LRD ભરતીમાં અનામત વિવાદનું કોકડું ઉકેલાયું? સરકારે તમામ કેટેગરીના ઉમેદવારોની બેઠકો વધારવાનો નિર્ણય લીધો

News18 Gujarati
Updated: February 16, 2020, 8:45 PM IST
LRD ભરતીમાં અનામત વિવાદનું કોકડું ઉકેલાયું? સરકારે તમામ કેટેગરીના ઉમેદવારોની બેઠકો વધારવાનો નિર્ણય લીધો
એલઆરડી ભરતી વિવાદ

એલઆરડી ભરતીમાં SC કેટેગરીમાં 346ની જગ્યાએ 588ની ભરતી થશે, ST કેટેગરીમાં 476માંથી 511 બહેનોને નોકરી મળશે, OBCમાં 1834ના બદલે 3248 બહેનોની ભરતી કરાશે, અને જનરલ કેટેગરીમાં 883 લોકોની ભરતી થશે.

  • Share this:
LRD મામલે સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકારે બેઠકો વધારી એલઆરડી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે, એલઆરડીની ભરતીમાં જીએડીના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે અનામત અને બિન અનામત વર્ગ દ્વારા સામસામા આંદોલનને કારણે સરકારની સ્થિતિ કફોડી થઇ ગઇ છે.

આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, એલઆરડી ભરતીમાં કોઈને મનદુખ ના થાય તે માટેનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. એલઆરડી ભરતીમાં SC કેટેગરીમાં 346ની જગ્યાએ 588ની ભરતી થશે, ST કેટેગરીમાં 476માંથી 511 બહેનોને નોકરી મળશે, OBCમાં 1834ના બદલે 3248 બહેનોની ભરતી કરાશે, અને જનરલ કેટેગરીમાં 883 લોકોની ભરતી થશે. એટલે કે, કુલ 5227 કુલ જગ્યાઓ પર ભરતી રહેશે.

તેમણે કહ્યું કે, જુના પરિપત્રને ધ્યાનમાં લેવામાં નહી આવે એટલે કે વર્ષ 2018નો પરિપત્ર માન્ય નહી ગણાય. સરકારે તમામ વર્ગની મહિલા ઉમેદવારો માટે સમાન નિર્ણય લીધો છે. 62.5 ટકા સુધી તમામ મહિલા ઉમેદવારોની ભરતી કરાશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસથી બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પરિપત્ર રદ ન કરવાની માંગ સાથે આંદોલન ચલાવી રહી છે. તો બીજી બાજુ સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ પરિપત્ર રદ કરવાની માંગણી સાથે 69 દિવસથી આંદોલન કરી રહી છે.

આ મામલે સીએમ નિવાસસ્થાને શનિવારે બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યા બાદ રવિવારે પણ બેઠકો યોજવામાં આવી હતી. આ મામલે આજે મુખ્યમંત્રી રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પરિપત્ર રદ કરવા મામલે અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે, જૂના પરિપત્રને ધ્યાનમાં લેવાશે નહીં. જે ઉમેદવારે 62.5 ટકા માર્ક્સ મેળવ્યા છે તેમની ભરતી કરવામાં આવશે.

શું છે વિવાદ1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 65 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.
First published: February 16, 2020
વધુ વાંચો
अगली ख़बर