Home /News /india /મોદીની કોમેન્ટના એક કલાકમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પોતાનો આદેશ બદલ્યો

મોદીની કોમેન્ટના એક કલાકમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પોતાનો આદેશ બદલ્યો

'ધરોહર ભવન' ખાતે મોદી

નવી દિલ્હીઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તાજેતરમાં કેન્દ્ર દ્વારા રક્ષિત કરવામાં આવેલા સ્થાપત્યોની ફોટોગ્રાફી પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. વડાપ્રધાન મોદીએ આ અંગે પોતાના ભાષણમાં ટિપ્પણી કર્યાના કલાકમાં જ વિભાગે પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હી ખાતે પુરાતત્વ વિભાગના નવા બિલ્ડિંગ ધરોહર ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઐતિહાસિક સ્થાપત્યોની ફોટોગ્રાફી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પાછળના તર્ક પર સવાલ કર્યા હતા.

મોદીએ સવાલ ઉઠાવતા જ હટી ગયો પ્રતિબંધ

મોદીના આદેશ બાદ એએસઆઈએ કલાકમાં જ આદેશ જાહેર કર્યો હતો કે એએસઆઈની દેખરેખ હેઠળના તમામ ઐતિહાસિક સ્થાપત્યો અને પુરાતત્વ વિભાગની સાઇટોની ફોટોગ્રાફી પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જોકે, તાજમહેલના મકબરા, અજંતાની ગુફાઓ અને લેહ મહેલ પર ફોટોગ્રાફીનો પ્રતિબંધ ચાલુ જ રહેશે. નોંધનીય છે કે આર્કિયઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દેશભરની 3,686 જેટલા ઐતિહાસિક સ્મારકો તેમજ પુરાતત્વ સાઇટની દેખરેખ રાખે છે.

કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "વડાપ્રધાન મોદીની દીર્ધદ્રષ્ટી અને તેમની સૂચનમાંથી પ્રેરણા લઈને અજંતાની ગુફાઓ, લેહ પેલેસ અને તાજ મહેલના મકબરાને બાદ કરતા તમામ ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વ સાઇટોની ફોટોગ્રાફી પરનો પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."

મોદીએ ઉઠાવ્યા હતા સવાલ

ગુરુવારે પુરાતત્વ વિભાગના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે મોદીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, લોકો જ્યારે સેટેલાઇટથી આ સ્થાપત્યોની તસવીરો ક્લિક કરી શકે છે ત્યારે તેની ફોટોગ્રાફી ન કરવા દેવા પાછળનો શું તર્ક છે? મને લાગે છે કે લોકોને ફોટોગ્રાફી કરતા અટકાવવા અયોગ્ય છે.

નોંધનીય છે કે વ્યવસાયી ફોટોગ્રાફર્સ, ઇતિહાસકારો અને શૈક્ષણિક સંસ્થાઓએ આવા સ્થાપત્યોની ફોટોગ્રાફી કરતા પહેલા એએસઆઈની મંજૂરી લેવી પડતી હતી. 2006માં એએસઆઈએ એક આદેશ પસાર કરીને રક્ષિત સ્મારકોની ફોટોગ્રાફી કરતા પહેલા મંજૂરી લેવી ફરજિયાત બનાવ્યું હતું.
First published:

Tags: Photography, એએસઆઇ, નરેન્દ્ર મોદી, પ્રતિબંધ