ફટાકડા ફોડવાનો સમય વધારો: તામિલનાડુ સરકાર સુપ્રિમ કોર્ટ પહોંચી
ફટાકડા ફોડવાનો સમય વધારો: તામિલનાડુ સરકાર સુપ્રિમ કોર્ટ પહોંચી
ફટકડાની દુકાન
કોર્ટે એવું નોંધ્યુ હતું કે, જે ફટાકડા વધારે અવાજ અને હવાનું પ્રદુષણ ફેલાવે છે તેના પર પ્રતિબંધ લાદવો જોઇએ. કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે, ફટાકડા સાંજનાં 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફોડવા જોઇએ.
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો ફટાકડા ફોડવા થનગની રહ્યા છે એવા સમયે તામિલનાડુ સરકારે સુપ્રિમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે અને ફટાકડા ફોડવા માટેનાં સમયમાં વધારો કરવાની માગ કરી છે.
તામિલનાડુ સરકારે માગણી કરી છે કે, સવારે 4 થી છ વાગ્યા દરમિયાન ફટાકડા ફોડવા દેવા જોઇએ. સમગ્ર દેશમાં જ્યાં ફટાકડા બને છે તે શિવાકાશી તામિલનાડુમાં છે. ફટાકડાનું ઉત્પાદન કર્તાઓએ જણાવ્યું છે કે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, તે માત્ર ગ્રીન ફટાકડા ફોડવા માટેની જ મંજુરી આપશે. પણ હકીકતમાં, ગ્રીન ફટાકડા જેવી કોઇ વસ્તુ છે જ નહી. ફટાકડાનું ઉત્પાદન કરતા લોકો કોર્ટનાં આ ચુકાદા સામે રિવ્યુ પિટીશન દાખલ કરશે.
ગયા અઠવાડિયે, સુપ્રિમ કોર્ટે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ના પાડી હતી અને કહ્યું હતું કે, ગ્રીન ફટાકડા ફોડવા જોઇએ. કોર્ટે એવું નોંધ્યુ હતું કે, જે ફટાકડા વધારે અવાજ અને હવાનું પ્રદુષણ ફેલાવે છે તેના પર પ્રતિબંધ લાદવો જોઇએ. કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે, ફટાકડા સાંજનાં 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફોડવા જોઇએ.
સુપ્રિમ કોર્ટનાં ફટાકડા ફોડવા મામલે આ ચુકાદાનો ઘણા રાજ્યો અને ધાર્મિક સંગઠનોએ વિરોધ કર્યો છે. કેટલાક સંગઠનો આ મુદ્દાને પર્યાવરણના મુદ્દા તરીકે જોવાને બદલે ધાર્મિક મુદ્દા તરીરે જુએ છે અને કોર્ટનાં ચુકાદાનો વિરોધ કરે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દિલ્લીમાં પ્રદુષણ તેની ચરમસીમાએ વધી રહ્યુ છે અને દિવાળીના દિવસો દરમિયાન લોકો માટે ગંભીર સમસ્યા બની જશે.