Home /News /gujarat /

શિક્ષણનો રૂ. 3000-5000 કરોડનો ધંધો બંધ થતો હશે, શું?

શિક્ષણનો રૂ. 3000-5000 કરોડનો ધંધો બંધ થતો હશે, શું?

વાલીઓ, શિક્ષણવિદ્દો અને સમાજને મૂર્ખ બનાવવાની વાતો સરકાર બંધ કરે !

વાલીઓ, શિક્ષણવિદ્દો અને સમાજને મૂર્ખ બનાવવાની વાતો સરકાર બંધ કરે !

અમદાવાદ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સ્થિતિ "સાપે છછૂંદર ગળ્યા" જેવી થઇ છે ! મગનું નામ મરી પડી તો ગયું પણ હવે જે બળતરા ઉપડી છે; તેની આપવીતી કહેવી તો કોને કહેવી ? 'ફી નિર્ધારણ સમિતિ"બનશે, રૂ.15, 25 અને 27હજારના અલગ-અલગ માળખામાં ફી લઈશું, અમલવારી નહિ કરનારી શાળાને દંડીશું, 'શિક્ષણ અધિકારનો કાયદો' લાગુ કરાવીશું વગેરે, વગેરે...ગુજરાત વડી અદાલતે સરકારના નિર્ણય પર મહોર મારી એટલે હાલ તો શિક્ષણવિભાગ "એ'ય ને ટેસડા"માં છે, પરંતુ લગભગ રૂપિયા 3000 થી 5000 કરોડનો શિક્ષણનો વાર્ષિક ધંધો બંધ થાય એ ખાનગી શાળા સંચાલકોને અને સરકારને પોસાય? આ આંકડો વધુ હોઈ શકે છે.

ખાનગી શાળાઓ પર નિયમન એ પ્રજાને મૂર્ખ બનાવવાની આ વાત છે ! હવે 12 જાન્યુઆરીના રોજ વાલીમંડળે ફી મુદ્દે “શાળા બંધ”નું એલાન આપ્યું છે. ફોગટનો કકળાટ છે, આ બધો : ત્રણ-ચાર દિવસ બિનસત્તાવાર "ઉત્તરાયણ"ના વેકેશનથી વિશેષ કશું જ નહિ. આ તો ફાઇવ-સ્ટાર કે સારી ગણાતી રેસ્ટોરન્ટ્સ તમને ના પોસાય એટલે તેને બંધ કરવા જેવી વાત થઇ ! ભાઈ, ના જશો ખાનગી શાળામાં ના પોસાય તો : એવા પરિવારો, વાલીઓ માટે સરકારી શાળા છે જ. વળી, આપણી સરકારે "શિક્ષણ" ક્ષેત્રે જબરદસ્ત "વિકાસ"કર્યો જ છે. ભણો સરકારી શાળામાં અને ચાખો વિકાસના મીઠા ફળને !  આપણે એવું શીખ્યા છીએ કે, "કોઈની લીટી નાની ન કરવી, તમારી લાંબી જરૂર કરવી".સરકાર પાસે ત્રેવડ નહોતી એટલે જ લગભગ 7000 થી વધુ ખાનગી શાળાઓ રાજ્યભરમાં ખુલી ગઈ. મંજૂરી પણ કંઈ ઉપરથી તો નહોતી જ આવી’ને ? બાળકો, શિક્ષણ, ગુણવત્તા અને વાલીઓ પર આર્થિક બોજની એટલી જ ચિંતા હતી તો સારી શાળાઓ, સક્ષમ શિક્ષકો, ઉત્તમ પગાર, અભૂતપૂર્વ માળખાકીય સુવિધાઓ આપતા સરકારને કોણ રોકતું હતું ?

સરકારને મુદ્દે કોઈ "લાયબિલિટી" જોઇતી જ નથી. સારું શિક્ષણ અને આરોગ્ય વિષયક સુવિધાઓ આપીને સરકાર કંઈ પ્રજા પર ઉપકાર નથી કરતી. શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ ખાનગીકરણ કરવું એ ગુજરાત સરકારની નીતિ રહી છે. સરકાર પોતે તેને એક ધંધો માને છે. સરકારે પોતે જ શિક્ષણને વેપારનું સાધન બનાવ્યું છે. ઉચ્ચતર શિક્ષણમાં તો સ્વનિર્ભર અભ્યાસક્રમોની ભરમાર છે. આ રીતે તે ગરીબ વિદ્યાર્થીઓ ભણી જ ના શકે અથવા  તેમના મા-બાપ કાયમ માટે દેવામાં જ ડૂબેલાં રહે તેવું કાવતરું કરે છે.

એક સમય હતો જયારે કસ્તુરભાઈ લાલભાઈ, અંબાલાલ સારાભાઈ, શ્રેણિક લાલભાઈ, હરિવલ્લભ કાલિદાસ, માણેકચંદ પ્રાણજીવન મહેતા, સંતોકબા નાનજી કાલિદાસ, ભાઇલાલ દ્યાભાઈ પટેલ (ભાઇકાકા), છોટુ કેશવ પીઠાવાલા, કચ્છના લોહાણા અને ભાનુશાલી ટ્રસ્ટ, દીપચંદ ગાર્ડી સહિતના કેટલાય સખાવતી શિક્ષણ શ્રેષ્ઠીઓ ને કારણે લોકોને ઉત્તમ અને કિફાયતી શિક્ષણ પ્રાપ્ત થતું હતું. ગુજરાતની એ મહાજન-શિક્ષણ સખાવતી પરંપરાને  પણ સરકારની બદલાતી વ્યવસાયિક અને ખાનગીકરણની નીતિનો એરૂ આભડી ગયો છે. જો કે હજુ આમાંથી કેટલીક સંસ્થાઓ બાકાત છે, પણ એ હરીફાઈની સ્થિતમાં ક્યાં સુધી ટકશે ?

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે અણઘડતા ચાલે છે એટલી તો ભાગ્યે જ કોઈ ક્ષેત્રમાં હશે ! અત્યારે વાત માત્ર પ્રાથમિક શિક્ષણની જ કરીએ।  રાજ્યમાં કુલ 40,746 પ્રાથમિક શાળાઓ છે અને તેમાં ખાનગી 7,191 અને સરકારી 33,518 છે. આ પૈકીની 72.51 % શાળાઓ જ ધોરણ 1 થી 8 ધરાવે છે. એટલેકે 27.49 ટકા શાળાઓમાં આઠ ધોરણ છે જ નહિં; જે ‘શિક્ષણના અધિકારના કાયદા’ મુજબ હોવા જોઈએ. આ દ્રષ્ટિએ ચોથા ભાગ કરતાં પણ વધુ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરેપુરું આપવામાં આવતું જ નથી.  2013-14માં કુલ પ્રાથમિક શાળાઓમાં ખાનગી શાળાઓ 21.97 ટકા હતી. પછીના વર્ષે તે 22.64 ટકા થઈ અને 2015-16માં તે 23.17 ટકા થઈ ગઈ. આમ, લગભગ ચોથા ભાગની પ્રાથમિક શાળાઓ ખાનગી થઈ ગઈ છે. જેના પરિણામે લગભગ 50 લાખ વાલીઓ પર તેમનાં બાળકોને ભણાવવાનો ભયંકર આર્થિક બોજો પડી રહ્યો છે.

હવે જયારે રાજ્યની 25 ટકા જેટલી પ્રાથમિક શાળાઓ ખાનગી હાથોમાં ગઈ ત્યાં સુધી શિક્ષણ વિભાગ શું સૂતો હતો ? આ શાળાઓને મંજૂરી કોણ આપી ? મંજૂરી આપતી વખતે ફી નિર્ધારણની નીતિ યાદ ન આવી ? એક તબક્કે માની લો કે, સર્વોચ્ચ અદાલતમાં ખાનગી શાળા સંચાલકો હારી જાય તો જેણે નફો રળવાની વૃતિથી જ સંસ્થાઓ ખોલી હતી તેઓ તેને કૉમર્શિઅલ સંકુલમાં શા માટે તબદીલ ના કરે અથવા બંધ શા માટે ના કરે ? એવું પણ બને કે, કાળા નાણાંને સફેદ કરતા મોટા ઔધોગિક ગૃહોના "સીએસઆર પ્રોજેક્ટ" હેઠળ તેમની શાળાઓને મૂકી દે. સરકાર તો હોશિયાર છે જ. પ્રજા અને વાલીઓ મૂરખા છે, જે સરકારની વાતોમાં આવે છે !

ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ પાછળ 2012-13માં રૂ.14.607નું ખર્ચ થતો હતો.  કેરળમાં રૂ.33,667નું ખર્ચ થતો હતો. જો 2017-18ના શિક્ષણ પાછળના કુલ રૂ.21.909 કરોડના ખર્ચને અને કુલ 1.32 કરોડ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈએ તો વિદ્યાર્થી દીઠ સરેરાશ ખર્ચ રૂ.16.598 થાય છે. બીજી તરફ રાજ્યની જીડીપીના સંદર્ભમાં તો આ ખર્ચ 2013-14માં અને 2015-16માં માત્ર 1.93 ટકા હતો અને 2014-15માં 1.98 ટકા હતો. જ્યારે કોઠારી પંચે 1967માં તે 6 ટકા કરવું જોઈએ એવી ભલામણ કરી હતી. આમ, સરકાર દ્વારા ગુજરાતમાં કેટલો ઓછો ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવે છે, તમેજ  જોઈ લો’ને !

રહી વાત ગુણવતાની,તો રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા જેવું કશું ભાગ્યે જ છે. 2017ના સરકારી અહેવાલ અનુસાર 34,237 પ્રાથમિક શાળામાંથી માત્ર 858 શાળાઓ જ A પ્લસ ગ્રેડ અને 11,134 શાળાઓ A ગ્રેડમાં આવી છે, બાકીની બધી C અને D ગ્રેડમાં છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને 9 જાન્યુઆરીએ આદેશ કર્યો છે કે નવા સત્રમાં પ્રવેશપ્રક્રિયા બાદ, શરૂ થનાર તમામ નવી શાળાઓમાં “આરટીઈ એક્ટ” હેઠળ 25 ટકા બેઠક પર ગરીબ અને નબળા વર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવે. શિક્ષણના અધિકારના 2009 કાયદાનો અમલ પણ ગુજરાત સરકારે બે વર્ષે મોડો કર્યો. ચાલો આ અમલ થઇ પણ જાય તો, પૉશ ગાડીમાં આવતા પોતાના ગલૂડિયાં જેવા બાળકોને ક્યા વાલી "આરટીઈ "હેઠળ પ્રવેશ મેળવતા ગરીબ ઘરના બાળકોની વચ્ચે બેસેલા’ને ભણતા જોઈ શકશે ? આ સમગ્ર મનો-સામાજિક વિષય છે. વાતો કરવી સારી લાગે, વાસ્તવિકતા બહુ કડવી હોય છે. સરકારી શાળાઓમાં સમયસર નિમણૂંકો પણ થતી નથી. હજુય લગભગ હજારો શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. આ સ્થિતિમાં જયારે સરકાર પૂરતી વ્યવસ્થા ઉભી નથી કરી શકતી ત્યારે જે વ્યવસ્થા છે તેમાં "સળી વિદ્યા" અપનાવાથી શું થશે ? વિચારજો જરા.
Published by:sanjay kachot
First published:

Tags: Fee, Protest, RTE, ગુજરાત, શિક્ષણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन