Home /News /india /મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલા RSSએ બીજેપીને કહ્યું- 70 ધારાસભ્યોને પડતાં મૂકો

મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલા RSSએ બીજેપીને કહ્યું- 70 ધારાસભ્યોને પડતાં મૂકો

શિવરાજસિંહ ચૌહાણ (ફાઇલ તસવીર)

આરએસએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રાઉન્ડ સ્તર પર કરવામાં આવેલા સર્વે બાદ બીજેપીને પોતાના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ફક્ત છ અઠવાડિયાનો સમય બચ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બીજેપીને 70 ધારાસભ્યોને પડતા મૂકવાનું સૂચન કર્યું છે. આરએસએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રાઉન્ડ સ્તર પર કરવામાં આવેલા સર્વે બાદ બીજેપીને પોતાના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.

સંઘ તરફથી કરવામાં આવેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે બીજેપીના અસંખ્ય વર્તમાન ધારાસભ્યો પોતાના વિસ્તારમાં પ્રદર્શન કરવામાં ખૂબ નબળા રહ્યા છે. જો તેમને ફરીથી ટિકિટ આપવામાં આવશે તો બીજેપીએ નુકસાન સહન કરવું પડી શકે છે.

મંગળવારે બીજેપી પ્રમુખ અમિત શાહે ભોપાલ ખાતે આરએસએસ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સારું પ્રદર્શન નહીં કરનાર ધારાસભ્યો અંગે સંઘે પોતાની નારાજગી તેમની સામે પ્રગટ કરી હતી. અમિત શાહે અહીં સંઘના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી.

આ પણ વાંચોઃ  અત્યારે ચૂંટણી થાય તો BJP જીતશે, કોંગ્રેસની સીટ વધશે પણ સત્તાથી રહેશે દૂરઃ સર્વે

બુધવારે સીએમ શિવરાજસિંહ ચૌહાણના ઘરે યોજાયેલી એક બેઠક દરમિયાન પર બીજેપીના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ ન આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મધ્યપ્રદેશ બીજેપી પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે, મધ્ય પ્રદેશ બીજેપી પ્રમુખ રાકેશ સિંઘ અને જનરલ સેક્રેટરી રામ લાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

બીજેપી હાઇકમાન્ડ તરફથી પણ એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે ઉમેદવારની પસંદગી કરતી વખતે તેઓ ચૂંટણી જીતી શકશે કે નહીં તેના સિવાયના કોઈ પણ માપદંડને ધ્યાનમાં રાખવામાં ન આવે. બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા એમપી બીજેપી પ્રમુખ રાકેશ સિંઘે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

2013ની મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ 165 બેઠક જીતી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે ફક્ત 58 બેઠક ગઈ હતી. મધ્ય પ્રદેશમાં 28મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પરિણામ 11મી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
First published:

Tags: Amit shah, Madhya pradesh, MP election, Narendra Singh Tomar, RSS, ચૂંટણી, ધારાસભ્ય, ભોપાલ