સુરત : પુણા વિસ્તારમાં રહેતા અને સાડી- ડ્રેસના જોબવર્કનું કામ કરતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક મહિનાથી કાપડ બજારમાં મંદી આવતા આર્થિક સંકડામણમાં પગલું ભરી લીધું હતું. અંતિમ પગલુ ભરતાં અગાઉ યુવાને વીડિયો બનાવ્યો હતો. જેમાં હું મારી મરજીથી મોતને ભેટું છે. આ પાછળ કોઈ જવાબદાર નથી તેવું જણાવ્યું હતું. મારે દેવું ખુબ વધી ગયું છે જેથી આ પગલું ભરૂ છું. આ વીડિયો માત્ર પોલીસ માહિતી માટે જ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના લાઠીના રહેવાસી અને હાલ પુણાગામ વિસ્તારમાં આવેલ શંકરનગર સોસાયટીમાં રહેતો 27 વર્ષિય અંકિત કાનજીભાઈ સોજીત્રા સાડી વર્કનું ઘરે જ કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. પણ છેલ્લા છ માસથી કાપડ બજારમાં મંદીના કારણે અંકિત આર્થિક સંકળામણનો ભોગ બન્યો હતો. જેના કારણે તેના પર દેવુ વધી ગયું હતું. જેથી અંકિતે શનિવારે પોતાના ઘરમાં લોખંડના હુક સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો.
આ બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે જઇને કાર્યવાહી હાથ ધરી હતી. જયાં અંકિતના રૂમમાંથી પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે કરતાં તેણે આપઘાત કરતાં અગાઉ પોતાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં પોલીસને સંબોધન કરતાં જણાવ્યુ છે કે મારા મોતનું કારણ હું પોતે જ છું, મારે દેવું વધી ગયું છે. મારી પત્ની અને પરિવારજનો ખુબ જ સારા છે, મારા મોત માટે તેઓ જવાબદાર નથી. મારા મોત બાદ પોલીસ કોઈ પણ પ્રકારની તકલીફ મારા પરિવારને આપે નહીં. પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે કરીને પરિવારના નિવેદન નોંધીને વધુ તપાસ આદરી છે.