સુરત: શહેરના (Surat) વેસુના એક કોફી શોપમાં (coffee shop) કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીનિને (Surat girl died in Surat Coffee shop) મૃત જાહેર કરવામાં આવી હતી. તેની સાથેનો યુવક સારવાર દરમિયાન જ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યુ છે.
'યુવક નહીં પકડાય ત્યાં સુધી અંતિમ વિધિ નહીં કરીએ'
મૃતક યુવતીના પરિવારે વિધર્મી યુવક પર આક્ષેપ કર્યો છે કે, વિધર્મી યુવકે યુવતીને ઝેર આપીને મારી નાંખી છે. પરિવારે કહ્યું છે કે, જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે અમારી દીકરીની અંતિમ વિધિ કરીશું નહિ. દીકરીના પિતા મુંબઈથી સુરત આવશે ત્યારબાદ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
યુવક સારવાર દરમિયાન જ ભાગી ગયો
આ અંગે સિવિલના ડોક્ટરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના સોમવારની મોડી સાંજની છે. 108 એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતીને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જે બાદ તેની સાથે આવેલો વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતી ડીંડોલીની રહેવાસી છે અને બીએડની વિદ્યાર્થિની હતી.
પરિવારના જણાવ્યા પ્રમાણે, યુવતી બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતા પરિવાર ચિંતિત હતું. ફોન કરતા મધુસ્મિતાનો ફોન બંધ આવતો હતો. જેથી તેઓ કામરેજ કોલેજ પર ગયા હતા જ્યાં કોલેજ પણ બંધ થઇ ગઇ હતી.
પરિવારજનોએ આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, આ વિધર્મી યુવક તેની સાથે કોફી શોપમાં હતો. ત્યાંથી તેને સારવાર માટે પણ લઇ જવામાં આવ્યો પરંતુ તે હોસ્પિટલમાંથી કઇ રીતે ભાગી ગયો તે સમજાતુ નથી. અમે કાલે સાંજે દીકરીને ફોન કર્યો તો તેનો ફોન બંધ આવતો હતો. તો તેને સાંજે છ વાગે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા તો અમને જાણ કેમ ન કરવામાં આવી. તેનો ફોન તો 9.30 સુધી બંધ જ આવતો હતો. આ અંગે તપાસ થવી જોઇએ અમે ન્યાય માંગીએ છીએ.