઉપયોગ પર ભાર મુકવાનો હેતુ સામે આવ્યો છે.જો કે ધીરે ધીરે લોકો આ નિર્ણયને પણ યોગ્ય સમજી રહ્યા છે. મોદી સરકારનો તર્ક છે કે નોટબંધીને કારણે કાળા નાણું બહાર આવ્યું છે અને આતંકવાદ પર લગામ લાગી છે તો દેશની મહત્તમ જનતા પણ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવી રહી છે.

અનેક જનતા માટેની યોજના
પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016, મુદ્રા યોજના સહિતના સરકારના નિર્ણયો સફળ રહ્યા છે. જેનો કરોડોની જનતાએ લાભ પણ લીધો છે. જો કે સામે કેન્દ્ર સરકારના કેટલાક એવા નિર્ણયો પણ છે જે ફ્લોપ થયા છે.

મેક ઈન ઈન્ડિયા
મોદી સરકારે આ યોજના દેશમાં વધુ ઉદ્યોગો સ્થપાય તેના માટે શરૂ કરી છે. મોદી સરકારનું ધ્યેય દેશને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે. પરંતુ મેક ઈન ઈન્ડિયા યોજનાને જેટલી એપેક્ષા હતી તેટલી ખાસ સફળતા મળી નથી. પ્રોડક્શન કોસ્ટ મામલે ભારત ચીનને હરિફાઈ આપી શક્યુ નથી. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સ્ટાર્ટ અપ ઈન્ડિયા યોજના પણ ખાસ સફળ થઇ નથી.

NPA પબ્લિક સેક્ટર બેન્ક રિફોર્મ
પહેલા વિજય માલ્યા અને પછી નિરવ મોદી જેવા ડિફોલ્ટર્સને કારણે બેન્કોની એનપીએ સતત વધી રહી છે અને આ ડિફોલ્ટર્સ મોદી સરકારની મુસીબત વધારી રહ્યા છે. બેન્કોની એનપીએ વધતા સામાન્ય માણસોએ વધુ ચાર્જ ચૂકવવાનો વારો આવ્યો છે પરંતુ મોદી સરકાર એનપીએ પર અંકુશ લાવી શકી નથી.

કાળા નાણાનો ખાત્મો
આ એક એવો મુદ્દો હતો જેને 2014ની લોકસભાની ચૂંટણીમાં જોરશોરથી ચગાવાયો હતો. મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ કાળુ નાણું પાછુ લાવવાનો દાવો કર્યો હતો. મોદી સરકારે કાળા નાણા વિરુદ્ધ એસઆઈટી સહિત અન્ય દેશો સાથે સમજૂતી જેવા પગલાં તો લીધા. જો કે આ જ સુધી વિદેશમાંથી કેટલું કાળુ નાણું દેશમાં પાછું આવ્યું તેની સત્તાવાર જાહેરાત સરકારે કરી નથી. વિદેશમાં જતા કાળા નાણા પર સરકાર અંકુશ નથી લગાવી શકી.

મોદી સરકારના ચાર વર્ષ જોઇએ તો બીજેપીએ ઘણાં નિર્ણયો લીધા જેમાંથી કેટલાક સફળ રહ્યા તો કેટલાક નિષ્ફળ. પરંતુ મોટા ભાગે જનતા સરકારથી ખુશ દેખાઈ રહી છે. મોદી લહેર એકદમ ગુમ નથી થઇ. ત્યારે કહી શકાય કે મોદી બ્રાન્ડ શક્તિશાળી બની છે પરંતુ હજી પણ લોકો અચ્છે દિનની રાહ જોઇ રહ્યાં છે.

 
First published: May 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading