રોહિતસિંહ, પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પ્રવાસી શ્રમિકો (Migrant Workers) અને કામદારોની સાથે સન્માનજનક વ્યવહારની સતત અપીલ કરી રહ્યા છે. બીજી તરફ, કેટલાક અધિકારી એવા છે જેમના વર્તનમાં જરા પણ પરિવર્તન નથી આવી રહ્યું. આવું જ કંઈક પ્રતાપગઢ જિલ્લામાં જોવા મળ્યું, જ્યાં રેવન્યૂ અધિકારી મહારાષ્ટ્રથી પરત ફરેલા શ્રમિકોને લાત મારતા જોવા મળ્યા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, જિલ્લાધિકારી ડૉ. રૂપેશ કુમારે ટ્વિટ કરીને અધિકારીને ચેતવણી આપવાની વાત કહી છે.
પ્રતાપગઢમાં શ્રમિક સાથે ખરાબ વર્તન અને અભદ્રતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મૂળે, મહારાષ્ટ્રથી સ્પેશલ ટ્રેન દ્વારા શ્રમિક ત્યાં પહોંચ્યા હતા. બસમાં શ્રમિકોને ચઢવા દરમિયાન એક શ્રમિક લાઇનથી થોડો હટી ગયો, તેની પર ત્યાં હાજર ચીફ રેવન્યૂ અધિકારી (CRO) શ્રીરામ યાદવે લાત મારી દીધી. અધિકારીની આ કરતૂતનો વીડિયો વાયરલ થયા બાદ ડીએમે ટ્વિટના માધ્યમથી સ્પષ્ટતા કરી છે. ડીએમે કહ્યું કે અધિકારીને ચેતવણી આપવામાં આવી છે. તેની સાથે જ તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે શ્રમિકો સાથે મર્યાદાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે.
આ ઘટના પ્રતાપગઢ રેલવે સ્ટેશનની બહારની છે. સોમવાર સાંજે સાત વાગ્યાની આસપાસ ટ્રેનથી મુંબઈથી હજારો શ્રમિકો પહોંચ્યા હતા. ત્યારબાદ બસમાં સવાર થવા દરમિયાન અધિકારીએ એક શ્રમિકને લાત મારી હતી. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ સતત પોતાની ટીમ 11ની સાથે બેઠકમાં આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે કે પરત ફરી રહેલા શ્રમિકોની સાથે અધિકારી સન્માનથી વ્યવહાર કરે. તેમની તપાસ, ખાવા-પીવાની વ્યવસ્થાની સાથે જ ઘરે પહોંચવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. પરંતુ આ પ્રકારનું ખરાબ વર્તન યોગીની સૂચનાઓનો છેદ ઉડાડી દે છે.