કચ્છ: મતદાન માટે મૂકબધીરો સાથે વાતચીત કરવા ખાસ તાલીમ યોજાયેલી

News18 Gujarati
Updated: April 25, 2019, 6:22 PM IST
કચ્છ: મતદાન માટે મૂકબધીરો સાથે વાતચીત કરવા ખાસ તાલીમ યોજાયેલી

  • Share this:
સમગ્ર કચ્છ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકે તે હેતુ થી દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ જેવી કે મતદાન મથકે વ્હીલ ચેર, વાહન વ્યવસ્થા અને સહાયક પૂરા પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ વખતે દિવ્યાંગો મતદાન મથકે કોઇપણ વિધ્ન વગર મતદાન મથકે પહોંચી શકે અને કોઇ મુશ્કેલી ન અનુભવે તે હેતુથી દિવ્યાંગ રથ તૈયાર કરવામાં આવ્યા હતા.

સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડિયાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને તેઓ મતદાન કરવાના તેમનો હક ભોગવી શકે તે હેતુથી જિલ્લાના શહેરી, તાલુકા મથકો પર દિવ્યાંગ મતદારોની ઓળખ કરીને અગાઉ થી જ તેમની વ્યવસ્થા અંગે ચિંતા કરી ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાઇ હતી.જે દિવ્યાંગ મતદારોએ સહાયકની માંગણી કરેલ હતા તેમની માટે 300થી વધુ સહાયકોને જવાબદારી સોંપવામાં આવી હતી. સહાયક તરીકેની કામગીરી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પ્રવાસી શિક્ષકોને અપાઇ હતી. દિવ્યાંગોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લઇ જવા અને મતદાન કર્યા બાદ તેમને ઘર સુધી પરત લઇ જવા માટે 50થી વધુ દિવ્યાંગ રથ તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા ઉપલબ્ધ કરાવાયા હતા.મતદાન મથકની અંદર લઇ જવા માટે વ્હલચેર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

વધુમાં રોહડિયા દ્વારા જણાવાયું હતું કે મતદાન મથક પર કોઇ બિમાર, અશક્ત, વરીષ્ઠ નાગરિકો કે દિવ્યાંગ મતદાર આવે તો તેમની સહાયતા માટે અલગ ડ્રેસ કોડમાં વહીવટી કર્મચારીને ખાસ ફરજ સોંપવામાં આવી હતી. આ કર્મચારીઓ દિવ્યાંગોને વ્હીલચેરમાં બેસાડીને મતદાન કરીને પરત ફરે ત્યાં સુધી તેઓને સહાય કરવા માટે તત્પર હતા.

લોકસભા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો વધુને વધુ ભાગ લે તે હેતુથી દિવ્યાંગજનોને મતદારયાદીમાં નામ નોંધાવવા માટે ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરળ અને સુગમતાથી મતદાન કરી શકે તે હેતુથી ઇવીએમ તેમજ વીવીપેટના નિદર્શન કરી તેઓને મતદાન પ્રક્રિયા અંગે માહિતગાર કરાયા હોવાનું પણ રોહડિયાએ જણાવ્યું હતું.

આ સાથે જ દિવ્યાંગજનો સાથેનો વર્તન વ્યવહાર અને તેમની જરૂરીયાતો અંગે કર્મચારીઓને તાલીમ દરમિયાન માહિતગાર કરાયા હતા. દરેક વિધાનસભા પ્રમાણે આયોજિત તાલીમમાં મૂકબધિક સાથે વાત કરવા માટે સાંકેતિક ભાષાની પણ તાલીમ આપવામાં આવી હતી.

મહિલા સશક્તિકરણ માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ સખી પોલીંગ સ્ટેશન ઉભા કરાયા હતા તે પ્રમાણે જ દિવ્યાંગજનો દ્વારા સંચાલિત વિધાનસભા બેઠક પ્રમાણ 6 બૂથનું સંચાલન ફક્ત દિવ્યાંગજનો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. આ તમામ બૂથના સંચાલન માટે દિવ્યાંગ કર્મચારીઓએ પણ અન્ય કર્મચારીની માફક જ તેમની ફરજ નીભાવી હતી.પ્રજ્ઞાચક્ષુ મતદારોની વ્યવસ્થા અંગે એ.પી. રોહડિયાએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુઓને તેમના ચૂંટણી કાર્ડમાં તેમની માહિતી અંગેનું બ્રેઇલ લિપીમાં સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ પ્રજ્ઞાચક્ષુ મતદારોને તેઓની મતદાન સ્લીપ પણ બ્રેઇલ લિપીમાં આપવામાં આવી હતી. તેમજ મતદાન મથકે બ્રેઇલ લિપીમાં ખાસ ડમી બેલેટ સીટ તૈયાર કરવામાં આવી હતી.

જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિ દ્વારા દિવ્યાંગો અંગેની વ્યવસ્થા માટે મતદાન અગાઉ વારંવાર સમીક્ષાઓ કરવામાં આવી હતી તેમજ વિધાનસભા બેઠકના તમામ એ.આર.ઓ. દ્વારા માઇક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું.

સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન દિવ્યાંગ મતદારોને મદદ કરવા માટે સમાજ સુરક્ષા વિભાગ સાથે સંકળાયેલ વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ આ કાર્ય માટે સહયોગ આપ્યો હતો જેમાં શ્રી માતા લક્ષ્મી મૂકબધીર બાળકોની સંસ્થા, શ્રી નવચેતન અંધજન મંડળ, શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ – માંડવી, શ્રી લોકસેવા સાર્વજનીક સેવા ટ્રસ્ટ, અદાણી ફાઉન્ડેશન-મુંદરા, હરી આશરો ટ્રસ્ટ સંચાલીત ઉપાસના ઇન્સ્ટીટ્યુટ ફોર મેન્ટલી રીટાયર્ડ ચિલ્ડ્રન-આદીપુર, અંધ, અપંગ, મુંગા તથા અપંગ બચ્ચાઓની સંસ્થા-માંડવી, કચ્છ વિકાસ ટ્રસ્ટ-રાયધણપર નો સમાવેશ થાય છે.

(સ્ત્રોત: માહિતી વિભાગ-કચ્છ). 
First published: April 25, 2019
વધુ વાંચો
अगली ख़बर