અમૃતસરઃ આને માનવતા મરી પરવરી કહો કે પછી આઘાતજનક. અમૃતસરના ટ્રેન અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારજોએ જે દર્દનાક કહાણી વર્ણવી તેના પરથી તો આવું જ કહી શકાય. અમૃતસરમાં શુક્રવારે રાવણ દહનના કાર્યક્રમ દરમિયાન લોકો પર ટ્રેન ફરી વળતા 61 લોકોનાં મોત થયા અને 143 લોકો ઘાયલ થયા. પરંતુ અકસ્માત બાદ જે બન્યું તેનાથી ખરેખર માનવજાતે શરમાવવું જોઈએ.
હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, બચી ગયેલા અને મોતને ભેટેલા લોકોના સંબંધીઓના મતે તેમને જ્યારે તેમના પ્રિયજનોનાં મૃતદેહ મળ્યાં ત્યારે તેમના શરીર પરથી કિંમતી ઘરેણા, તેમના મોબાઇલ ફોન, વોલેટ સહિતની વસ્તુઓ ગાયબ હતી. એટલે કે ચોરી કરનાર તત્વોએ આ કરુણ પ્રસંગમાં પણ તેમની કારી કરતૂતો ચાલુ રાખી હતી.
અકસ્માતમાં 17 વર્ષનો પુત્ર ગુમાવનાર જ્યોતિ કુમારીએ જણાવ્યું કે, "રાવણ દહનના કાર્યક્રમના સંચાલકો અને આયોજકોની ભૂલને કારણે મેં મારો પુત્ર ગુમાવ્યો છે. અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ તેનો રૂ. 20 હજારની કિંમતનો મોબાઇલ ફોન, વોલેટ અને સોનાનો ચેઇન મળ્યો નથી."
તરુણ માખન નામના 19 વર્ષના પુત્રને ગુમાવનાર કમલ કુમારે જણાવ્યું કે,
"મારો 19 વર્ષનો પુત્ર તેના મિત્રો સાથે રાવણદહનનો કાર્યક્રમ જોવા માટે ગયો હતો. બનાવ બાદ તેના મિત્રો તેના મૃતદેહને એક ગાડીમાં નાખીને લાવ્યા હતા. તેનો મોબાઇલ ફોન હજુ સુધી મળી આવ્યો નથી."
દુર્ઘટનમાં પોતાની ત્રણ વર્ષની દીકરી નંદીનીને ગુમાવનાર દીપક કહે છે છે, "હું મારી ત્રણ વર્ષની દીકરી અને દીકરા સાથે રાવણ દહન કાર્યક્રમ જોવા માટે ગયો હતો. મેં મારી દીકરી ગુમાવી દીધી છે તેમજ દીકરો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. દુર્ઘટના વખતે જ્યારે હું મદદ માટે બૂમો પાડી રહ્યો હતો ત્યારે કોઈએ મારી ખિસ્સામાંથી મારા વોલેટની ચોરી કરી લીધી હતી. અકસ્માતમાં મને પગલમાં ઈજા પહોંચી છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર