ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના આજે જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહીં, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને અંદાજે પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.
સાથે સાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 11 વર્ષ પહેલાં આજના દિવસે તેમણે ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા અને આ સહાય જાહેરાતો કરવામા આવી હતી.
ઉલ્લેખનીય છે કે આજે જ્યારે સમગ્ર વિશ્વ સમક્ષ ક્લાયમેટ ચેન્જની અસરો પડકારરૂપ બની છે ત્યારે વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યમાં ઉભા થનારા પડકારોને લક્ષમાં રાખીને દેશમાં પહેલીવાર સમયસર ક્લાયમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી. એટલે પ્રધાનમંત્રી મોદીના 70મા જન્મદિવસે ગ્રીન ક્લીન એનર્જી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગુજરાત માટે ક્લાયમેટ ચેન્જ વિભાગે તેની સ્થાપનાના પ્રથમ દસકમાં જે કામ કર્યું છે અને ભવિષ્ય માટે જે રોડમેપ કંડાર્યો છે તેના દસ્તાવેજ એવા પુસ્તક- ‘‘બિલ્ડીંગ એ ક્લાયમેટ રેસીલીયન્સ ગુજરાત: એ ડીકેડ ઑફ કલાયમેટ એક્શન એન્ડ એ રોડમેપ ફોર ધી ફ્યુચર’’નું ઇ-લોકાર્પણ પણ કરાયુ હતું . ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાન્તિ લાવવા રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ 10 સંસ્થાઓ સાથે વર્ચ્યુઅલ એમ.ઓ.યુ. પણ કર્યા હતા. વિભાગના અગ્ર સચિવ એસ.જે. હૈદરની ઉપસ્થિતિમાં ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઈન્ફોર્મેટિકસ સાથે સ્પેશ ટેક્નોલોજી અને જીઓ ઈન્ફોર્મેટિક્સના ઉપયોગ દ્વારા ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી માટે એમ.ઓ.યુ. કરાયા હતા.