ભરતસિંહ વાઢેર, વાપી: શાળામાં જયશ્રીરામ બોલતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી માફીનામું લખાવનાર વાપીની સેન્ટ મેરી સ્કૂલે (Saint Mary School, Vapi) આખરે માફી માગવી પડી છે. શાળામાં બે બાળકોએ એકબીજાને મળતા અભિવાદનના ભાગરૂપે જયશ્રીરામ (Jay Shree Ram) કહેવા બાબતે સ્કૂલ સંચાલકોએ બાળકોને ઘૂંટણિયે બેસાડી અને જયશ્રીરામ બોલવા બદલ લેખિતમાં માફી મંગાવી હતી. મામલો ગરમાતા પરિસ્થિતિ પારખી ગયેલા સ્કૂલ સંચાલકોએ લેખિતમાં માફી માગવાની નોબત આવી હતી.
બે વિદ્યાર્થીઓને મંગાવી માફી
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલી ચણોદ કોલોનીની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓએ સ્કૂલના કોરિડોરમાં ઉભા રહી એક બીજાને જયશ્રીરામ કહીને સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જયશ્રી રામ બોલતા સ્કૂલની ડિસિપ્લીનરી કમિટી અને સંચાલકોએ બંને વિદ્યાર્થીઓએ કોઈ ગંભીર ભૂલ કે ગુનો કર્યો હોય તેમ સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. વાત એટલેથી ન અટકી પણ બંને વિદ્યાર્થીઓને સ્કૂલમા ઘૂંટણીએ બેસાડી વિદ્યાર્થીઓએ પાસે સ્કૂલ ડીસિપ્લીનરી કમિટીના હેડે સ્કૂલમાં જયશ્રીરામ બોલવા બદલ લેખિતમાં માફીનામું પણ લખાવ્યું હતું. જેની જાણ બાળકોના વાલીઓ અને હિન્દુ સંગઠનોની થઈ હતી.
જોકે, પોતાના બાળકો સાથે સ્કૂલ સંચાલકોએ કરેલા વર્તનને કારણે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. વાપીની આ સેન્ટ મેરી સ્કૂલ આ પ્રથમ વખત જ વિવાદમાં નથી આવી. આ અગાઉ પણ આ સ્કૂલ આવા જ વિવાદમાં આવી ચૂકી છે. મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવતીઆ સ્કૂલમાં શ્રાવણ મહિનામાં કે હિન્દુ ધર્મના તહેવારોમાં વિદ્યાર્થીની મહેંદી લગાવીને આવે કે હાથમાં લાલ દોરા બાંધેલા હોય કે તિલક કરેલું હોય તો પણ સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોવાના વાલીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ આક્ષેપ કરી રહ્યા છે. જોકે, અવાર નવાર હિન્દુ ધર્મના તહેવારો વખતે અજીબ ફરમાન કરતા સ્કૂલ સંચાલકોને આ મામલે પૂછતા મીડિયા સામે બોલતી બંધ થઈ ગઈ હતી.
જયશ્રીરામ બોલવા બદલ વિદ્યાર્થીઓ પાસે માફી મંગાવનાર સ્કૂલ સંચાલકો વિરુદ્ધ વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે. શાળા સંચાલકોની શાન ઠેકાણે લાવવા સ્કૂલની સામે વાલીઓ, આસપાસના લોકો, હિન્દુ સંગઠનોના કાર્યકરો અને બાળકોએ જય જય શ્રી રામના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું. આમ જય શ્રી રામ બોલવા બદલ વિદ્યાર્થીઓ પાસે માફી મંગાવનાર સ્કૂલે પોતે માફી માગવાનો વારો આવ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર