અમદાવાદ: યુવતીને હનીમૂનમાં પણ એન્જોયમેન્ટ ન મળ્યું! દારૂડિયા પતિની ઊલટીઓ સાફ કરીને માર ખાવો પડ્યો

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

હનીમૂન ગયા બાદ યુવતીનો પતિ ચિક્કાર દારૂ પી જતો અને ઊલટીઓ કરતો હતો. પત્ની તે સાફ કરે તો પણ તેની પર શક રાખી માર મારતો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને લગ્ન બાદ હનીમૂન જવામાં પણ ખુશી નહિ પણ માર પડ્યો હોવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે. હનીમૂન ગયા બાદ યુવતીનો પતિ ચિક્કાર દારૂ પી જતો અને ઊલટીઓ કરતો હતો. પત્ની તે સાફ કરે તો પણ તેની પર શક રાખી માર મારતો હતો. સમગ્ર બાબતોથી કંટાળી દારૂડિયા અને દહેજ ભૂખ્યા પતિ સહિતના સાસરિયાઓ સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘાટલોડિયામાં રહેતી 26 વર્ષીય યુવતીના માન્ડલ ખાતે રહેતા યુવક સાથે વર્ષ 2017માં લગ્ન થયા હતા. લગ્નના એકાદ વર્ષ સુધી યુવતીને તેના સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. પણ જ્યારે યુવતી તેના પતિ સાથે હનીમૂન માટે શિમલા ફરવા ગઈ ત્યારે તેનો પતિ ચિક્કાર દારૂ પીને ઉલટીઓ કરતો હતો. યુવતી તે ઊલટીઓ સાફ કરતી તો તેની પર શંકાઓ રાખી તેનો પતિ માર મારતો હતો. એક દિવસ યુવતીનો પતિ દારૂ પીને આવ્યો હતો અને બાદમાં યુવતીને માર માર્યો હતો. આ બાબતે યુવતીએ સાસુ સસરાને ફરિયાદ કરતા તેઓએ તેમના પુત્રનું ઉપરાણું લઈ યુવતીને જ ખોટી ઠેરવી હતી. ત્યારબાદ દારૂ પીને માર મારી યુવતીને તેના પતિએ કાઢી મુકતા તે વિઠલાપુર ચોકડી તરફ જતી હતી. ત્યારે પોલીસે તેને જોઈ જતા પૂછપરછ કરી હતી અને બાદમાં યુવતીને સાસરે મૂકી તેના સાસરિયાઓને સમજાવ્યા હતા.

થોડા સમય બાદ બને પક્ષના લોકોએ મિટિંગ પણ કરી હતી ત્યારે યુવતીના સાસરિયાઓ એ તેને ખરાબ ચારિત્ર્યની જણાવી અપમાન કર્યું હતું. ત્યારબાદ યુવતીના પિતાને કોરોના થયો હતો અને દીકરીના ટેનશનમાં આવી જતા યુવતીના પિતાનું અવસાન થયું હતું. ત્યારે લગ્ન કરાવી આપનાર વ્યક્તિ યુવતીના ઘરે ગયા અને તેના સાસરિયાઓ દહેજમાં કઈ ન આપ્યું હોવાનું કહી 10 લાખની માંગણી કરતા હોવાનું કહ્યું હતું. જો 10 લાખ ન આપે તો છૂટું કરવાનું પણ કહીને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં યુવતીના સાસરિયાઓએ યુવતીના ભાઈને તેની બહેનને ભાડે મોકલી આપવાનું કહી અપમાનિત કર્યા હતા.

આ પણ વાંચો- અમદાવાદ: પતિની નફ્ફટાઈ, 'એસીનું બિલ ઓછું આવે એટલે ભાણી સાથે કપડાં વગર સુઈ ગયો હતો'

જેથી આ બાબતોને લઈને સોલા પોલીસસ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પણ બાદમાં સાસરિયાઓનો ત્રાસ ચાલુ રહેતા આખરે મહિલા પોલીસસ્ટેશન માં મહિલાએ ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published: