Tauktae Cyclone : ટાઉતે વાવાઝોડા સંદર્ભે ખેડૂતોએ પાકના રક્ષણ માટે શુ કરવું?

Tauktae Cyclone : ટાઉતે વાવાઝોડા સંદર્ભે ખેડૂતોએ પાકના રક્ષણ માટે શુ કરવું?
પ્રતિકાત્મક તસવીર

પાક અને જાનમાલના રક્ષણ માટે તકેદારીના પગલા લેવા માટે ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં પ્રવર્તી રહેલ ટાઉતે વાવાઝોડાની (Tauktae Cyclone)પરિસ્થિતિ સંદર્ભે હવામાન ખાતાની આગાહી મુજબ 17થી 19 મે દરમિયાન મહદઅંશે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી માવઠા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જે પરિસ્થિતિ જોતાં આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા ખેતી નિયામક દ્વારા ભલામણો કરવામાં આવી છે.

ખેતી નિયામકના જણાવ્યા અનુસાર શકય હોય ત્યાં ઉનાળુ સિઝનના ઉભા પાકમાં પીયત આપવાનું ટાળવું જેથી વધારે ભેજવાળું હવામાન ટાળી શકાય અને સંભવિત રોગ અને જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય, જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ભારે વરસાદના લીધે નીચાણવાળા ઉભા પાકના ખેતરોમાં પાણી ભરાઇ રહેતું હોય તો ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવા જરૂરી આગોતરું આયોજન કરવું, ખરીફ પાકોનું આગોતરું વાવેતર શકય હોય તો આસમયગાળા દરમ્યાન મુલતવી રાખવું.



આ ઉપરાંત ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, તેમજ ઉનાળુ મગફળી, બાજરી, મગ, તલ, ડાંગર, ઘાસચારો જેવા પાકો કાપણી માટે તૈયાર થયેલ હોય તો હાલ પૂરતી કાપણીની કામગીરી મુલતવી રાખવી તેમજ વધુ પવનથી નુકશાન ન થાય તે માટે બાગાયતી પાકોમાં ફળોની સમયસર વીણી કરીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી. રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ બિયારણ પલડે નહીં તે મુજબ સુરક્ષિત સ્થળે ગોડાઉનમાં રાખવું.

આ પણ વાંચો - અમદાવાદમાં વાવાઝોડાની મોટી અસર, 24 જગ્યાઓએ વૃક્ષ પડ્યા, કોરોના ટેસ્ટના ડોમ તૂટ્યા

એપીએમસીમાં અનાજ કે ખેત પેદાશ સુરક્ષિત જગ્યાએ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એપીએમસીમાં કે અન્ય જગ્યાએ વેચાણ અર્થે અથવા સંગ્રહ માટે લઇ જવાતી ખેત પેદાશો તાડપત્રીથી ઢાંકીને જ લઇ જવી. અનાજ કે ખેતપેદાશ ખરીદ વેચાણ માટે લઇ જવાતી અનાજ અને ખાદ્ય પેદાશોને સુરક્ષિત તાડપત્રીથી ઢાંકીને લઇ જવી. ખાસ કરીને વાવાઝોડાના સમય દરમ્યાન પાલતુ પશુઓને ખુલ્લામાં, વીજળીના થાંભલા કે ઝાડની નીચે ન રાખતા સલામત સ્થળે રાખવા. પશુઓના શેડ ઉપરના પતરા ઉડી ન જાય તે મુજબ ફીટિંગ કરવા અને ઉપર વજન મુકવું અને શેડ ઉપર જોખમી ચીજ વસ્તુઓ હોય તો ઉતારી લેવી.

વધુ વરસાદની પરિસ્થિતિમાં પશુઓ માટે ઘાસચારાનો યોગ્ય સંગ્રહ કરવો તથા વૈકલ્પિક આહાર તથા પીવાના પાણી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું સલામતી અને સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા રાખવી. આ અંગે વધુ જાણકારી માટે જે - તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક,જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ , નાયબ ખેતી નિયામક ( તાલીમ ), નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( કેવીકે ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.
Published by:Ashish Goyal
First published:May 17, 2021, 17:44 pm

ટૉપ ન્યૂઝ