Home /News /gujarat /અમદાવાદના લારીગલ્લાવાળા, પાથરણાવાળા અને ગરીબો 'નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ'માંથી ગાયબ!

અમદાવાદના લારીગલ્લાવાળા, પાથરણાવાળા અને ગરીબો 'નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ'માંથી ગાયબ!

રસ્તાઓ ઉપર બેસીને ધંધો કરી ગુજરાન ચાલવતા લોકોના હિતની રક્ષા કરવા માટે "ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ"ની રચના કરેલી અને તેના નિયમો પણ બનાવેલા. આ નિયમોનું પાલન કેમ નથી થતું ?

રસ્તાઓ ઉપર બેસીને ધંધો કરી ગુજરાન ચાલવતા લોકોના હિતની રક્ષા કરવા માટે "ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ"ની રચના કરેલી અને તેના નિયમો પણ બનાવેલા. આ નિયમોનું પાલન કેમ નથી થતું ?

  સંજય કચોટ, ન્યૂઝ18 ગુજરાતી

  આજથી અઠવાડિયા-પંદર દિવસ પહેલા આસામમાં 'નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ' (એનઆરસી)ની એક યાદી બહાર પડેલી અને જણાવ્યું કે 40 લાખ લોકો "બહાર"ના છે ! આ પછી તો ધમાચકડી મચી ગઈ; રાજકીય ગરમાવો આવી ગયો અને હંમેશા જેમ થતું આવે છે તેમ આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરુ થઇ ગઈ.

  આ એનઆરસી જેવું જ કૈક અહીં આપણા અમદાવાદમાં થયું. અમદાવાદમાંથી પણ રાતોરાત લારીગલ્લાવાળા, પાથરણાવાળા, ખુમચાવાળા અને ગરીબ વ્યવસાયકારો ગાયબ થઇ ગયા! ગુજરાતની વડી અદાલતે હુકમ છોડ્યો કે, 'અમદાવાદની ટ્રાફિકની સમસ્યા ઉકેલો' અને સત્તાતંત્ર લાગી ગયું. હુકમ બરાબર છે, પરંતુ આપણા સત્તાધીશો અને વહીવટીતંત્રના મંધાતાઓનું અર્થઘટન કદાચ અધૂરપ વાળું હતું. શું અદાલતે એવું કહ્યું હતું કે, આ હુકમનો અમલ કરતી વેળા તમે રોડ-રસ્તા ઉપર બેસીની નાનો-મોટો ધંધો કરતા ગરીબ માણસની રોજગારી છીનવી લ્યો ? ના, કદાચ નહિ.

  આજકાલ અમદાવાદ શહેરના સુંદર, પહોળા અને સ્વચ્છ રસ્તાઓ જોઈને શહેરીજનો ખુશ છે. ટ્વિટ્ટર અને ફેસબૂક જેવા સોશ્યિલ મીડિયામાં માનસિક રીતે સત્તાતંત્રની ‘ગુલામી’ સ્વીકારી લેનારા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો તંત્રએ રાતોરાત ગરીબોને રસ્તા પરથી તગેડી મૂક્યા તેનો વિવિધ પોસ્ટ કરીને આનંદ લઇ રહ્યા છે ! હા, પણ આ લોકોએ ક્યારેય વિચાર્યું કે તમારા માટે તો આ માત્ર 'કચરો' હતો, જેની 'રોજીરોટી' છીનવાઈ ગઈ તેનું શું ?

  સરકારે તો લાંબા સમયના સંઘર્ષ પછી રસ્તાઓ ઉપર બેસીને ધંધો કરી ગુજરાન ચાલવતા લોકોના હિતની રક્ષા કરવા માટે "ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ"ની રચના કરેલી અને તેના નિયમો પણ બનાવેલા. આ નિયમોનું પાલન કેમ નથી થતું ? શા માટે આ મામલે કોઈ પ્રો-એક્ટિવ એકશન સરકાર નથી લેતી ? શું સરકાર આ નિયમ લાગુ કરાવવા ગરીબ-પીડિતોની સહાયે આવશે ?

  અદાલતની એક ટકોર પછી ખૂબ જ 'ટૂંકા ગાળા'ની સાફસફાઈ કરવામાં તંત્ર અને પોલીસ હદ વટાવી ગયા અને 'નબળી નાર પર ધણી શૂરો' એ ન્યાયે તંત્રએ ગરીબ અને પીડિત લોકોની રોજગારી છીનવી તેની 'મર્દાનગી'નું વરવું પ્રદર્શન કર્યું ! તમને યાદ હશે જ : ચીન અને જાપાનના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદમાં આવ્યા ત્યારે ગરીબોની ઝુપડપટ્ટીને પડદાઓથી ઢાંકી દેનારી આ નિર્માલ્ય સરકાર પાસેથી વધુ અપેક્ષા પણ શું રાખી શકાય ?

  કેમ આપણી સરકારને ટાઉન પ્લાનિંગ વિના ખડકાઈ જતી સોસાયટીઓ અને પાર્કિંગ વિહોણા કૉમર્શિઅલ કોમ્પ્લેક્સીસ નથી દેખાતા ? આ મંજૂરીઓ કોણ આપી દે છે ? વળી, ગેરકાયદે વધી રહેલી ઈમારતોને 'ઈમ્પૅક્ટ ફી' થી નિયમિત બનાવી દો છો ત્યારે તમારા નિયમો ક્યાં ખોવાઈ જાય છે ? કોર્પોરેશન અને સરકારની આ પૉલ પ્રતિવર્ષ પ્રિ-મોન્સૂન પ્લાન્સ અને વરસાદ ખોલી નાખે છે.

  મોટા ઉપાડે બોગોટા-કોલંબિયાનું અનુસરણ કરી સરકાર અમદાવાદમાં 'બસ રેપિડ ટ્રાન્જીટ સિસ્ટમ' (બીઆરટીસ) લઇ આવેલી. 14 ઓક્ટોબર, 2009માં જયારે આ 'જનમાર્ગ' શરુ થયો ત્યારે મોટી-મોટી વાતો થઇ હતી કે ટ્રાફિકની સમસ્યાનો અંત આવી જશે અને લોકોને જાહેર પરિવહનની સારી સુવિધા પ્રાપ્ત થશે, વગેરે વગેરે. પરંતુ આજે શું સ્થિતિ છે તે સૌ કોઈ જાણે છે. બીઆરટીએસના કારણે રસ્તાઓ સાંકડા થઇ ગયા છે. આ કારણે ટ્રાફિકની અડચણો ઉત્પન્ન થઇ છે. 'શટલ રીક્ષા' જ્યાં નહોતી દેખાતી ત્યાં દેખાવા લાગી છે. આટલું ઓછું હોય તેમ આજકાલ શહેર 'મેટ્રો ટ્રેન'ના વાદે ચડ્યું છે. 'બીઆરટીએસ' ના નામનું એક ગલકું તો બટકયું હતું, ત્યાં સરકારે 'મેટ્રો ટ્રેન'ની ઘંટડી પ્રજાના ગળે બાંધી! હવે ટકોરીઓ વગાડ્યા કરો અને મજા કરો.

  રિવર ફ્રન્ટની સુંદરતા દેખીને ગાંડા થનારા અમદાવાદીઓ ક્યારેક તમારા હૃદય ઉપર હાથ મૂકીને પૂછજો કે, નદીના કાંઠે રહેનારા એ લાખો પરિવારો અત્યારે ક્યાં છે ? શું તેમનું પુનઃ સ્થાપન થયું ? જો થયું તો ક્યાં અને ખરેખર પુનઃ સ્થાપનના હકદાર હતા તેમને જ તેમનો હક્ક મળ્યો ? શાંત જળમાં પાણી નાખવાનું સરકાર બંધ કરે. નિયમોની ખંજવાળ આવતી હોય તો ઘણા નિયમો છે; લાગુ કરી બતાવે ! લોકોની છત અને રોજગાર છીનવીને શહેરોનું 'ફેબ્રિક' શા માટે બગાડો છો ?

  ભાઈ; રોજગારી નથી એવું તો કેન્દ્ર સરકારના મંત્રી કહી ચુક્યા છે. સરકાર રોજગાર આપવામાં ઉણી ઉતરી છે તે હકીકત છે. જો તમે આપી ન શકતા હો; તો તમને છીનવવાનો અધિકાર કોણે આપ્યો ? આ ગરીબોનો રોજગાર છીનવાયો છે. પરિવારો વિખરશે. જે સંવેદના તમારી અને મારી આપણા પરિવાર માટે છે, એ જ સંવેદના આ ગરીબ પરિવારોની પણ તેમના પરિવારના સભ્યો પ્રત્યે છે. જો જો, ક્યાંક આપણી સંવેદનહીનતા કોઈ સામાજિક ક્રાન્તિની જનક ન બને!
  Published by:sanjay kachot
  First published:

  Tags: HC, Law Garden, Municipal Commissioner, River front, Road, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन