Home /News /gujarat /શું આમ ભણશે ગુજરાત! શાળાના વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા મજબૂર બન્યા
શું આમ ભણશે ગુજરાત! શાળાના વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા મજબૂર બન્યા
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે.
એક સાથે ત્રણ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે. આથી એક સાથે ત્રણ શિક્ષકો પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આથી શિક્ષકો પણ સ્વીકારી રહ્યા છે કે ગામમાં આ મોટી સમસ્યા છે.
ભરતસિંહ વાઢેર, વલસાડ: રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી હોવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની હાલત અત્યંત દયનીય છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એક ગામમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરીત થઈ જતા બાળકોને ગામના એક સામૂહિક જગ્યા પર અભ્યાસ કરવામાં શિક્ષકો અને વાલીઓ મજબૂર બની રહ્યા છે.
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારનું આ કપરાડા તાલુકાનું સુકલબારી ગામ છે. શુકલબારી ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. ગુજરાતના છેવાડે અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની હદને અડીને આવેલા આ ગામમાં હજુ સુધી પૂરતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગામના બાળકોને અભ્યાસ માટેની પ્રાથમિક શાળા જર્જરીત થઈ ગઈ છે.
ગામની પ્રાથમિક શાળાના તમામ ઓરડાઓ જર્જરીત થઈ જતા બાળકોને આ જર્જરીત ઓરડાઓમાં અભ્યાસ કરવો જોખમકારક હોવાથી ગામની આ પ્રાથમિક શાળાને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે. અને કઈ જગ્યાએ શાળા ચાલે છે તે જાણીને આપ પણ ચોંકી જશો.
આઝાદીના આટલા વર્ષો બાદ પણ રાજ્યના છેવાડે આવેલા કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી અનેક ગામોમાં આવી હાલત છે. શાળાના ઓરડાઓ જર્જરીત થઈ ગયા છે. આથી ક્યાંક બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા મજબૂત થઈ રહ્યા છે. તો ક્યાંક ઓરડાના અભાવે ખુલ્લામાં બાળકોને અભ્યાસ કરવો પડે છે. પરંતુ આ બાળકો ગામના મંદિરમાં અભ્યાસ કરવા મજબૂત થઈ રહ્યા છે. ધોરણ એકથી પાંચના બાળકોને ગામના મંદિરના ગર્ભગૃહમાં જ એક સાથે બેસાડવામાં આવે છે. અને એક સાથે ત્રણ શિક્ષકો અહીંયા અભ્યાસ કરાવે છે. આથી એક સાથે ત્રણ શિક્ષકો પાંચ પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોવાથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આથી શિક્ષકો પણ સ્વીકારી રહ્યા છે કે ગામમાં આ મોટી સમસ્યા છે.
શિક્ષકો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે શાળાના નવા ઓરડાઓ બનાવવામાં આવે. તો સ્કૂલ બારી ગામ કપરાડા તાલુકાનું છેવાડાનું ગામ છે. જ્યાં મોટાભાગે આદિવાસી વસ્તી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પણ માની રહ્યા છે કે, તેમના ગામની શાળા જર્જરીત થઈ ગઈ હોવાથી બાળકોને એક સાથે ગામના મંદિરમાં જ અભ્યાસ કરાવવા મજબૂર થવું પડ્યું છે. આથી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે ગામમાં વહેલી તકે નવી શાળા બનાવવામાં આવે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. શાળાઓને કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક સુવિધાઓથી સજજ કરવામાં આવી રહી હોવાના દાવાઓ પણ કરવામાં આવે છે. પરંતુ હજુ પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં કેટલાક ગામોમાં પૂરતી સુવિધાઓ પહોંચી શકી નથી. આથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શુકલબારી ગામની મંદિરમાં ચાલતી આ શાળાના દ્રશ્યો સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ત્યારે વહેલી તકે આ ગામની શાળા નવી બને અને મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરવાનું નસીબ સાંપડે તેવી લોકો માગ કરી રહ્યાં છે .
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર