વર્ષોથી વણ વપરાયેલી પ્રાચીન ઇમારતો, મહેલો, કિલ્લામાં હવે શરૂ થશે હેરિટેજ હોટલ બેન્કવેટ, રેસ્ટોરન્ટ-મ્યુઝિયમ

વર્ષોથી વણ વપરાયેલી પ્રાચીન ઇમારતો, મહેલો, કિલ્લામાં હવે શરૂ થશે હેરિટેજ હોટલ બેન્કવેટ, રેસ્ટોરન્ટ-મ્યુઝિયમ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની નવી હેરિટેજ ટૂરિઝમ પોલીસીની મુ્ખ્યપ્રધાન રુપાણીએ જાહેરાત કરી, હેરિટેજ હોટલ-બેન્કવેટ હોલ-મ્યૂઝિયમ-રેસ્ટોરન્ટના નિર્માણ માટે રિનોવેશન માટે રાજ્ય સરકાર 45 લાખથી 10 કરોડની સહાય આપશે

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને વિશ્વ પ્રવાસન નકશા ઉપર વધુ દમદાર રીતે ચમકતું કરવા રાજ્યની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત-ઇમારતો સ્થળોને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટીનેશન તરીકે પ્રોત્સાહિત કરતી હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25ની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25માં રાજ્યના નાના ગામો-નગરોમાં સુષુપ્ત અવસ્થામાં અત્યાર સુધી રહેલી પ્રાચિન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા, કિલ્લાઓ સહિતના સ્થળો હેરિટેજ પ્લેસીસને વિશ્વના પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખૂલ્લા મૂકાશે.

નાના ગામો-નગરોમાં વર્ષોથી વણવપરાયેલા રાજમહેલો, કિલ્લાઓ, પ્રાચીન સંસ્કૃતિની વિરાસત જાળવતી ઇમારતોની મહત્તા ફરી ઊજાગર થાય, લોકો તેનો ઇતિહાસ જાણી શકે સાથોસાથ આવા સ્થાનોની યોગ્ય માવજત-જાળવણી થાય તે હેતુસર આ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં અનેક પ્રોત્સાહનો આપવાનો પણ નિર્ણય કરાયો છે. આજે ગાંધીનગરમાં યોજાયેલા ઉચ્ચસ્તરીય બેઠકમાં આ હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25ને પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આખરી ઓપ આપ્યો હતો.તેમણે હેરિટેજ પ્રોપર્ટીઝના મૂળ તત્વ અને સત્વને જાળવીને પ્રવાસન આકર્ષણ ઊભા કરવાની પ્રતિબદ્ધતા સાથે આ પોલિસીમાં સ્પષ્ટપણે સૂચવ્યું છે કે તા. 1 જાન્યુઆરી-1950 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યૂઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ કે હેરિટેજ રેસ્ટોરન્ટ બનાવી શકાશે. એટલું જ નહિ, આવી હેરિટેજ હોટલ, મ્યૂઝિયમ, બેન્કવેટ હોલ કે રેસ્ટોરન્ટનું નિર્માણ કરતી વખતે હેરિટેજ પ્લેસના ઐતિહાસિક વિરાસતના મૂળ માળખા-સ્ટ્રકચર સાથે કોઇ છેડછાડ કરી શકાશે નહીં.

આ પણ વાંચો - રાજ્યના ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50% સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે

આઝાદી પછી વિલીનીકરણ થયેલા અનેક નાના-મોટા રજવાડાઓની સમૃદ્ધિ, તેમના મહેલોના મ્યૂઝિયમમાં રહેલી કિમતી ચીજવસ્તુઓ સોગાદ, પોષાક-પહેરવેશ, શસ્ત્રો, ચલણી સિક્કા જેવી પ્રાચીન ધરોહરને વિશ્વની વર્તમાન અને ભાવિ પેઢી નિહાળી-માણી શકે તે માટે હેરિટેજ મ્યૂઝિયમનો કોન્સેપ્ટ હેરિટેજ ટુરિઝમ પોલિસીમાં શામેલ કરાયો છે. ગુજરાતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશના દેશના પ્રવાસન પ્રેમીઓ પર્યટન-સહેલગાહ માટે આવતા હોય છે. હવે, આ હેરિટેજ ટુરિઝમના કન્સેપ્ટથી આવા પ્રવાસીઓને હેરિટેજ પ્લેસિસની મૂલાકાત-પ્રવાસ માટે આકર્ષીને વિદેશી હુંડિયામણ મેળવવાનો, સ્થાનિક રોજગારીનો હોલિસ્ટીક ટુરિઝમ ડેવલપમેન્ટ એપ્રોચ આ પોલિસીમાં સુનિશ્ચિત કરાયો છે.

આ ટુરિઝમ પોલિસીમાં મહત્વપૂર્ણ બાબતો આવરી લેવાઇ છે. તેમાં હેરીટેજ ટુરિઝમ પોલિસી અંતર્ગત નવી શરૂ કરવામાં આવેલ હેરીટેજ હોટલ, હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા હયાત હોટલ અને હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટના રીનોવેશન અને રીપેરીંગ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. તદઅનુસાર, હોટલ માટે 25 કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો 20 ટકા સબસિડી એટલે કે મહત્તમ પ કરોડ રૂપિયા સુધીની સહાય અને 25 કરોડ રૂપિયાથી વધારેના રોકાણ માટે મહત્તમ 10 કરોડ રૂપિયાની નાણાકીય સહાય સરકાર આપશે.

ન્યુ હેરીટેજ મ્યુઝિયમ, હેરીટેજ બેન્કવેટ હોલ અને હેરીટેજ રેસ્ટોરન્ટ યુનિટ તથા તેના રીનોવેશન, રીસ્ટોરેશનમાં 3 કરોડ રૂપિયા સુધીનું રોકાણ હશે તો 15 ટકા લેખે 45 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. 3 કરોડથી વધારે રોકાણ પર 15 લેખે 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં સરકાર આપશે. હેરિટેજ ટુરિઝમ પોલિસીના સમયગાળા દરમ્યાન મંજૂર અને વિતરણ થયેલી લોન ઉપર પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી પ્રતિવર્ષ 30 લાખની મર્યાદામાં અપાશે.

હેરિટેજ હોટલ, બેન્કવેટ હોલ, મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ માટે આ પોલિસી અંતર્ગત કેટલાક ઇન્સેટીવ્ઝ આપવા માટેનું પણ પ્રાવધાન પોલિસીમાં કરાયુ છે.
તે અનુસાર, પાંચ વર્ષ માટે 100 ટકા ઇલેકટ્રીક સિટી ડયૂટી માફી, માર્કેટીંગ સપોર્ટ અન્વયે નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે રેન્ટ સહાય, વગેરેનો પણ લાભ મળશે. ગુજરાતમાં લોથલ, ધોળાવીરા જેવા પ્રાચીન ઐતિહાસિક નગરો, રાણ કી વાવ અને ચાંપાનેર જેવી વર્લ્ડ હેરિટેજ સાઇટ તેમજ વિશ્વના એક માત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો ભવ્ય ગૌરવ વારસો છે. ત્યારે હેરીટેજ પોલિસી આ સ્થળોને વધુ ઉજાગર કરશે.

આ પોલિસીને સુસંગત એવી ગુજરાત હોમ સ્ટે પોલિસી 2014-19ને પણ વધુ સરળ અને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવવાનો અભિગમ પણ રાજ્ય સરકાર દ્વારા અપનાવાયો છે. ગુજરાતનું ગ્રામીણ જીવન, સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા- જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુક્ત આવાસ સગવડ આ હોમ સ્ટે પોલીસી અન્વયે મળતી થશે. એટલું જ નહિ, 1 થી 6 રૂમ સુધીના આવાસો અને પોતે પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ હોમ સ્ટે તરીકે પોતાના આવાસ આપી શકશે. આવા હોમ સ્ટે ને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ મળશે.

ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનો વ્યૂહ પણ અપનાવાયો છે. ગુજરાતભરમાં 100 જેટલા હોમ સ્ટે કાર્યરત છે તેમાં હવે નવા હોમ સ્ટેનો ઉમેરો થશે. તેમજ પ્રવાસન નિગમ દ્વારા હોમ સ્ટે ધારકોને ટ્રેનીંગ આપવામાં આવશે પરિણામે તેઓ ગુણવત્તાયુકત સેવા પુરી પાડી શકશે. હોમ સ્ટે પોલિસીને વધુ સરળ બનાવતાં હવે, ગ્રામીણ રોજગારીની સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો પણ ખીલશે.
Published by:Ashish Goyal
First published:September 11, 2020, 23:32 pm