હિઝબુલની જાહેરાત- 'અમરનાથ યાત્રાળુઓ અમારા મહેમાન, હુમલો નહીં કરીએ'

અમરનાથ ગુફા ખાતે બરફનું શિવલિંગ

 • Share this:
  જમ્મુ-કાશ્મીરના કુખ્યાત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓની સુરક્ષાની ખાતરી આપી છે. હિઝબુલ તરફથી જાહેર કરવામાં આવેલા એક ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે અમરનાથ યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ પર હુમલો કરવાનો તેમને ઉદેશ્ય નથી. જ્યારે રાજ્યમાં સેનાના 'ઓપરેશન ઓલઆઉટ' પર ટિપ્પણી કરતા કહ્યું છે કે, "જો સેનાનું ઓપરેશન સફળ રહ્યું છે તો ખીણમાં એનએસજી કમાન્ડો લાવવા પાછળ શું ઉદેશ્ય છે."

  આ ઓડિયોમાં સંભળાઈ રહેલો અવાજ હિઝબુલ કમાન્ડર રિયાઝ નાઇકૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં આ વીડિયોની અધિકારિક પુષ્ટિ કરવામાં નથી આવી.

  નાઇકૂએ આ વીડિયોમાં કહ્યું છે કે, "અમરનાથ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ પોતાની પરંપરાઓ પૂરી કરવા માટે આવે છે, તેઓ અમારા મહેમાન છે. શ્રદ્ધાળુઓ નિશ્ચિત રહે, અમે તેમને ટાર્ગેટ નહીં કરીએ."

  નોંધનીય છે કે પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવી રહેલું સિઝફાયર ઉલ્લંઘન તેમજ વધી રહેલી આતંકી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમરનાથની યાત્રા પર આવી રહેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સુરક્ષામાં 17 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2017ના વર્ષમાં 204 સુરક્ષા કંપની તહેનાત કરવામાં આવી હતી, આ વર્ષે 238 કંપનીઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે. એસપી કક્ષાના અધિકારીઓને અર્ધસૈનિક દળોની કંપનીઓની આગેવાની કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

  આ સાથે જ 1364 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીર સ્થિત પવિત્ર ગુફાની યાત્રા આ વર્ષે 60 દિવસની રહેશે. આ યાત્રા 27 જૂનથી શરૂ થઈ ગઈ છે. ગત વર્ષે આ યાત્રા 40 દિવસની હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: