છ મહિનાની દીકરીને સાથે રાખી ફરજ નિભાવતી રહી કોન્સ્ટેબલ, DGPએ ઘર નજીક આપ્યું પોસ્ટિંગ

અર્ચના જયંત

આજકાલ સોશિયલ મીડિયામાં આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. દરેક વ્યક્તિ તેને 'મધરકોપ'ની ઉપાધી આપી રહ્યા છે.

 • Share this:
  લખનઉઃ અવિશ્વસનીય ભારત! આ તસવીરને કેપ્શનની જરૂર નથી. આવું જ એક ટ્વિટ ઉત્તર પ્રદેશના IG નવનીત સેકેરાએ એક તસવીર સાથે કર્યું છે. ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના કોતવાલી થાણાંમાં તમે જશો તો આ દ્રશ્ય જોવા મળશે. આ તસવીરમાં દેખાતી યુવતી સિપાહી અર્ચના જયંત છે. તેના ટેબલ પર ઉંઘી રહેલી બાળકી તેની દીકરી અનિકા છે. અનિકાની ઉંમર છ મહિનાની છે. હાલ અર્ચના એક સાથે બે ફરજ એટલે કે સિપાહી તરીકેની અને એક માતા તરીકેની નિભાવી રહી છે.  ઉત્તર પ્રદેશના ડીજીપીએ આ વાતની નોંધ લઈને અર્ચનાની ટ્રાન્સફર તેના ઘર નજીક કરી આપી છે.

  આજકાલ સોશિયલ મીડિયામાં આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. દરેક વ્યક્તિ તેને 'મધરકોપ'ની ઉપાધી આપી રહ્યા છે. આ તસવીર વાયરલ થયા બાદ મીડિયા તેના સુધી પહોંચ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં અર્ચના કહે છે કે તે ઝાંસીમાં એક ભાડાના મકાનમાં રહે છે.

  અનિકા છ મહિનાની થઈ ત્યાં સુધી તે રજા પર હતી. ઝાંસીમાં અર્ચનાનું કોઈ સંબંધીત ન હોવાથી નોકરી દરમિયાન તેની દીકરીની સારસંભાળ કોણ રાખે તેનો મોટો પ્રશ્નો ઉભો થયો હતો. આથી અર્ચનાએ નાની દીકરીને નોકરી પર સાથે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. અર્ચનાના પતિ ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અર્ચનાની મોટી દીકરી કાનપુરમાં તેના દાદા અને દાદી સાથે રહીને અભ્યાસ કરે છે.


  અર્ચના કહે છે કે થાણાનો સ્ટાફ ખૂબ જ સારો હોવાથી તેને ખૂબ મદદ મળી રહે છે. આમ છતાં ક્યારેક સ્ટાફ ઓછો હોય અને ડ્યૂટી પર બહાર જવાનું થાય તો તે તેની દીકરીને સાથે લઈને જ જાય છે. એટલું જ નહીં નોકરીના ભાગરૂપે ક્યારેક નાઇટ ડ્યૂટી કરવાની થાય તો પણ અર્ચના અનિકાને સાથે જ લઈને જાય છે. પોતાની દીકરીને સંભાળ માટે અર્ચનાએ એક ખાસ બેગ તૈયાર કરી છે. આ બેગમાં અનિકાનો બધો સમાન હોય છે.

  ઘર નજીક પોસ્ટિંગ મળ્યું

  તસવીર વાયરલ થયા બાદ યુપી ડીજીપી ઓ.પી.સિંહે મહિલા સિપાહીને આશ્વાસન આપ્યું હતું કે અર્ચનાના તેની મનપસંદ જગ્યા પર ટ્રાન્સફર મળશે. મહિલા સિપાહી સાથે વાતચીત બાદ ડીજીપીએ તેના ટ્રાન્સફરનો આદેશ કર્યો હતો. અર્ચનાએ પહેલા વિનંતી કરી હતી કે તેના માતાપિતા આગ્રા રહેતા હોવાથી તેને ત્યાં ટ્રાન્સફર આપવામાં આવે. ડીજીપીએ તેની માંગણી પર મહોર મારી દીધી છે.

  Published by:Vinod Zankhaliya
  First published: