આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ T20 અને ODI શ્રેણી માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. T20 શ્રેણીમાં ભારતની જીત બાદ હવે બંને ટીમો વચ્ચે વન ડે સિરીઝ પણ શરૂ થઈ ગઈ છે, જેમાં 25 નવેમ્બર શુક્રવારે મેજબાન ટીમ ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચ જીતી હતી. સંજોગોવસાત આ વન ડે સિરીઝ તે જ સમયે શરૂ થઈ હતી, જ્યારે 27 વર્ષ પહેલા બંને ટીમો વચ્ચે પહેલી વાર વન ડે સિરીઝ રમાઈ હતી. 1995માં આવી જ એક વન ડે સિરીઝ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જેની પાંચમી મેચ 26 નવેમ્બરે રમાઈ હતી. આ મેચ નાથન એસ્ટલની જબરદસ્ત ઇનિંગ્સ માટે યાદ કરવામાં આવે છે, પરંતુ કમનસીબે આ મેચમાં એક દર્દનાક ઘટના પણ ઘટી હતી.
બરાબર 27 વર્ષ પહેલાં 26 નવેમ્બર 1995ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની વન ડે સિરીઝની છેલ્લી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચના પ્રથમ ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડના ઉભરતા બેટ્સમેન નાથન એસ્ટલનું તોફાની પરફોર્મન્સ જોવા મળ્યું હતું, પરંતુ ઇનિંગ શરૂ થાય તે પહેલાં જ એક ભયાનક ઘટના બની હતી.
દિવાલ ધરાશાયી થતાં 9નાં મોત
એ વખતે VCA સ્ટેડિયમનું 1996ના વર્લ્ડ કપ માટે નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું, તેના ઇસ્ટ પેવેલિયનમાં એક નવી દિવાલ બનાવવામાં આવી હતી. મેચ માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો એકઠા થયા હતા. ન્યુઝીલેન્ડના દાવ બાદ જ્યારે લંચ બ્રેક ચાલી રહ્યો હતો, ત્યારે બીજા અને ત્રીજા સ્તરના દર્શકો બહાર આવી રહ્યા હતા. તે દરમિયાન આ નવી બનેલી દિવાલ ધરાશાયી થતા તેની નીચે અનેક દર્શકો દબાઈ ગયા હતા. જેમાં 9ના મોત થયા હતા.
આ દુર્ઘટનાએ ત્યાં હાજર બધાને ચોંકાવી દીધા, પરંતુ તેમ છતાં આયોજકોએ મેચ રદ્દ કરી ન હતી. ખેલાડીઓને પણ તેના વિશે કહેવામાં આવ્યું ન હતું અને ભારતની ઇનિંગ્સ શરૂ કરવામાં આવી હતી. આયોજકોને ડર હતો કે મેચ રદ્દ થવાની સ્થિતિમાં મોટી સંખ્યામાં દર્શકો હંગામો મચાવશે, જેના કારણે મોટી ઘટના બનવાની સંભાવના હતી.
એસ્ટલની સદી અને ભારતની હાર
આ બધું થવા છતાં મેચ પૂર્ણ થઈ અને ન્યુઝીલેન્ડે ભારતને 99 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. કિવી ટીમે પ્રથમ બેટિંગ કરી અને નાથન એસ્ટલે વનડેમાં પોતાની પ્રથમ સદી ફટકારી. તેની 114 રનની ઇનિંગ્સના આધારે ન્યુઝીલેન્ડે 8 વિકેટ ગુમાવીને 348 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીની વન ડે સિરીઝનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. જવાબમાં ભારતીય ટીમ 40 ઓવરમાં માત્ર 249 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સચિન તેંડુલકરે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર