મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય (ડબ્લ્યુસીડી)એ દેશભરનાં 539 બાળ સંરક્ષણ ગૃહ અને આશ્રયસ્થાનોને તાળા મારી દીધા છે. મહિલા આશ્રય અને બાળ પુન:વસન ઘરો (સીસીઆઈ)માં જાતીય સતામણીનાં મામલાઓ પ્રકાશમાં આવ્યા બાદ થયેલી તપાસમાં ઘણી બધી અનિયમિતતાઓને કારણે આ પગલુ લેવામાં આવ્યું છે.
બિહારનાં મુઝફ્ફરપુરમાં ઑગસ્ટમાં એક આશ્રય સ્થાનમાં ગંભીર અનિયમિતતા અને 34 નાના બાળકો સાથે કથિત દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ યુપીનાં દેવરીયામાં પણ આવી ઘટનાં સામે આવી હતી. એ પછી જિલ્લા અધિકારીઓને દેશભરનાં સીસીઆઈ કેન્દ્રોની તપાસ પછીનાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું.
આ રિપોર્ટનાં આધારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 377, આંધ્રપ્રદેશમાં 78 અને તેલંગાણામાં 32 આશ્રય સ્થાનોને બંધ કરવામાં આવ્યા. નિરીક્ષણ બાદ એવું જાણવા મળ્યું કે, આશ્રય સ્થાનો સીસીઆઈ નિયમો અને નિશ્ચિત ધોરણોને અનુસરતા નથી. તેમજ કેટલાક તો સરકારી ચોપડામાં નોંધાયેલ પણ ન હતાં. આ પ્રબંધને લઈને વહીવટી તંત્રને કોઈ જાણકારી ન હતી. તેમજ તે આશ્રયસ્થાનોમાં સુધાર કમિટી પણ ન હતી.
મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બંધ કરેલાં બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકોનું સુરક્ષિત રીતે બીજી સંસ્થાઓમાં સ્થળાતંર કરવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તમામ સીસીઆઈની સામાજિક ઓડિટ માટે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ પરિષદ (એનસપીસીઆર)ને આદેશ આપ્યો હતો. એમ પણ કહેવામાં આવ્યું હતું કે અનિયંત્રિત સંસ્થાઓ બે મહિનામાં પોતાની નોંધણી કરાવે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર