સુરત : ગોડાદરાના (Godadara)ગાર્ડનમાં કોલેજ ફ્રેન્ડ સાથે બેસેલા યુવકનું બાઇક પર અપહરણ (Kidnapping)કરી બે યુવકોએ ઢોર માર માર્યો હતો. પિતરાઈ સાથે 2 લાખની લેતી-દેતીના ઝઘડામાં કોલેજિયન યુવકનું અપહરણ કરી માર માર્યો હતો. ગોડાદરા પોલીસે (Godadara police)ગુનો નોંધી બંને યુવકોની અટકાયત કરી હતી.
ગોડાદરામાં રૂપસાગર સોસાયટી ખાતે રહેતા જિગ્નેશ બચુભાઇ જીંજાળા એસવાયબી કોમનો અભ્યાસ કરે છે અને ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં હીરા ઘસવાનું શીખી પણ રહ્યો છે. ગત તા. 26મીએ બપોરે જિગ્નેશ પુણા પાટિયા પહોંચ્યો હતો. અહીંથી કોલેજ ફ્રેન્ડ યુવતી સાથે બાઇક પર ઘર નજીક આવેલા ગાર્ડનમાં તેઓ ગયા હતા. તેઓ ગાર્ડનમાં આગામી પરીક્ષાના લઇ ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે ધ્રુવપાર્ક સોસાયટીમાં રહેતો અશ્વિન અને વિપુલ બલદાણિયા ત્યાં આવી " આ મારી બહેન છે, તું અહીંયા તેની સાથે શું કરે છે? " એમ કહી દમદાટી આપી ફોટા પાડવા લાગ્યા હતા.
જે મુદ્દે ઝઘડો થયા બાદ અશ્વિને ઘનશ્યામ જીંજાળા કોણ થાય છે? એવું પૂછતા જિગ્નેશે ઘનશ્યામ મારા કાકાનો દીકરો છે એવું જણાવ્યું હતું.
ત્યારબાદ યુવતીને ઘરે મોકલી આપી બંને જણાએ જિગ્નેશનો કોલર પકડી મારામારી શરૂ કરી દીધી હતી. બાદમાં બળજબરીથી બાઇક પર બેસાડી અલગ-અલગ અવાવરું જગ્યાએ લઇ ગયા હતા. બંને જણા ગોડાદરામાં સંસ્કૃતિ માર્કેટના પાછળના ભાગે આવેલા રોડ પર લઇ જઇ ઘનશ્યામ જીંજાળા પાસે બે લાખ લેવાના બાકી છે, તેને અહીંયા બોલાવ એવું જિગ્નેશને કહ્યું હતું. જેથી જિગ્નેશે કોલ કરી ઘનશ્યામને સ્થળ પર આવવા કહ્યું પણ તે ગયો ન હતો. ઘનશ્યામ ના આવતા ઉશ્કેરાઈને અશ્વિન અને વિપુલે ફરી જિગ્નેશને માર માર્યો હતો. લોખંડના સળિયાથી પણ હુમલો કરાયો હતો.
પિતા પાસે 5 લાખ પડાવવા માટે યુવકને ધમકાવ્યો પણ હતો. બંનેએ જિગ્નેશને કહ્યું કે ઘનશ્યામ નહીં આવે તો તારા પપ્પાને 5 લાખ લઇને અહીં બોલાવ એવું કહી ફરી માર માર્યો હતો. આ પછી ચપ્પાની અણીએ ડરાવ્યો-ધમકાવ્યો હતો. બાદમાં બંને જણા ઇજાગ્રસ્ત જિગ્નેશને તેના ઘર પાસે આવેલા દવાખાના પાસે મુકી ભાગી ગયા હતા. બનાવ અંગે જિગ્નેશે ફરિયાદ આપતા ગોડાદરા પોલીસે અશ્વિન વાણિયા અને વિપુલ બલદાણિયા (બંને રહે. ધ્રુવ પાર્ક સોસાયટી, ગોડાદરા) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર