Home /News /gujarat /સુરેન્દ્રનગરઃ એક જ પરિવારના ત્રણ સભ્યોની કેનાલમાંથી મળી લાશ, દીકરાએ સાંજે ફોન પર કરી હતી વાત
સુરેન્દ્રનગરઃ એક જ પરિવારના ત્રણ સભ્યોની કેનાલમાંથી મળી લાશ, દીકરાએ સાંજે ફોન પર કરી હતી વાત
સુરેન્દ્રનગરના એક જ પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી
Surendranagar Family Dead: સુરેન્દ્રનગરના એક જ પરિવારના ત્રણ સભ્યોની લાશ કેનાલમાંથી મળી આવી છે. ઘટના વિશે જાણીને મૃતકના કુટુંબીજનોને ભારે આઘાત લાગ્યો છે. આ ઘટનામાં સચોટ તપાસ થાય તે માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ ઉઠાવવામાં આવી હતી, જેના માટે મૃતદેહોને રાજકોટ મોકલવામાં આવ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરઃ રાજપર ગામ નજીક નર્મદા કેનાલમાંથી સુરેન્દ્રનગરના એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓએ જીવન ટૂંકાવવાની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. શા માટે પરિવારના સભ્યોએ આ પ્રકારનું પગલું ભર્યું કે તેમની સાથે કંઈ ખોટું થયું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે તપાસ માટે ત્રણ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પરંતુ મૃતકના પરિવારજનોએ મોતનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરતા લાશને પેનલ પીએમ માટે રાજકોટ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જીવન ટૂંકાવવાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે, આવામાં વધુ એક કથિત સામુહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ ફરી ગોઝારી સાબિત થઈ છે. રાજપર ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી હતી. જેમાં એક મહિલા, એક પુરૂષ અને એક યુવતી હોવાની વિગતો બહાર આવી હતી.
પોલીસે મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરતા મૃતક દિપેશભાઈ પાટડીયા, દિપેશભાઈના પત્નિ પ્રફુલ્લાબેન અને તેમની દિકરી ઉત્સવી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક દિપેશભાઈ શહેરના મુખ્ય રોડ પર આવેલ આકાશગંગા કોમ્પલેક્ષમાં બ્રિલિયન્ટ ટેઈલર્સ નામની દુકાન ધરાવે છે અને થોડા સમય અગાઉ જ વઢવાણથી સુરેન્દ્રનગર રૂપાળીબાના મંદિર પાસે રહેવા આવ્યા હતાં. મૃતક દિપેશભાઈનો દીકરો ભાવિક હાલ અમદાવાદ રહે છે.
દીકરાએ એક દિવસ પહેલા માતા-પિતા સાથે વાત કરી હતી
સુરેન્દ્રનગરમાં રહેતા દિપેશભાઈએ પત્નિ અને પુત્રી સાથે અચાનક જ કેમ જીવન ટૂંકાવ્યું તે અંગે રહસ્ય ઉભું થયું છે. દિપેશભાઈના પુત્રએ જણાવ્યું હતુ કે બનાવના આગલા દિવસે સાંજે જ તેમણે માતા-પિતા સાથે વાત કરી હતી પરંતુ તેમની સાથે વાત પરથી એવુ કંઈ લાગતુ ન હતુ. જ્યારે દિપેશભાઈ અને તેમની પત્નિ તેમજ પુત્રી ત્રણેય વહેલી સવારથી ઘરે તાળું મારી નીકળી ગયા હતા, જે બાદ તેમની લાશ કેનાલમાંથી મળી આવી હતી. આથી મોતનું સાચુ કારણ જાણવા ત્રણેય મૃતકોની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવામાં આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનુ સચોટ કારણ બહાર આવશે પરંતુ એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોતની ખબર જાણીને તેમના પરિવારના સભ્યો, સગા અને પાડોશીઓને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે અને આ કેસમાં કઈ બાબત જવાબદાર છે તે જાણવા માટે ઉત્સુક છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં વધુ તપાસ કરશે.