રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં સમાજસેવી સંગઠનોના આયોજનોને રાજ્ય સરકાર સહાય-સહયોગ આપશે : વિજય રુપાણી

રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં સમાજસેવી સંગઠનોના આયોજનોને રાજ્ય સરકાર સહાય-સહયોગ આપશે : વિજય રુપાણી
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ –2020 નો ભવ્ય પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ –2020 નો ભવ્ય પ્રારંભ કરાવ્યો

 • Share this:
  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- 2020નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે તેવી જ્ઞાન-વિજ્ઞાન- ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિના નિર્માણનું કાર્ય આવી સમિટના માધ્યમથી જ થઈ શકે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાન, ઉન્નતિ અને વિકાસની ચિંતા આખો સમાજ સાથે મળીને કરે ત્યારે જ ‘સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના’નો ભાવ ચરિતાર્થ થાય છે.

  વિજય રૂપાણીએ પાટીદાર સમાજને મહેનતુ, ઉદ્યમશીલ, ઇમાનદાર અને સમયની સાથે કદમ મિલાવનારો વિકાસશીલ સમાજ ગણાવતા કહ્યું કે વેપાર-ઉદ્યોગ, નોકરી-વ્યવસાય કે સ્પર્ધાત્મક પરીક્ષા – હરેક ક્ષેત્રે પાટીદારોએ સરદાર સાહેબના વારસદાર તરીકે દૃઢ ઇચ્છાશક્તિ, લોખંડી મનોબળથી સફળતા મેળવી છે.  તેમણે આ સમિટ માત્ર બિઝનેસ સમિટ નહીં પરંતુ યુવાઓને સ્વરોજગાર, ઉદ્યોગ માટે પ્રોત્સાહન, ઉચ્ચ શિક્ષણની વ્યાપક વૈશ્વિક તકોનું માર્ગદર્શન અને વિશ્વના પ્રવાહો સાથે તાલમેલ સાધે તેવી પ્રેરણા આપનારી સામાજિક વિકાસના હોલિસ્ટીક એપ્રોચ સાથેની સમિટ ગણાવી હતી. યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવામાં આ સમિટ ઉપકારક બનશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

  મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે સરકારના કાર્યો સાથે સમાજશક્તિ જોડાય તથા યુવાશક્તિનું જોમ ઉમંગ અને સરદારધામ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભળે તો વિકાસની ઉંચી છલાંગ અવશ્ય લગાવી શકાય.તેમણે પાટીદાર સમાજના સૌને એવી પણ ખાતરી આપી હતી કે રાજ્યના-રાષ્ટ્રના વિકાસ અને રાષ્ટ્રનિર્માણના આવા સમાજસેવી આયોજનોને રાજ્ય સરકાર સહાય-સહયોગ આપશે. મુખ્યમંત્રીએ ગુજરાતના વૈશ્વિક વિકાસમાં પાટીદાર સમાજના ઉદ્યમ-મહેનત અને સાહસિકતાના યોગદાનની સરાહના પણ કરી હતી.

  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020ને શુભેચ્છા આપતાં કહ્યું કે, પાટીદાર સમાજ એ નોકરી મેળવવાની સાથેસાથે નોકરી આપનાર બને એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યો છે. એ જ આ સમિટનું મુખ્ય ધ્યેય છે. પાટીદાર સમાજના લોકો દેશ-વિદેશમાં અનેક સ્થાને છે અને એનેક ક્ષેત્રોમાં આગળ છે પણ આપણે એટલામાં સંતોષ માનવો નથી પરંતુ, વધુને વધુ સુદ્રઢ વારસો આપણા યુવાનોને પણ આપવો છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ આપણે એકબીજાને મદદરૂપ થઇને વધુને વધુ રોજગારી યુવાનોને આપવા માટે પણ આપણે સહિયારા પ્રયાસો કરીએ.

  પટેલે ઉમેર્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમિટની સફળતા માટે જે સંદેશો મોકલ્યો છે તેમાં પણ કહ્યું કે, આપણે ખેતીથી માંડીને આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધ્યા છીએ એ માટે અભિનંદન આપ્યા છે ત્યારે દેશના સર્વાંગી વિકાસ માટે આપણી સવિશેષ જવાબદારી બને છે.

  વડાપ્રધાને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનો જે મંત્ર આપ્યો છે તેને ચરિતાર્થ કરવા પણ પાટીદાર સમાજને ખભે ખભા મિલાવીને કામ કરવા આગળ વધવા તેમણે આહવાન પણ કર્યું હતું. સમાજ, સરકાર અને સેવાભાવી સંસ્થાઓ જો એક મંચ પરથી યોગદાન આપે તો ચોક્કસ વડાપ્રધાનના મંત્રને આપણે સાકાર કરી શકીશું,

  નીતિન પટેલે કહ્યું હતું કે યવાનોને રોજગારી આપવી એ સરકારની પ્રાથમિકતા છે અને રહેશે જ. અમારી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 1.50 લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ પૂરી પાડી છે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ જાહેર કર્યું છે કે, આ વર્ષે 35 હજારથી વધુ યુવાનોને સરકારી જોડવાની તક આપવામાં આવનાર છે ત્યારે પાટીદાર સમાજ સહિત સૌ સમાજના યુવાઓ ખૂબ મહેનત કરીને સફળતા મેળવે એવી શુભેચ્છા આપી હતી. પાટીદાર સમાજમાંથી 300 થી વધુ વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા છે તેમને પણ આ પ્રસંગે શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.

  પટેલે ઉમર્યું કે, રાજ્યના યુવાનોને શિક્ષણ, રોજગારી અને સરકારની સેવા કરવાની તક મળે એ માટે સરકારે વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી છે જેનો મહત્તમ લાભ લેવો જોઇએ. જે યુવાનોને અનામતનો લાભ મળતો નથી તેવા યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ શિષ્યવૃત્તિ સહિત ટ્રેનીંગ-કોચિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે સાથેસાથે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.15 લાખની ઓછા વ્યાજની લોન પણ પૂરી પાડવામાં આવે છે જેનો અનેક યુવાઓએ લાભ લીધો છે. આગામી સમયમાં પણ વધુને વધુ યુવાનો આ યોજનાનો લાભ લઇને ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ કારકિર્દી ઘડે એ માટે પણ પટેલે શુભેચ્છા પાઠવી હતી. સરકારની હકારાત્મક ઉદ્યોગલક્ષી નીતિના પરિણામે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ’માં ભારત વિશ્વમાં 142માં ક્રમેથી 74માં ક્રમે પહોંચ્યું છે.

  આજની આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020 માત્ર પાટીદાર સમાજના યુવા ઉદ્યોગપતિઓ માટે જ નહીં પણ સમગ્ર દેશના વિકાસમાં મહત્વની સાબિત થશે તેમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને સંબોધતા કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું.

  મંત્રી માંડવીયાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રોકાણના વિવિધ નવા આયામોના પરિણામે ગત વર્ષે ભારતમાં 64 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં MSMEને વધુ બળ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 59 મિનિટમાં જ લોન મંજુર કરવાની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે MSME ઉદ્યોગને વધુ પ્રોત્સહન આપવા ગુજરાતમાં પણ નાના ઉદ્યોગો માટે ત્રણ વર્ષ સુધી તમામ મંજૂરી લેવામાંથી મુક્તિ આપી છે. આ પ્રકારનું વાતાવરણ આજની પાટીદાર બિઝનેસ સમિટના નવા યુવા ઉદ્યોગકારોને ઉદ્યોગો સ્થાપવા વધુ પ્રોત્સાહિત કરશે. પાટીદારોના પરિશ્રમી સ્વભાવના પરિણામે આજે પાટીદાર સમગ્ર વિશ્વમાં પોતાની સફળ બિઝનેસમેન તરીકેની ઓળખ ઉભી કરી શક્યો છે.વતનનું ઋણ ચૂકવવા માટે પાટીદારો હંમેશા તૈયાર રહ્યા છે જેના પરિણામે આજે આ સફળ પાટીદાર સમિટનું આયોજન શક્ય બન્યું છે. મંત્રી માંડવીયાએ આ સમિટને સફળ બનાવવા બદલ સર્વેને અભિનંદન આપ્યા હતા.

  સરદારધામના પ્રમુખ ગગજીભાઇ સુતરિયાએ સૌને આવકારતા કહ્યું હતું કે, આજની આ સમિટ એકતાથી સમુદ્ધિ તરફની સમિટ છે સમાજથી રાષ્ટ્ર નિર્માણ માટેની સમિટ છે. આ સમિટ પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટેના મિશન-2026ને સાકાર કરવામાં ખૂબ જ અગત્યની સાબિત થશે. રાજ્ય સરકાર રાજ્ય ધર્મ નિભાવે છે જ્યારે અમે સમાજ ધર્મ નિભાવીએ છીએ. વડાપ્રધાનના નયા ભારતના નિર્માણ માટે NGO, ઉદ્યોગપતિઓ અને સરકારનો સહયોગ ખૂબ જ જરૂરી છે.

  તેમણે આ પ્રસંગે પાટીદાર સમાજ દ્વારા નિર્માણાધીન સરદારધામની ભાવિ પ્રકલ્પનાઓથી સૌને માહિતગાર કર્યા હતા. આ સાથે વર્ષ 2022માં સુરત ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માટે અગાઉથી તમામ આયોજકોને શુભેચ્છાઓ આપીને સરદારધામના મુખ્ય દાતાઓનો સુતરિયાએ આભાર માન્યો હતો.

  સમિટની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો જેનું આ પ્રસંગે પઠન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને સમાજના અગ્રણીઓના હસ્તે ડાયમંડ, સિલ્વર અને પ્રાઇમ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓને માત્ર એક રૂપિયાના ટોકન દરે પ્રતિવર્ષ શિક્ષણ આપતી ‘દીકરી સ્વાવલંબન યોજના’ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેળવણી ધામમાં શિક્ષણ મેળવીને સરકારી નોકરી મેળવવામાં સફળ થયેલા 339 જેટલા પાટીદાર યુવક-યુવતીઓનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

  ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં બિઝનેસ ક્ષેત્રે યુવાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ વક્તવ્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે બિઝનેસ કોચ વિવેક બિન્દ્રા, મેઘમણી ગ્રુપના જયંતિભાઈ પટેલ, શ્રીરામકૃષ્ણ એક્ષપોર્ટના ગોવિંદભાઈ ધોળકીયા, પ્રખર વક્તા અને યુવા કવિ કુમાર વિશ્વાસ, જય વસાવડા અને કાજલ ઓઝા વૈધ ઉપસ્થિત રહીને યુવાઓને માર્ગદર્શન પુરું પાડશે. જ્યારે બીજા દિવસે બિઝનેસમાં ડિસીપ્લિન, અસરકારક બ્રાન્ડ બિલ્ડીંગ, એગ્રીકલ્ચરમાં ઈનોવેશન જેવા વિષયો પર સેમિનારનું પણ આયોજન કરાયું છે.

  ગાંધીનગર હેલીપેડ ખાતે યોજાયેલી આ સમિટમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા, પાટીદાર સમાજના સાંસદો, ધારાસભ્યો, અમદાવાદના મેયર બિજલબેન પટેલ, સરદારધામના સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ, દાતાઓ, દેશ-વિદેશમાંથી આવેલા ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવા ઉદ્યોગપતિ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
  First published:January 03, 2020, 19:03 pm