Home /News /gujarat /ક્યારે લખાયું હતું પહેલું ગુજરાતી નાટક? જાણો જૂની રંગભૂમિના ગીતો અને કેટલીક અજાણી વાતો
ક્યારે લખાયું હતું પહેલું ગુજરાતી નાટક? જાણો જૂની રંગભૂમિના ગીતો અને કેટલીક અજાણી વાતો
ગુજરાતી રંગભૂમિનો ઐતિહાસિક વારસો
કહેવાય છે કે કે જયાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. એક સમયે જ્યારે મનોરંજન માટેના ખાસ કોઈ સાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે નાટક મંડળી દ્વારા લોકોને મનોરંજન પુરું પાડવામાં આવતું, વિવિધ વેશ ભજવાતા અને કલાકારો પેટીયું પણ રળતા. આજે 'વિશ્વ રંગભૂમિ દિવસ' છે ત્યારે કેટલાક ગીતોનો ખજાનો આપની સાથે વાગોળીએ.
ભેગું કર્યા પછી ત્યાગની ભાવના સેવે છે, આ માણસ પણ જુઓ,બે કિરદારમાં જીવે છે
ગાંધીધામના કવિ દીપક પુરી દર્દેદિલે અનોખી રીતે રંગભૂમિ દિવસની ઉજવણી કરતા માનવીની આજની જિંદગી અને રંગભૂમિના કલાકારના કિરદારનું ખૂબ જ સરસ રીતે તાદાત્મય સાધ્યું છે. તો ગુજરાતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટ જણાવે છે કે.....
ચલ ભજવ ભજવ જે વેશ મળ્યો તું નચ સોણીએ આ પડદો પારાવાર ખસ્યો તું નચ સોણીએ..
ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગાબાપુ દ્વારા તૈયાર કરાવાયેલ ગુજરાતી ભાષાનો વૈભવ ગણાતા ભગવદ્ગોમંડળમાં રંગભૂમિ શબ્દ માટે કથા, ગાયન, નાટક કે ભાષણ કરવા માટે બનાવેલો ચોતરો જેવા અનેક અર્થ આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં ગુજરાતી ભાષાના આશરે 3.5 લાખથી વધુ શબ્દો આપ્યા છે.
વિશ્વની રંગભૂમિની વાત કરીએ તો 'વિશ્વ રંગભૂમિ દિવસ'ની ઉજવણીની શરૂઆત આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા દ્વારા ઈ.સ 1961થી કરવામાં આવી હતી. આજના દિવસે અનેક રંગમંચની સંસ્થાઓ દ્વારા ખાસ પ્રકારના કાર્યકમ કે સ્પર્ધાનું આયોજન પણ થાય છે.
આપણી ગુજરાતી રંગભૂમિ એ આપણી ઓળખ અને આપણો વારસો છે. આ રંગભૂમિ પર વિશ્વની રંગભૂમિની અસર જોવા મળે છે એમ કહેવામાં આવે તો ઓછું નથી. વર્ષો જૂની આ પરંપરાના ઇતિહાસના પાનાં ફેરવતા ગુજરાતી નાટક 1280માં લખાયું હોવાનું જાણવા મળે છે. "તા થૈયા થૈયા તા થઈ" શરૂ થઇ આજકાલ કરતા 165 થી વધુ વર્ષ જૂની આપણી ગુજરાતી રંગભૂમિએ અનેક ચઢતી-પડતી જોઈ છે. અનેક નામી-અનામી કલાકારો તથા નાટકમંડળી રંગભૂમિનાં રંગદેવની આરાધનામાં મગ્ન બની કેટલાય સન્માન મેળવ્યા છે. કેટલાય કલાકારોએ પોતાની કારકિર્દીની શરૂઆત રંગભૂમિથી કરી છે. જાણીતા ગઝલ સામ્રાજ્ઞી બેગમ અખ્તર જાણીતું નામ અચૂક લેવાય છે તથા જાણીતા લોકસાહિત્યકાર હેમુ ગઢવીએ ૨૦ વર્ષ સુધી રાણકદેવી નાટકમાં રાણકદેવીનો વેશ ભજવ્યો છે તે કેમ ભૂલી શકાય? ઓલ્ડ થિયેટરના અંગ્રેજી નામે જાણીતી આ પરંપરા આજે ઓક્સિજન પર જીવી રહી છે.
કહેવાય છે કે કે જયાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. એક સમયે જ્યારે મનોરંજન માટેના ખાસ કોઈ સાધનો ઉપલબ્ધ નહોતા ત્યારે નાટક મંડળી દ્વારા લોકોને મનોરંજન પુરું પાડવામાં આવતું, વિવિધ વેશ ભજવાતા અને કલાકારો પેટીયું પણ રળતા. આજે 'વિશ્વ રંગભૂમિ દિવસ' છે ત્યારે કેટલાક ગીતોનો ખજાનો આપની સાથે વાગોળવાનું મન થાય છે. રંગમંચ પર જે કાઈ ભજવાતું તેમાં રીટેક નહોતા થતાં સ્ટેજ ઉપર સીધું ટેઇક જ હોય છે.
" પ્રથમ ગણપતિનું ધ્યાન તમે ધરજો રે માં ને મુજરો કરીને ચાચર રમજો રે"
તો વળી
દુંદાળો દુખ ભંજનો અને સદા એ બાળે વેશ એ જી દુંદાળો દુખ ભંજનો જી…જી…એ જી.. અને સદા એ બાળે વેશ પ્રથમ પેલા સમરિયે, હો શ્રીગૌરીનંદ ગણેશ
ગણપતિ આરાધનાથી શરુ થયેલા નાટકોમાં ઝાંઝ, તબલા, પેડલ વાજું અને ભૂંગળ જેવા વાજિંત્રોનાં સાથે સાથે વિવિધ ગીતો ગાઇને જુદા-જુદા વેશ ભજવવાની પરંપરા છે. કોઇપણ નાટકની શરૂઆત ગણપતિ આરાધના દ્વારા કરવામાં આવતી જેમાં નાટકના તમામ કલાકારો સાથે સ્ટેજ પર આવી ગણપતિ વંદના કરતા હતા.
'અરુણોદય' નાટકનાં આ ગીતમાં પિયુને સંદેશ મોકલતી વેળાએ સ્ત્રી ધણી જ્યારે આવે ત્યારે તેની માટે શું-શું સાથે લેતા આવજો તે વસ્તુઓની યાદી આ ગીતમાં લખીને મોકલાવે છે. ઘણા લાંબા સમયથી ભરથારની વાટ જોઇને બેઠેલી પત્ની ઘરે પરત આવવાનો કોલ આપે છે.
આવી જ એક અન્ય જાણીતી રચના એટલે 1936માં ભજવાયેલા 'હંસાકુમારી' નાટકમાં ગવાયેલું અને જાણીતા કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની કલમે લખાયેલું ગીત..
"સાહ્યબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની"
આ ભાવવાહી રચના મોહન જુનિયર નામના સંગીત નિર્દેશકે કંપોઝ કરી છે. એ સમયમાં એવું કહેવાતુ કે આ નાટક ભજવાતી વખતે આ ગીત ૪૦-૫૦ મિનીટ સુધી ગવાતું હતું.આજે આ કર્ણપ્રિય રચના લગ્નગીતમાં કે ગામડાના કોઈ ખોરડે અચૂક સંભળાય છે.
૧૯૪૧માં ભજવાયેલા નાટક "સંપત્તિ માટે" ની ઘણી બધી રચનાઓ અમર બની છે.
" ધનવાન જીવન મા'ણે છે નિર્ધન એ બોજો તાણે છે કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે "
આ ગીતમાં જીવનની વાસ્તવિકતા રજુ કરાઈ છે.આ નાટકનું બીજું એક ગીત લ્યો 'મા'ણો'.
આ રચના સાંભળનારને પોતાના બાળપણની યાદો અચૂક તાજી થઇ જાય છે. જયારે આવા નાટકોની રજૂઆત રંગભૂમિ પર કરાતી ત્યારે દર્શકોની વાહ-વાહ અચૂક મળતી અને કલાકારને પ્રોત્સાહન પણ આપવામાં આવતું.
પતિ-પત્નીનાં સંવાદો રજુ કરતા કેટલાય નાટકો રંગભૂમિ પર ભજવાયા છે. તે નાટકો પૈકીના એક નાટકનું જાણીતું ગીત એટલે...
આ ગીત દ્વારા ગામડાની ગોરી અને ભણેલ-ગણેલ પ્રોફેસરનાં દાંપત્યજીવનની વાત વણી લેવાઈ છે. ગુજરાતી રંગભૂમિનું સમૃદ્ધ નાટક એટલે 'માલવપતિ મુંજ'. તેનું આ ગીત આજે પણ સંભારણા રૂપી બન્યું છે.
" હૃદયનાં શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે નાં પરવા માનની તોયે બધા સન્માન ઓછા છે "
આ ગીતની પ્રસ્તુતિ વખતે 'વન્સમોર' અચૂક કરવામાં આવતું. આવું જ એક ગીત એટલે ' છત્રવિજય' નાટકમાં ભજવાયેલું અને પછી ફરતું-ફરતું જાણીતા સંગીતકાર નૌશાદ સાહેબ સુધી પહોચ્યું અને બહુ જ વખાણ પામેલ ફિલ્મ ' મુગલે આઝમ'નું નટખટ કૃષ્ણલીલા દર્શાવતું ગીત એટલે...
તો નવી રંગભૂમિના ગીતો પણ ખરેખર આજની પેઢીએ માણવા જેવા છે..કહો, મકનજી ક્યાં ચાલ્યા ? જાણીતા કવિ અને નાટ્યાકાર સિતાંશુ યશશ્ચન્દ્રનું આ ત્રિઅંકી નાટક ખરેખર માણવા જેવું છે.તેની એક રચના ખૂબ જ જાણીતા છે જે નિમેષ દેસાઈએ સ્વરબદ્ધ કરી છે.
"જોજો જોજો પડી ન જાય,કોઈને મકનજી ઢાંકેલું આપનું આંસુ જડી ન જાય,જોજો જોજો પડી ન જાય
આંબલીયા ડાળેથી કેરી પડેને, એ જો પાકેલી હોય તો સારું ઓરે મકનજી, ખારું ખારું ખારુંને સાવ સાચુ છે આંસુ તમારું એ તો લોયું કોઈથી લોવાય, જોજો જોજો પડી ન જાય"
રંગભૂમિનો આ અમૂલ્ય વૈભવ 25 હજારથી વધુ ગીતોનો ખજાનો ધરાવે છે. આજે આવી અનેક રચનાઓ રેડિયો સ્ટેશનમાં કે રેકર્ડસમાં સચવાયેલી ધૂળખાતી પડી છે. પોપ કલ્ચરે જૂની રંગભૂમિનાં ગીતોની જગ્યા લીધી છે છતાં નિમેષ દેસાઈ, ધીરેન્દ્રભાઈ સોમાણી જેવા નામી-અનામી રંગભૂમિનાં રખોપિયાએ આ વારસાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમના ગયા પછી પણ તેમના વિદ્યાર્થીઓ આ પરંપરાની ધૂણી જગાવી રાખી છે.
ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ દ્વારા 1835થી 2003 સુધીના 150 વર્ષનો ઈતિહાસ રજુ કરતો ગ્રંથ ' ગુજરાતી રંગભૂમિ રિધ્ધિ અને રોનક' તૈયાર કરીને આવનારી પેઢીને વારસા સ્વરૂપે આપવાનો પ્રયાસ કર્યો છે. એવા અનેક કલાકારો પણ ગુજરાતમાં હયાત છે જેમણે પોતાની જીંદગીના 30થી વધારે દાયકા રંગભૂમિની આરાધના માટે અર્પણ કર્યા છે. આજના દિવસે દરેક માણસ પોતાની અંદરના કલાકારને જીવતો રાખે, ધબકતો રાખે તેવી આજના વિશ્વ રંગભૂમિ દિવસની સૌને શુભેચ્છાઓ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર