ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતમાં બિહારના લોકો ઉપર થઇ રહેલા કહેતી હુમલાઓ અને રાજનૈતિક સરગર્મી મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે વાત કરી છે. નિતિશે ગુજરાતના નિર્દોષ લોકો પરના હુમલાને કમનસીબ ગણાવ્યા છે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને વિનંતી કરી છે કે બિહારના લોકોને યોગ્ય સુરક્ષા પૂરી પાડે.
પટણામાં એક કાર્યક્રમ બાદ નીતિશ કુમારે સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે, "મેં ગઈકાલે (રવિવાર) ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે વાત કરી હતી. અમે તેમની સાથે સંપર્કમાં છીએ અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જે ગુનેગાર છે તેને દંડિત કરવામાં કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. "
નીતિશ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ રૂપાણી સાથે વાત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત સરકારે યુપી-બિહારના લોકોને સુરક્ષાનો વિશ્વાસ પણ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે 28 મી સપ્ટેમ્બરે 14 મહિનાની છોકરી સાથે કથિત રીતે બળાત્કાર કરવા બદલ બિહારના એક યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી બિન-ગુજરાતીઓને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ-બિહારના લોકોને લક્ષ્ય બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. વળી, સોશિયલ મીડિયા પર નફરતભર્યા સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આ ઘટનાક્રમ બાદ ગુજરાતમાં યુપી-બિહારના લોકોમાં ડરી ફેલાઈ ગયો છે અને તેઓ ગુજરાતથી ભાગી રહ્યા છે.