ગાંધીજીની આત્મકથાનું મલયાલમમાં સૌથી વધારે વેચાણ: વધુ 1 લાખ કોપીનો ઓર્ડર

News18 Gujarati
Updated: October 2, 2018, 8:25 AM IST
ગાંધીજીની આત્મકથાનું મલયાલમમાં સૌથી વધારે વેચાણ: વધુ 1 લાખ કોપીનો ઓર્ડર
ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી અને તેની પ્રથમ આવૃતિ 1927માં પ્રકાશિત થઇ હતી.

ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી અને તેની પ્રથમ આવૃતિ 1927માં પ્રકાશિત થઇ હતી.

  • Share this:
વિજયસિંહ પરમાર

સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતિ ઉજવણી કરવામાં આવી રહી છે. પણ શું તમને ખબર છે, કે ગાંધીજીની આત્મકથા “મારા સત્યનાં પ્રયોગો“ કઇ ભાષામાં સૌથી વધારે વેચાય છે ?

ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી અને તેની પ્રથમ આવૃતિ 1927માં પ્રકાશિત થઇ હતી. કદાચ જાણીને આશ્ચર્ય પણ થશે કે, પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત થયેલી ગાંધીજીની આત્મકથાઓમાં મલયાલમ ભાષામાં પ્રકાશિત થયેલી આવૃતિ સૌથી વધારે વેચાય છે.

વિવિધ ભાષાઓમાં અનુવાદિત અને પ્રકાશિત થયેલી ગાંધીજીની આત્મકથાનાં વેચાણના આંકડાઓની વિગતો રસપ્રદ છે. ગાંધીજીની આત્મકથા અને ગાંધી સાહિત્યના પુસ્તકોનું પ્રકાશન કરતી સંસ્થા-નવજીવન ટ્રસ્ટ-ના આંકડાઓ મુજબ, ગાંધીજીની આત્મકથાની મલયાલમ ભાષાની આવૃતિ 1997માં પ્રકાશિત થઇ હતી. અત્યાર સુંધી બાપુની મલયાલમ ભાષામાં પ્રકાશિત થયેલી આત્મકથાની 7.78 લાખ નકલો વેચાઇ ચૂકી છે અને વધુ એક લાખ નકલોનો ઓર્ડર નવજીવન ટ્રસ્ટમાં પેન્ડિંગ છે અને છપાઇ રહી છે. પ્રાદેશિક ભાષાઓમાં મલયાલમ પછી ‘મારા સત્યના પ્રયોગો’ની તમિલમાં બીજા નંબરે સૌથી વધારે નકલો વેચાઇ છે. તમિલ ભાષાની આવૃતિની 7 લાખથી વધુ નકલો વેચાઇ ચૂકી છે.રસપ્રદ વાત એ છે કે, મલયાલમ ભાષામાં ગાંધીજીના આત્મકથા તો છેક 1997માં પ્રકાશિત થઇ. આમ છતાં પણ તેની 7.78 લાખ નકલો વેચાઇ ચૂકી છે અને હજુ પણ મોટો પ્રમાણમાં વેચાઇ રહી છે. આ સમખામણીમાં, બાપુની આત્મકથા ગુજરાતીમાં સૌથી પહેલા એટલે કે 1927માં પ્રકાશિત થઇ હતી. પણ અત્યાર સુંધીમાં ગુજરાતી ભાષ।માં તેમની આત્મકથાની માંડ 6.29 લાખ નકલો વેચાઇ છે. ગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતીમાં લખી હતી. તેમના અંગત સચિવ મહાદેવભાઇ દેસાઇએ તેમની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો અને અંગ્રેજી આવૃતિ 1927માં પ્રકાશિત થઇ હતી.નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, “પ્રાદેશિક ભાષાઓમાં મલયાલમ ભાષામાં મહાત્મા ગાંધીની આત્મકથા સૌથી વધારે વેચાય છે. કેરળમાં સાક્ષરતાનું પ્રમાણ ઊંચુ છે અને મલયાલમ લોકોમાં વાંચનનું વિશેષ પ્રમાણ પણ આ માટે કારણભૂત હોઇ શકે છે. કરેળમાં ગાંધી વિચારનો પ્રચાર-પ્રસાર કરતી સંસ્થાઓને કારણે પણ ગાંધીજીની આત્મકથાના વેચાણમાં વધારો થયો છે. કેરળમાં ઘણી વ્યક્તિઓ લગ્નપ્રસંગે કંકોતરીની સાથે સાથે ગાંધીની આત્મકથાને ભેટ આપે છે. આ બધા કારણોસર, ગાંધીજીની આત્મકથા મલયાલમ ભાષામાં વધુ વેચાય છે”.

વિવેક દેસાઇએ વધુમાં જણાવ્યુ કે, “ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન ઘણું લખ્યુ છે અને તેમના લખાણોનાં પુસ્તકરૂપે સંપાદનો થયા છે પણ તેમના જીવન અને વિચારને જાણવા-સમજવા માટે ગાંધીજીના ત્રણ પુસ્તકો મુખ્ય ગણાય છે જેમાં ‘મારા સત્યના પ્રયોગો’, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ અને ‘હિંદ સ્વરાજ’ નો સમાવેશ થાય છે.”

‘નવજીવન ટ્રસ્ટ દ્વારા અંગ્રેજી સહિત કુલ ૧૬ ભાષાઓમાં ‘મારા સત્યનાં પ્રયોગો’ પ્રકાશિત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ ‘મારા સત્યના પ્રયોગો’ કાશ્મિરી ભાષામાં પણ પ્રકાશિત થશે. આ સિવાય કુલ ૩૦ વિદેશી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા પ્રકાશિત થયેલી છે. વિશ્વ પ્રસિદ્ધ કેટલીક ટોચની આત્મકથાઓમાં ‘મારા સત્યના પ્રયોગો’નો સમાવેશ થાય છે.”

નવજીવન ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી કપિલભાઇ રાવલે જણાવ્યુ કે, “આગામી ઓક્ટોબર મહિનાથી ગાંધીજીની 150મી જન્મજંયતિ ઉજવાશે. આ ઉજવણીના ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધીજીની આત્મકથા વધુને વધુ લોકો સુંધી પહોંચે એ માટે તેની કિંમત રૂપિયા 80થી ઘટાડીને રૂપિયા 50 કરી દેવામાં આવી છે. ગાંધીજીની 150મી જન્મજંયતિની સાથે સાથે આવનારુ વર્ષ નવજીવન પણ તેના પ્રકાશનની શતાપ્દી ઉજવી રહ્યું છે”.

Vijaysinh.parmar@nw18.com

(નોંધ: સ્ટોરીમાં આપવામાં આવેલા આંકડાઓ નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આવૃતિના આકંડાઓ છે)
First published: August 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading