પેટ્રોલના ભાવ વધારા પર જ્યાં લોકો ત્રસ્ત થયા છે ત્યાં જ બીજી તરફ કર્ણાટકમાં બુધવારે એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ સાથેની ગઠબંધન બનાવી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં તમામ વિપક્ષી દળો હાજર રહ્યા હતા. ત્યારે પેટ્રોલ અને લોકસભાની આવનારી ચૂંટણીને લઇને ભાજપના નેતા અને જાણીતા કલાકાર પરેશ રાવલે બે ટ્વિટ કર્યા છે. આ ટ્વિટમાં તેમણે શપથ ગ્રહણ કાર્યક્રમમાં જે તમામ વિપક્ષી દળો આવ્યો હતા તેમની તુલના જીજા-સાળીના સંબંધો સાથે કરી હતી. જો કે તમણે કોઇનું નામ નથી આપ્યું પણ "દેખ તમાશા દેખ" તેવું ટ્વિટ કરીને આડકતરી રીતે તેમણે વિપક્ષને આડે હાથે લીધા હતા.
પરેશ રાવલનું ટ્વિટ
પરેશ રાવલે ટ્વિટ કરીને કહ્યું છે કે "મોદીજીને 2019માં રોકવા માટે વિરોધીઓ તેવી રીતે ઊભા છે કે જાણે જીજાને રોકવા માટે સાળી દરવાજા આગળ ઊભી હોય, જો કે સાળીને પણ તે ખબર છે કે જીજાજી તો આવશે જ" બીજી તરફ પરેશ રાવલના આ ટ્વિટ પછી જ્યાં કેટલાક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે તો કેટલાક લોકોએ વિરોધ કર્યો છે. એક વ્યક્તિએ તો ક્રિકેટ અને 2019ની ચૂંટણી સાથે આ તુલના પણ કરી હતી.
પરેશ રાવલે આ સિવાય પેટ્રોલના ભાવ વધારા પર પણ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસની સરકારમાં અનેક વાર પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. પણ મોદી સરકારે હજી સુધી ખાલી બે વાર જ પેટ્રોલના ભાવોમાં વધારો કર્યો છે. જો કે પરેશ રાવલના આ ટ્વિટ પર પણ અનેક લોકોએ તેમને મોદી ભક્ત હોવાની સાથે જ ભાજપ સરકારના જૂના સ્લોગને યાદ કરાવ્યા છે.
જ્યાં પરેશ રાવલના આ પેટ્રોલના ભાવવાળા ટ્વિટ પર લોકોએ પરેશ રાવલને સામે પૂછ્યું હતું કે "શું આજ અચ્છે દિન છે?" ત્યાં જ એક અન્ય વ્યક્તિએ ટ્વિટ કરીને કહ્યું કે શું આ હોર્ડિંગ તમારું જ છે જેના પર તમે પેટ્રોલ ડિઝલના ભાવ મામલે વોટ માંગ્યા હતા?