સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો, ડેમની સપાટી 122.30 મીટરે પહોંચી

સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો, ડેમની સપાટી 122.30 મીટરે પહોંચી
ડેમમાં ઉપરવાસ માંથી 23132 ક્યુસેક પાણીની આવક થઇ છે.

ડેમની સપાટીમાં 24 કલાકમાં 30 સેમીનો વધારો, ખેડૂતો માટે સારા સમાચાર, વીજ ઉત્પાદન માટે એક ટર્બાઇન શરૂ

 • Share this:
  દિપક પટેલ, નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરમખ વધારો થયો છે. આ વર્ષે ડેમની સપાટી પહેલી વાર 122.30 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 23132 ક્યુસેક પાણીની આવક થઇ છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં ધરખમ 30 સેમીનો વધારો નોંધાયો છે. ડેમમાંથી હાલમાં ગુજરાતમાં સિંચાઇ માટે 5162 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદ શરૂ થયું છે. હાલમાં ડેમમાંથી CHPHના બે ટર્બાઇન બંધ કરાયા છે જ્યારે એક ટર્બાઇન શરૂ છે.

  એક બાજુ રાજ્યના તમામ વિસ્તારોમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ત્યારે બીજી બાજુ સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.  આ પણ વાંચો :  રાજ્યમાં ચોમાસું જામ્યું, 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

  મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે. સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે ડેમની જળ સપાટી 122.30 મીટરને પાર કરી ગઈ છે.


  આ પણ વાંચો :  દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ : જૂજ ડેમ ઓવરફ્લો, મધુબન ડેમનાં 4 દરવાજા ખોલાયા

  નર્મદાના મુદ્દે કમલનાથ-રૂપાણી સરકાર આમને સામને
  જ્યારે બીજી બાજુ નર્મદાના પાણીને કારણે મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર અને ગુજરાતની બીજેપી સરકાર આમને સામને આવી ગઈ છે. નર્મદાના નીરને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે. બંને પક્ષ તરફથી આરોપ-પ્રતિ આરોપનો મારો શરૂ થઈ ગયો છે. મધ્ય પ્રદેશ દ્વારા નર્મદાનું પાણી અટકાવવાના નિવેદન પર નીતિન પટેલે મધ્યપ્રદેશ સરકારને આડે હાથે લીધી હતી. તેમણે બે દિવસ પહેલાં ગાંધીનગરમાં નિવેદન આપ્યું હતું કે મધ્ય પ્રદેશમાં જ્યારથી કોંગ્રેસની સરકાર આવી છે, ત્યારથી તે નર્મદાના પાણીના મુદ્દે રાજકારણ કરી રહી છે. જ્યારે તેમના એક મંત્રીએ તો સિંહ આપો તો જ પાણી મળશે તેવું ગેરજવાબદાર નિવેદન પણ કર્યું છે.

   
  Published by:News18 Gujarati
  First published:July 31, 2019, 09:02 am

  ટૉપ ન્યૂઝ