Home /News /gujarat /'સ્પેશિયલ- 26': હવે ફાટેલા ફૂટશે-ફાટશે, તાલીમિત્રો દુશ્મનો બનશે, રાજકીય વફાદારીઓ બદલાશે

'સ્પેશિયલ- 26': હવે ફાટેલા ફૂટશે-ફાટશે, તાલીમિત્રો દુશ્મનો બનશે, રાજકીય વફાદારીઓ બદલાશે

ચૌધરી-ઠાકોરોનું ગઠબંધન પાટીદાર મતદારોની સામે બાથ ભીડી અને સંખ્યાબળની દૃષ્ટિએ નવા-જૂની કરવામાં સફળ થઇ શકે તેવું છે !

ચૌધરી-ઠાકોરોનું ગઠબંધન પાટીદાર મતદારોની સામે બાથ ભીડી અને સંખ્યાબળની દૃષ્ટિએ નવા-જૂની કરવામાં સફળ થઇ શકે તેવું છે !

  સંજય કચોટ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વેના છમકલાં શરુ થઇ ચુક્યા છે. ગુજરાત  વિધાનસભાની ચૂંટણીમાં દુધેથી દાઝ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હવે રાજ્યમાં ફૂંકીફૂંકીને છાશ પી રહી છે ! આ પૂર્વે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ થોડા સમય પૂર્વે યોજાયેલી "ચિંતન શિબિર"માં રાજયની તમામ 26 લોકસભા બેઠકો જાળવી રાખવાનો આશાવાદ વ્યક્ત કરી ચુક્યા છે. જો કે આ વખતે આ સંઘ કાશીએ પહોંચશે કે કેમ તે કહેવું હાલના તબક્કે જરા મુશ્કેલ છે.

  હા, એટલું ચોક્કસ છે કે નીતિ (જેનો રાજકારણ સાથે લગભગ કોઈ સંબંધ નથી), વફાદારીઓ, સંકલ્પો, ઢંઢેરાઓ, મુદ્દા, માંગણીઓ, પદલાલસા અને સત્તા પ્રાપ્તિ માટે રાજ્યમાં લોકસભા ચૂંટણી પૂર્વે અવનવી સોગઠીઓ મંડાશે.

  આ સોગઠાંના પહેલા ચરણમાં બાવળીયા ભાજપના ખોળે બેસી ચુક્યા છે. જસદણમાં કદાચ થોડુંઘણું કોળી મતદારો ઉપર તેમનું  પ્રભુત્વ હશે. બાકી બોટાદમાંથી તેઓ ડૉ.ટી.ડી.માણીયા જેવા ભાજપના પટેલ ઉમદેવાર સામે ચૂંટણી હારી ચુક્યા હતા ! બાવળિયાને ભાજપમાં લાવીને પક્ષ હીરા-પુરુષોત્તમ સોલંકીની બેલડીને કાબુમાં રાખી શકશે તેવી પક્ષની ગણતરી હોઈ શકે છે, પરંતુ બાવળીયા જીત્યા કે જીતતા હતા તો એ માત્ર રાજકોટ કે અમરેલીમાં કડવા-લેઉવા પાટીદારોના બગડેલા સમીકરણોના લીધે મળતા ફાયદાના કારણે; નહિ કે કોળી મતદારનોના સંગઠનોના લીધે !

  બાવળીયા બાદ વિક્રમ માડમની નારાજગીની વાત પણ ચાલી, ચાલી રહી છે. માડમ આહીર જ્ઞાતિના છે. છેલ્લા કેટલાક સમયથી આહિરોનો રાજકીય ઝુકાવ કોંગ્રેસ તરફી રહ્યો છે. પૂનમબેન જામનગરમાં પ્રબળ છે. પરંતુ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ્સ, ડાયરાઓ અને સમૂહ લગ્નો સિવાય તેમણે આહીર જ્ઞાતિના કેટલા સમાજોપયોગી કાર્યો કર્યા તે એક સવાલ છે ! મેરામણ ગોરીયા, કરસન કરમૂર, મેરામણ ભાટુ, પ્રવીણ માડમ, કાળુભાઇ ચાવડા, વારોતરિયા ભાઈઓ તથા જીવણ કુમ્ભારવાડીયા જેવા નેતાઓનું  જ્ઞાતિગત સમીકરણો હોઈ, વિધાસભામાં થોડુંક ઉપજી જાય છે, પરંતુ લોકસભામાં આ પૈકીના ભાગ્યે જ કોઈની પીપુડી વાગે. વળી, કૉંગેસ સાથે રહીને હવે જ્ઞાતિને પણ બહુ ફાયદો નહિ થયો હોવાનું કેટલાક મોવડીઓ માની રહ્યા છે. આ સ્થિતિમાં વિક્રમ માડમ પક્ષાંતર કરે તો આહીર-આહીર વચ્ચે (કાકા-ભત્રીજી) મુકાબલો થાય અને જામનગરમાં પાટીદાર ઉમેદવાર  સંખ્યા અને સંગઠનની દૃષ્ટિએ મેદાન મારી જાય તો નવાઈ નહિ !

  માડમ-બાવળિયાની વચ્ચે રાજકોટમાં ઇન્દ્રનીલે પલીતો ચાંપ્યો, પરંતુ ઇન્દ્રનીલ તેની તમામ તાકાત છતાં રૂપાણી સામે ‘ભૂ’ પી ગયા હતા તે સૌ જાણે છે.

  આ રાજકીય ગરમાગરમી વચ્ચે અમદાવાદમાં કથિત લઠ્ઠાકાંડનું કોકડું ગૂંચવાયું અને રાજ્યના ત્રણ ચળવળકારીઓ બિનલોકતાંત્રિક ઢબે લોકોના ઘરમાં ઘુસી-ઘૂસીને જાણે તેમને બધી સત્તા હોય તેમ 'જનતા રેડ" કરવા લાગ્યા । હાર્દિક માટે તો આ જૂનો દાવ કહી શકાય પરંતુ બાકીના બંને મહાશયો તો ચૂંટાયેલા પ્રતિનિધીઓ છે, તેમને આ શોભે ? આજે 'જનતા રેડ" કરી, કાલે કાયદો હાથમાં લેશે, ન કરે નારાયણ’ને કાલે 'જનતા અદાલતો' શરુ કરે !- આ સમાંતર વ્યવસ્થાતંત્ર શું લોકોને માન્ય છે ? પ્રજા ખુદ વિચારે.

  થોડા દિવસો પહેલા કોંગ્રેસના યુવાનેતા અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ છોડી રહ્યાં હોવાની અફવા ફેલાઈ હતી. ભલે અત્યારે આ મામલે તેઓ કોઈ ટિપ્પણી કરવા તૈયાર ન હોય પરંતુ આગામી ટૂંક દિવસોમાં આ અફવા સાચી ઠરે તો નવાઈ ન પામશો. રાજકીય અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે કે, ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકો પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં ચૌધરી-ઠાકોરોનું ગઠબંધન રચાય તેવી શક્યતા છે. પાટીદાર મતદારોની સામે બાથ ભીડી શકે તેવું સંખ્યાબળની દૃષ્ટિએ આ સમીકરણ નવા-જૂની કરવામાં સફળ થઇ શકે !

  ચૌધરી-ઠાકોર ગઠબંધન થવા પાછળના સૂચિતાર્થો 'જો અને તો' ના દૃષ્ટિકોણથી કૈક આવા છે : આજકાલ શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર નજીક આવી રહ્યાં છે. જો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય  તો હરિભાઈ ચૌધરીનું પત્તુ કાપીને બનાસકાંઠામાંથી અલ્પેશ ઠાકોરને ભાજપનો ચહેરો બનાવી શકાય. અલ્પેશ રાધનપુરની બેઠક છોડે તો શંકર ચૌધરી ત્યાંથી પેટા ચૂંટણી લડે અને ભાજપની બેઠક પરથી જીત મેળવે ! વાવમાંથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોર પણ હવે કૉંગેસથી નારાજ છે. આમ, ‘ઠાકોર-ચૌધરી એકતા જૂથ’ રચાય તો ઉત્તર ગુજરાતના લોકસભાના નવા સમીકરણો બની શકે છે.

  વળી,  ભાજપ પાસે હાલ ડૉ.ઋત્વિજ પટેલ સિવાય કોઈ યુવા ચહેરો નથી. આ સ્થિતિમાં અલ્પેશના રૂપમાં ભાજપને એક યુવા ચહેરો પણ મળી શકે. હવે સવાલ એ છે કે, ઋત્વિજ પટેલ આ નવા બનનારા સમીકરણોમાં કેટલી ફાચર મારી શકે છે ? આમ પણ, બાવળિયાના જબરદસ્ત અતિક્રમણથી ભાજપના પોતાના ધારાસભ્યોમાં ઉકળતો ચરુ છે જ. એટલે પક્ષાંતર થયા જ કરશે તેમાં બેમત નથી.

  આ ઓછું હતું તે 25 ઓગસ્ટથી ફરી એકવાર પાટીદાર અનામત મુદ્દે આમરણાંત ઉપવાસ શરૂ કરનારા હાર્દિક પટેલના કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ જોડવાની ના પાડી દીધી છે. તેમણે એવું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, તેઓ હાર્દિકના આંદોલનમાં નહિ જોડાય.  હા, તેમની શુભેચ્છા હાર્દિક સાથે રહેશે. મુદ્દે આ 'તિકડી'ના આસાર સારા નથી. તેમાં ગમે ત્યારે ફૂટ પડી શકે છે. બીજી તરફ સરકારે પણ કાયદાકીય સલાહ લઇ હાર્દિક સામે આઇપીસી-309 'એટેમ્પ ટુ સુસાઈડ' અંતર્ગત કાનૂની રીતે સિકંજો કસવાની તૈયારી કરી લીધી છે.

  આ ઉઠાપટક વચ્ચે 20 જુલાઈએ વડાપ્રધાન ગુજરાતમાં બેટિંગ કરી જશે. ક્યાંક 'પ્રધાનમંત્રી આવાસ યોજના' ના મકાનો તો ક્યાંક મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઉદ્ઘાટન કરશે અને વિદ્યાર્થોને દીક્ષાન્ત સમારોહમાં વિકાસની દુહાઈઓનું પ્રવચન આપી રાજ્યનું રાજકીય વાતાવરણ વધુ ગરમ બનાવી જાય તો બહુ આંચકો ન અનુભવવો.

  આ સંકુલિત રાજકીય પ્રવાહોની વચ્ચે ડૉ કનુભાઈ કલસરિયાનો કોંગ્રેસ પ્રવેશ ચર્ચાનો વિષય બન્યો. જ્ઞાતિ સમીકરણ મામલે કોંગ્રેસ આ સ્વચ્છ પ્રતિભા ધરાવતા સેવાભાવી આહીર ઉમેદવારને કોળી મતદારો સામે ઉભા કરી લાભ ખાટવાના પ્રયાસમાં હોઈ શકે. આ મામલે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી કે, "ડૉ.કનુભાઈ રાજકારણની એક સ્વચ્છ પ્રતિભા છે.રાહુલ ગાંધી સાથે કનુભાઈની મુલાકાત થઈ હતી. કનુભાઈ કોંગ્રેસમાં જોડાય તો તે સારી બાબત છે."

  આ થઇ હાલના રાજકીય પ્રવાહોની. હજુ ઘણું થવાનું છે, થતું રહેશે. પ્રજા તરીકે આપણે હવે રાજકીય દૃષ્ટિએ સાક્ષર બનવું પડશે. રાજકારણીઓ હવે પક્ષાન્તરો અને તેમના વ્યક્તિગત ફાયદા માટે પ્રજાને ભોળવી ન  જાય તે માટે આપણે સજાગ બનવું પડશે. "જાગો મતદાર જાગો" !!
  Published by:sanjay kachot
  First published:

  Tags: Amit shah, Bavaliya, Geniben thakor, Koli, Rutvij Patel, Shankar Chaudhari, Vikram madam, અલ્પેશ ઠાકોર, ઉત્તર ગુજરાત, એફએસએલ, કોંગ્રેસ, જામનગર, પાટીદાર, ભાજપ, મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन