કોંગ્રેસ નેતાનો CMને પત્ર, 'ખેડૂતો મુશ્કેલીમાં, લોકડાઉનના કારણે દરેક જિલ્લામાં ખાતર-જંતુનાશક દવાની અછત'

કોંગ્રેસ નેતાનો CMને પત્ર, 'ખેડૂતો મુશ્કેલીમાં, લોકડાઉનના કારણે દરેક જિલ્લામાં ખાતર-જંતુનાશક દવાની અછત'
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી

સરકારે અગમચેતીના પગલાંરૂપે આ જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ કરાવવો અને આવા વિક્રેતાઓ પાસેથી ખેડૂતોને સરળતાથી જથ્થો મળી રહે તેવી વ્યાવસ્થા ગોઠવવી.

  • Share this:
ગાંધીનગર : વિપક્ષના નેતા પરેશ ધનાણીએ પોતાના આ પત્રમાં CM વિજય રૂપાણીને જણાવ્યું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ કાબુ બહાર જતાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. લોકડાઉનના સમયગાળા દરમ્યાન આવશ્યક સેવાઓ ચાલુ રાખેલ છે, સાથે ખેડૂતોની પાકની સીઝન ચાલુ થયેલ હોઈ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વિગેરેની દુકાનો-યુનિટો પણ ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે.

હાલમાં ખેતીની સીઝન પુરજોશમાં ચાલુ થયેલ છે. પાકનું વાવેતર, તૈયાર પાકની લણણી વિગેરે કામગીરી અવિરતપણે ચાલુ હોવાથી અત્યારે ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વિગેરેના જથ્થાની ખૂબ જ જરૂરિયાત છે, પરંતુ રાજ્યમાં હાલની સ્થિતિએ તમામ જિલ્લાઓમાં પુરતા પ્રમાણમાં યુરિયા ખાતર તથા અન્ય ખાતર તેમજ જંતુનાશક દવાઓ, બિયારણની ખૂબ જ અછત છે. ખેડૂતો વિક્રેતાઓની દુકાનોએ સવારથી જ લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે તેમ છતાં તેઓને જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી. જેના કારણે રાજ્યના ખેડૂતો ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વિગેરેની અછતના કારણે ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહેલ છે, જેના કારણે તેમનો તૈયાર પાક બગડી જવાની દહેશત છે તથા નવું વાવેતર પણ કરી શકતા નથી.અમોએ રાજ્યના ખેડૂતોને સ્પર્શતી ખૂબ જ સંવેદનશીલ બાબતો જેવી કે, ખેડૂત પોતાના ખેતરમાં વાવેતર કરેલ પાકનું પોષણક્ષમ ઉત્પાદન લઈ શકે, સારું બિયારણ મેળવી પાકનું વાવેતર કરી શકે તે માટે આપને વિગતવાર લેખિત પત્રોથી વિનંતી કરેલ કે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વિગેરેનો જથ્થો મળી રહે તે માટે અગમચેતીના પગલાંરૂપે આ જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ કરાવવો અને આવા વિક્રેતાઓ પાસેથી ખેડૂતોને સરળતાથી જથ્થો મળી રહે તેવી વ્યાવસ્થા ગોઠવવી.

આજની તારીખે રાજ્યનો ખેડૂત ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વિગેરે માટે દર-દર ભટકતો નજરે પડે છે અને વારંવાર ગામડામાંથી તાલુકા મથકે આવ્યા બાદ પણ જરૂરિયાત મુજબની વસ્તુ નહીં મળતા કે પૂરતા પ્રમાણમાં નહીં મળતા એકમાત્ર ખેતી પર નભતો ખેડૂત નાસીપાસ થઈ જાય છે. આ અંગે ધ્યાન દોરી રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વિગેરેનો જથ્થો પૂરો પાડવા વિનંતી કરેલ હતી, પરંતુ રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ જોતાં અમારી રજૂઆતો પરત્વે સરકારશ્રીએ દુર્લક્ષ સેવેલ હોવાનું સ્પષ્ટ‍ જણાય છે.રાજ્યના ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દાખવી, સરકારશ્રીએ સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય/તાલુકા કક્ષાએ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વિગેરેનો જથ્થો સત્વરે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી, ખેડૂતોને જરૂરિયાત મુજબનો જથ્થો વિક્રેતાઓ પાસેથી સરળતાથી પ્રાપ્ત થાય તેવી વ્યવવસ્થા તાત્કાલિક ગોઠવવા મારી વિનંતી સહ ભલામણ છે.
Published by:News18 Gujarati
First published:May 02, 2020, 18:11 pm