હાલ સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલ ભીષણ યુદ્ધ (Russia-Ukraine War) પર છે. આજે એટલે કે સોમવારે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવનો પાંચમો દિવસ છે. યુક્રેન પર રશિયાના હુમલાઓ (Russian Attack on Ukraine) યથાવત છે. યુક્રેનની સીમામાં ઘૂસી ચૂકેલી રશિયન સેના સતત હવાઇ હુમલાઓ, મિસાઇલ હુમલાઓ અને ટેન્કની સાથે અત્યાધુનિક હથિયારોથી યુક્રેનના શહેરોને તબાહ કરી રહી છે. રશિયા યુક્રેનને ઘૂંટણીયે લાવવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યું છે. પરંતુ 3 દિવસની લડાઇ બાદ રશિયાના સપનાઓ રોળાતા નજરે આવી રહ્યા છે. ભલે પછી રશિયા યુદ્ધ જીતી જાય, પરંતુ અત્યારે યુક્રેનની સેના યુક્રેનના તમામ મોટા શહેરોમાં રશિયન સૈનિકો સામે યુદ્ધ લડી રહી છે. યુક્રેનની સેના (Ukraine Army)એ ઘણા શહેરો પાછા લઈ લીધા છે અને હવે રશિયાએ બેલારુસમાં વાટાઘાટો માટે ટેબલ પર આવવું પડશે. આ સ્થિતિમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky)ના સમગ્ર વિશ્વમાં વખાણ થઈ રહ્યા છે. એક પછી એક યુદ્ધ તેમજ મનોવૈજ્ઞાનિક યુદ્ધની યુક્તિઓ સાથે ઝેલેન્સકીએ એવી પરિસ્થિતિઓ બનાવી છે, જેમાં પુતિન હુમલો કર્યા પછી ફસાયેલા દેખાય છે.
ગોરિલ્લા યુદ્ધ નીતિ
રશિયા સેના લઇને યુક્રેનમાં ઘૂસી તો ગયું છે, પરંતુ યુક્રેને રશિયાને હરાવવા ગોરિલ્લા યુદ્ધ નીતિ અપનાવી સૌને ચોંકાવી દીધા છે. રાજધાની કિવ સહિત તમામ શહેરોમાં રશિયન સેના સાથેના યુદ્ધ માટે સેના તેમજ સામાન્ય લોકોને ઓટોમેટિક રાઈફલ્સ આપવામાં આવી રહી છે. લોકોને યુદ્ધની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તાલીમ બાદ શહેરોની સરહદો પર જવાનોની સાથે સરહદો પર લોકોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ આ હુમલાને કારણે થયેલી તબાહીની તસવીરો જોયા બાદ આખી દુનિયામાં રશિયન હુમલાની ટીકા થઈ રહી છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પોતે સેનાના યુનિફોર્મમાં હથિયાર સાથે મેદાનમાં ઉતર્યા છે. યુક્રેનના ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, પ્રધાનો, સંસદસભ્યો, શહેરોના મેયર, યુક્રેનની સેલિબ્રિટીઓ, મોડેલો, રમતવીરોએ રશિયન સૈનિકો સામે લડવા માટે શસ્ત્રો ઉગામી મેદાન-એ-જંગમાં ઉતરી ગયા છે. સમગ્ર વિશ્વ યુક્રેનની આ હિંમતના વખાણ કરી રહ્યું છે. સ્થિતિ એવી બની છે કે વિશ્વની સાથે રશિયાના શહેરોમાં પણ પુતિન વિરુદ્ધ પ્રદર્શનો થઇ રહ્યા છે.
મજબૂત વિસ્તારોમાં રશિયન સેના અટવાઇ
રશિયાએ યુક્રેન પર 3 દિશામાંથી હુમલો કર્યો છે. રશિયાની સરહદની સાથે જ ડોનબાસ્ક વિસ્તારમાંથી પણ રશિયન સેના ઘૂસી ગઈ હતી, જ્યારે રશિયાના સહયોગી બેલારુસથી પણ રશિયાની સેનાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં રશિયન સેનાએ સુમી અને ચેર્નોબિલ જેવા શહેરો પર પણ પ્રભુત્વ જમાવ્યું હતું. પરંતુ યુક્રેને તેના ગઢ ગણાતા ખાર્કિવ, કિવ જેવા શહેરોમાં મજબૂત બેરિકેડ લગાવીને પોતાનું યુદ્ધનું મેદાન તૈયાર કર્યું. અહીં આર્મી-એરફોર્સને બેરિકેડ કરવામાં આવ્યા હતા.
જ્યાં રશિયન સૈનિકો આ વિસ્તારોથી અજાણ છે, યુક્રેનિયન સેના સમગ્ર વિસ્તારથી પરિચિત છે. તેથી જ રશિયન ટેન્ક અને લડાકૂ વિમાન સતત ધ્વસ્ત થતા નજરે આવી રહ્યા છે. આ સિવાય યુક્રેન તેના હવાઈ સંરક્ષણ સાથે આ વિસ્તારોમાં પ્રવેશી રહેલી રશિયન મિસાઈલો અને ફાઈટર જેટને તોડી પાડવામાં પણ સફળ રહ્યું છે.
પશ્ચિમી દેશોમાંથી સતત મળી રહી છે મદદ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પોતે યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી પણ વિશ્વના નેતાઓ સાથે સતત વાત કરી રહ્યા છે. તેમની વ્યૂહરચના પણ કામ કરતી જોવા મળી રહી છે. જ્યારે અમેરિકા યુક્રેનને 350 મિલિયન ડોલરની સહાય આપવા માટે સંમત થયું છે, ત્યારે ઘણા દેશો ઝડપથી હથિયારોની સપ્લાય કરી રહ્યા છે.
જર્મની યુક્રેનને 1,000 એન્ટી ટેન્ક હથિયારો અને 500 સ્ટિંગર મિસાઈલો મોકલી રહ્યું છે. બેલ્જિયમ યુક્રેનને મશીનગન મોકલી રહ્યું છે. ચેક રિપબ્લિકે યુક્રેનને 8.5 મિલિયન ડોલરના શસ્ત્રો અને દારૂગોળો મોકલવાની જાહેરાત કરી છે. ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યુરો અને લશ્કરી સાધનો આપવાનું વચન આપ્યું છે, જ્યારે નેધરલેન્ડ યુક્રેનને 200 વિમાન વિરોધી મિસાઈલો મોકલશે. પાડોશી પોલેન્ડે પણ યુક્રેનને શસ્ત્રો પૂરા પાડવાનું વચન આપ્યું છે. વિશ્વના લગભગ 28 દેશોએ યુક્રેનને તાત્કાલિક મદદ મોકલવાની જાહેરાત કરી છે.
વાતચીત માટે ઇનકાર
રશિયા ત્રણ દિવસના યુદ્ધ પછી બેલારુસમાં વાટાઘાટોના ટેબલ પર આવવા તૈયાર થયું તો યુક્રેને બેલારુસમાં પ્રથમ મંત્રણાનો ઇનકાર કરતા કહ્યું છે કે તે એવા કોઈપણ દેશની જમીન પર વાતચીત કરશે નહીં, જેણે તેની સરહદ પરથી રશિયન સૈનિકોને જવાની મંજૂરી આપી હોય. આ પછી, પ્રયાસો નિષ્ફળ જતા જોઈને બેલારુસના રાષ્ટ્રપતિએ યુક્રેન સાથે વાત કરીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. ત્યારે યુક્રેન વાતચીત માટે તૈયાર થયું. હવે બેલારુસના ગોમેલમાં વાતચીતનું આયોજન કરાયું છે, તેથી જોવાનું રહેશે કે તે કેટલી હદ સુધી સફળ જાય છે.
જેલેન્સ્કિનો કિવ છોડવાથી ઇનકાર
યુક્રેનની બહાદુરીની સાથે તેના રાષ્ટ્રપતિ વોલોદીમીર જેલેન્સ્કિની પણ વિશ્વ ભરમાં પ્રશંસા થઇ રહી છે. જેલેન્સ્કિની સરકાર દૂર કરવાના ઇરાદા સાથે રશિયાએ હુમલો કર્યો હતો. ત્યારે જેલેન્સ્કિ દેશ છોડીને ભાગી જશે તેવી ચર્ચા હતી. બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને પણ ઝેલેન્સકી માટે રાજકીય આશ્રયની જાહેરાત કરી હતી. રશિયાના હુમલા દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને બચાવવા માટે અમેરિકાએ પોલેન્ડ બોર્ડર પર ત્રણ સૈન્ય વિમાનો પણ મોકલ્યા હતા.
પરંતું વોલોદિમીર જેલેન્સ્કિએ પોતાનો પક્ષ મુકી સૌને હેરાન કરી દીધા હતા. જેલેન્સ્કિએ અમેરિકન વિમાનો પરત કરતા કહ્યું કે, ‘હું યુદ્ધમાં ઉતર્યો છુ, મારે રાઇડ નહીં હથિયાર જોઇએ છે, જેથી હું દુશ્મનોથી મારા દેશની રક્ષા કરી શકું. હું અને મારો પરીવાર અહીં રાજધાની કિવમાં છીએ અને હું યુદ્ધના મેદાનનો મોરચો સંભાળી રહ્યો છું.’ ઇતિહાસમાં કદાચ જ કોઇ નેતાએ પોતાના દેશને આ પ્રકારે લીડ કર્યો હશે. જેલેન્સ્કિના આ નિવેદન બાદ દેશના તમામ લોકો, સેલિબ્રિટી સેના સામેલ થવા લાગ્યા અને રશિયન સૈનિકોને ટક્કર આપવા લાગ્યા છે.
સાઇબર યુદ્ધ
રશિયા અને યુક્રેન વચ્ચે સૈન્ય યુદ્ધની સાથે સાયબર યુદ્ધ પણ છે. યુક્રેનની ઘણી વેબસાઈટ હેક કરવામાં આવી હતી તો યુક્રેનના રશિયા પરના સાયબર હુમલાએ પણ રશિયાને સમગ્ર વિશ્વમાં સાયબર હુમલાનું નિશાન બનાવ્યું હતું. ઘણી રશિયન વેબસાઇટ્સ હેક કરવામાં આવી હતી. રશિયા વિરુદ્ધ યુક્રેનના સમર્થનમાં વિશ્વભરના ઘણા હેકર જૂથો સામે આવ્યા છે અને સતત રશિયન વેબસાઇટ્સ અને ટેલીકોમ્યુનિકેશન માધ્યમોને નિશાન બનાવી રહ્યા છે. રશિયન ટેલિવિઝનને હેક કરીને હેકર્સે યુક્રેનનું રાષ્ટ્રગીત પણ વગાડ્યું હતું. બંને તરફથી સાઇબર વોર પણ ચરમસીમાએ છે.
વૈશ્વિક સંસ્થાઓ સામે પણ ઘેરાયું રશિયા
યુક્રેન અને તમામ પશ્ચિમી દેશો હુમલા માટે રશિયાને ઘેરવા માટે આંતરરાષ્ટ્રીય મંચોમાં સતત આક્રમક રણનીતિ અપનાવી રહ્યા છે. યુએન ફોરમમાં જ્યાં યુએસ-યુકે-ફ્રાન્સે તરત જ યુદ્ધ રોકવા માટે રશિયા સામે ઠરાવનો પ્રસ્તાવ મૂક્યો, ત્યાં યુક્રેને ICJ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં રશિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનું કહ્યું છે. યુક્રેને જાહેર કર્યું કે રશિયા અમારા શહેરોમાં લોકો પર નરસંહાર કરી રહ્યું છે અને તેણે આ તમામ ગુનાઓ માટે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં જવાબ આપવો પડશે. અમેરિકા-યુકે-જર્મની-ફ્રાન્સ સહિત ઘણા દેશોએ રશિયા માટે તેમનો એરસ્પેસ બંધ કરી દીધો છે. રશિયન બેંકો સામે ઘણા પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જ્યારે રશિયાની આર્થિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની ઘણી દરખાસ્તો પણ લાગુ કરવામાં આવી છે, જેથી રશિયા યુદ્ધ રોકવા માટે બાંધ્ય બને.
ક્યા દેશ પાસે કેટલા હથિયાર?
વસ્તી અને ક્ષેત્રફળમાં રશિયા યુક્રેનને પાછળ છોડી દે છે તે સ્વાભાવિક છે, તેથી શસ્ત્રોની બાબતમાં બંને દેશો વચ્ચે કોઈ સ્પર્ધા નથી. રશિયા પરમાણું સંપન્ન દેશ છે અને વિશ્વોના સૌથી મોટા મિલિટરી પાવર્સમાં પણ સામેલ છે. રશિયા પાસે 8.50 લાખ એક્ટિવ સૈનિક છે જ્યારે યુક્રેન પાસે 2 લાખ. પરંતુ બંને દેશો પાસે બરાબર 2.50 લાખ રીઝર્વ સૈન્ય બળ છે. રશિયા પાસે 2.50 લાખ પેરામિલિટ્રી ફોર્સ છે, જ્યારે યુક્રેન પાસે માત્ર 50 હજાર. રશિયા એરફોર્સ મામલે વિશ્વમાં બીજા સ્થાને છે, જ્યારે યુક્રેનનો ક્રમ 31મો છે. રશિયા પાસે કુલ 772 ફાઇટર જેટ છે, જ્યારે યુક્રેન પાસે માત્ર 69. રશિયા પાસે 12420 ટેન્ક છે, જ્યારે યુક્રેન પાસે 2596 ટેન્ક છે. રશિયા પાસે 30122 સશસ્ત્ર વાહનો છે, જ્યારે યુક્રેન પાસે 12303 સશસ્ત્ર વાહનો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર