ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ આવી ગયું, હવે શું ? આ રહી તમામ જાણકારી

News18 Gujarati
Updated: May 9, 2019, 11:36 AM IST
ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ આવી ગયું, હવે શું ? આ  રહી તમામ જાણકારી

  • Share this:
પ્રૉ. જી. પી. વડોદરિયા : કોઈપણ પ્રગતિશીલ રાષ્ટ્ર માટે ટૅકનૉલૉજીનો વિકાસ એ પાયાની જરૂરિયાત છે. આજે વિશ્વના દરેક રાષ્ટ્રને ટેકનૉલૉજીનું મહત્ત્વ સમજાઈ ચૂક્યું છે, અને આથી દરેક રાષ્ટ્ર એનો મહત્તમ વિકાસ કરી, પોતાના રાષ્ટ્રને એ દિશામાં સમૃદ્ધ બનાવવા કોશિશ કરે છે. ટૅકનૉલૉજીના વિકાસમાં ટેકનિકલ શિક્ષણની ભૂમિકા મહત્ત્વની છે. કોઈપણ વિકસિત રાષ્ટ્ર માટે ટેકનિકલ શિક્ષણ એ મહત્ત્વની બાબત ગણવામાં આવે છે. ટેકનિકલ શિક્ષણ એટલે ઈજનેરી/ફાર્મસી તથા એને અનુરૂપ વ્યવસાયને લગતું શિક્ષણ.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનૉલૉજી ક્ષેત્રે આપણા દેશે ઘણી પ્રગતિ કરી છે. કોમ્યુટર અને આઈ.ટી. ક્ષેત્રે આપણે હરણફાળ ભરી છે. ગુજરાતનો ફાળો પણ એમાં અગ્રગણ્ય છે, એને અનુરૂપ અભ્યાસક્રમોનું શિક્ષણ રાજયમાં જ પ્રાપ્ત થાય એ માટે ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ફાર્મસી કોલેજોની સંખ્યામાં પણ ઉત્તરોઉત્તર વધારો થતો રહ્યો છે. ચાલુ વર્ષ એટલે કે, ૨૦૧૭-૧૮ સુધીમાં રાજયમાં કુલ ૨૧૮ સંસ્થાઓમાં કુલ ૭૩,૩૮૭ બેઠકો ડિગ્રી ઈજનેરી તથા ડિગ્રી, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમો માટે ઉપલબ્ધ હતી. ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમોમાં વિવિધ અભ્યાસક્રમો જેવા કે, બાયો ટેકનૉલૉજી, બાયો મેડિકલ એન્જિનિયરિંગ, એરોનોટીકલ એન્જિનિયરિંગ, મરિન એન્જિનિયરિંગ, માઈનીંગ એન્જિનિયરિંગ, હોટલ અને ટુરિઝમ મેનેજમેન્ટ જેવા નવા અભ્યાસક્રમોની સાથે સાથે મિકેનિકલ, ઈન્સુમેન્ટેશન અને કન્ટ્રોલ, સિવિલ, કોમ્યુટર, ઈલેક્ટ્રિકલ, આઈ.ટી., કેમિકલ, ઓટોમોબાઈલ ઈજનેરી તેમજ ટેક્સટાઈલ ઈજનેરી જેવા અનેકવિધ કન્વેન્શનલ અને સ્પેશ્યલાઈઝડ ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોનું શિક્ષણ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર સંસ્થાઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે.

અહીં જુઓ તમારું પરિણામ :રાજ્યમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી રાજય સરકારના વિધાન મંડળ દ્વારા પારિત પ્રવેશ અને ફી નિયમન માટેના અધિનિયમ “ગુજરાત પ્રોફેશનલ ટેકનિકલ એજ્યુકેશન સંસ્થાઓ (પ્રવેશ અને ફી નિયમન) અધિનિયમ ૨૦૦૭” અન્વયે રાજય સરકાર દ્વારા રચવામાં આવેલ એડમિશન કમિટી ફૉર પ્રોફેશનલ કોર્સિસ (ACPC), એલ.ડી. કોલેજ ઑફ એન્જિનિયરિંગ કેમ્પસ, અમદાવાદ-૩૮૦ ૦૧૫, મારફતે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા ગુણવત્તાના આધારે તૈયાર કરેલ મેરિટ યાદી મુજબ કરવામાં આવે છે. જેમાં રાજયની સરકારી અને અનુદાનિત સંસ્થાઓની કુલ મંજૂર થયેલી તમામ બેઠકો માટે તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની ૭૫% બેઠકો માટે જે તે વર્ષે પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે છે. સ્વનિર્ભર સંસ્થાઓની ૨૫% બેઠકો કે જે સંચાલક મંડળની બેઠકો તરીકે ઓળખાય છે, જેની પ્રવેશ કાર્યવાહી જે-તે સંસ્થા સ્તરે સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
ચાલુ વર્ષ એટલે કે ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે ACPC દ્વારા રાજ્યની વિવિધ સંસ્થાઓમાં ઉપલબ્ધ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ઉપલબ્ધ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી કરવામાં આવેલ હતી. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ACPC ખાતે જોડાયેલ ૧૪૧ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓમાં ચાલતા ડિગ્રી એન્જિનિયરિંગના જુદા જુદા સ્નાતક અભ્યાસક્રમો માટે કુલ ૬૮૨૮૩ બેઠકો, ડિગ્રી ફાર્મસી અભ્યાસક્રમો માટે ૬૯ સંસ્થાઓમાં ૪, ૫૭૪ બેઠકો, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમો માટે ૮ સંસ્થાઓમાં પ૩૦ બેઠકો ઉપલબ્ધ હતી.આ ઉપરાંત ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે રાજયમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી (NIT) સુરત, અમદાવાદ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફાસ્ટ્રક્વર, ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IIT-RAM) અમદાવાદ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નૉલૉજી (DAIICT), ગાંધીનગર, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) ગાંધીનગર તથા નિરમા યુનિવર્સિટી, જી.એસ.એફ. સી., વડોદરા ખાતે મંજૂર થયેલી બેઠકોમાંથી કેટલીક બેઠકો રાજયના તેમજ રાજ્ય બહારના વિદ્યાર્થીઓ કે જેઓએ રાષ્ટ્રીય સ્તરની પ્રાવેશિક પરીક્ષા આપેલા હોય, તેઓ માટે જુદા જુદા ઇજનેરી અભ્યાસક્રમોમાં અનામત રાખવામાં આવે છે, તે અંગેની સવિસ્તાર માહિતી જે-તે સંસ્થા ખાતેથી ઉપલબ્ધ થઈ શકશે.
ચાલુ વર્ષ માટે જો કોઈ સંસ્થાઓ કે બેઠકોમાં વધારો થશે તો તે અંગેની સવિસ્તાર માહિતી ACPC દ્વારા આપવામાં આવતી માહિતી પુસ્તિકામાં સામેલ કરવામાં આવશે.

પ્રવેશ પાત્રતા :
ઉમેદવારે ડિગ્રી ઈજનેરી તથા ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની (૧૦+ ૨ પેટર્ન) અથવા તેને સમકક્ષ પરીક્ષા કે જેને ‘લાયકાતની પરીક્ષા' ઉલ્લેખવામાં આવે છે, તે જે તે વર્ષ માટે નિયમોનુસાર જરૂરી લઘુતમ ગુણમર્યાદા સાથે નીચેની પૈકી કોઈ એક શાળામાંથી પાસ કરેલ હોવી જોઈએ.

(૧) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન માન્ય શાળાઓ. (૨). ગુજરાત રાજ્યમાં આવેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન, નવી દિલ્હીની માન્ય શાળાઓ. (૩) ગુજરાત રાજ્યમાં આવેલી કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ, નવી દિલ્હીની માન્ય શાળાઓ. (4)ગુજરાત રાજયમાં આવેલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલીંગ, નવી દિલ્હી માન્ય શાળા સેન્ટર. (૫) ગુજરાત રાજયમાં આવેલ ઈન્ટરનેશનલ સ્કૂલ બોર્ડ માન્ય શાળા સેન્ટર. અને જે-તે વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે-તે વર્ષમાટે ગુજરાત સરકારે માન્ય રાખેલ ‘પ્રાવેશિક પરીક્ષા આપેલ હોવી જોઈએ.

વખતોવખત પ્રવેશ પાત્રતામાં ફેરફાર થતા હોવાથી જે તે શૈક્ષણિક વર્ષ માટે સરકાર તરફથી બહાર પાડવામાં આવતા ઠરાવને આધારે પ્રવેશ સમિતિ તરફથી માહિતી પુસ્તિકામાં આપેલી માહિતી આધારભૂત ગણવામાં આવે તે જરૂરી છે.

ACPC દ્વારા ભરવાની થતી બેઠકોમાંથી ૭% અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે, ૧૫% અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અને ૨૭% બેઠકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવે છે. લશ્કરી તેમજ અર્ધલશ્કરી દળોના ચાલુ/માજી સૈનિકોના સંતાનો માટે ૧% બેઠક અનામત રાખવામાં આવે છે. વિકલાંગ ઉમેદવારો માટે પ% બેઠકો PW.D. એક્ટ ૧૯૯૫ પ્રમાણે જે-તે જાતિની બેઠકોમાં અનામત રાખવામાં આવે છે. તદ્ઉપરાંત AICTE, નવી દિલ્હી દ્વારા ચાલુ સાલે મંજૂર થયેલી બેઠકોની પ% બેઠકો સંખ્યાધિક બેઠકો એવા ઉમેદવારો કે જેઓનાં કુટુંબની તમામ સ્રોતોમાંથી થતી વાર્ષિક રૂા. લાખ કરતાં ઓછી હોય, તેઓને મેરિટના ધોરણે ફાળવવા સંસ્થાઓને જણાવવામાં આવેલ હતું.

પ્રવેશ પ્રક્રિયા:
ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ બહાર પડ્યા પછી તુરત જ એડમિશન કમિટી ફૉર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા રાજયના વ્યવસાયિક ઇજનેરી તથા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવાની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવે છે. પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી પ્રમાણપત્રો જેવા કે જાતિ પ્રમાણપત્ર, નોન - ક્રીમીલેયરનું સર્ટિફિકેટ વગેરે અંગે પૂરતી માહિતી મળી રહે તે માટે તથા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ હેલ્પ સેન્ટરોની માહિતી મળી રહે તે માટે પ્રવેશ સમિતિ દ્વારા અગાઉથી રાજયના અગ્રણી વર્તમાનપત્રોમાં જાહેરખબર આપી ઉમેદવારોને માહિતગાર કરવામાં આવે છે. તદ્ઉપરાંત સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in ઉપર વખતોવખત જરૂરી માહિતીઓ, સૂચનાઓ મૂકવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા પ્રવેશ વર્ષ ૨૦૦૮૦૯થી ડિગ્રી ઈજનેરી તથા ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના વ્યવસાયિક અભ્યાસક્રમોની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયાની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ રાજ્યભરમાં સમિતિ દ્વારા નક્કી કરાયેલી  અધિકૃત બેંક શાખાઓ ખાતેથી માહિતી પુસ્તિકા અને PIN મેળવવાના હોય છે, જેની મદદથી ઉમેદવારોએ સમિતિની વેબસાઈટ www.gujacpc.nic.in ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઉમેદવારોને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તથા પ્રવેશ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓથી સંપૂર્ણપણે માહિતગાર કરવા માટે પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન સમયે માહિતી પુસ્તિકા આપવામાં આવે છે, જેનો અભ્યાસ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ કરવો અત્યંત જરૂરી છે.
ફાર્મસીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોને સંસ્થાની માન્યતાની માહિતી અર્થે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ www. pci.nic.in જોઈ લેવી હિતાવહ છે.

ફીનું ધોરણ :
પ્રવેશ વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન જુદી જુદી સંસ્થાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે રાજય દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક ફી નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવેલી છે. ફી નિયંત્રણ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ફી મુજબ જ દરેક સ્વનિર્ભર સંસ્થાઓએ ફી લેવાની રહે છે. સંસ્થાની ફી અંગેની માહિતી અર્થે ફી સમિતિની વેબસાઈટ www.fretech.ac.in જોઈ લેવી હિતાવહ છે.

(લેખક એસીપીસીના મેમ્બર સેક્રેટરી રહી ચુક્યા છે. વળી, આ લેખ 'કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક-2018, ગુજરાત રોજગાર સમાચારમાંથી સાભાર લેવામાં આવ્યો છે)
First published: May 8, 2019, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading