ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લામાં (Valsad district)ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા છે. આ વખતે કોઇ ગરીબની નહીં પરંતુ સરકારની માલિકીની હાઇવે ટચ કરોડોની સોનાની લગડી સમાન જમીન બારોબાર પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ છે. એટલું જ નહીં સરકારી કચેરીની (Government office)જૂની ઇમારતો તોડી પાડી અને સરકારી કચેરીનું નામોનિશાન પણ મિટાવી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે માથાભારે લોકોએ આવું કર્યા છતાં પણ જે વિભાગની માલિકીની જમીન છે તેવા આરટીઓ (RTO)વિભાગને કાનોકાન ખબર પણ નહોતી પડી. જોકે હવે જાણે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા ના હોય તેવો ઘાટ સર્જાયો છે. એક જાગૃત નાગરિકે આ મામલે સરકાર સુધી રજૂઆત કરવા ના પ્રયાસ કરતા આરટીઓ વિભાગની જૂની કચેરીને તોડી પાડી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર થયું હોવાના ખુદ આરટીઓ અધિકારીઓએ (RTO officers)સ્વીકાર કર્યો છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેની બંને બાજુની જમીનો સોનાની લગડી સમાન માનવામાં આવે છે. જેની બજાર બજાર કિંમત કરોડો રૂપિયાને આંબી જાય છે. ત્યારે વલસાડ જિલ્લાના ભીલાડ નજીક પણ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ એટલે કે આરટીઓ વિભાગની માલિકીની રોડ ટચ કરોડો રૂપિયાની સોનાની લગડી સમાન જમીન છે. જૂના સર્વે નંબર 159 અને 160માં અંદાજે 6 એકર જેટલી આ જમીન પર 10-15 વર્ષ અગાઉ આ જગ્યા પર આરટીઓ વિભાગની કચેરી અને ચેક પોસ્ટ ચાલતી હતી. જોકે ત્યારબાદ ભીલાડ નજીક અન્ય જગ્યાએ આરટીઓની નવી ચેકપોસ્ટ શરૂ થતાં આ કચેરી અને કેમ્પસ બંધ રહેતું હતું અને અહીં ચાલતી કચેરી બંધ કરી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી હતી. અહીંની બધી કચેરી અને આરટીઓ ચેક પોસ્ટ બંધ રહેતા કેમ્પસ ખાલી થઈ ગયું હતું.
આરટીઓ વિભાગના અધિકારીઓએ આ કેમ્પસ પર કોઈ ધ્યાન આપતા ના હતા. જેનો લાભ લઇ આજુબાજુની જમીન માલિકોએ સરકારી વિભાગની બેદરકારીનો લાભ લેવાની શરૂઆત કરી અને કચેરીના કેમ્પસમાં દબાણ કરવાની શરૂઆત કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે થોડા સમય અગાઉ જ આ જુની આરટીઓ ચેકપોસ્ટની જૂની સરકારી બિલ્ડીંગ હતી તે બિલ્ડિંગોને કોઈપણ જાતની પરવાનગી લીધા વિના કે વિભાગને જાણ કર્યા વિના કોઈ માથાભારે શખ્સોએ આરટીઓની જૂની કચેરીને તોડી પાડી તેને કાટમાળમાં ફેરવી દીધી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી આ જૂના આરટીઓ ચેકપોસ્ટની જમીન પર આટલું મોટું દબાણ કરી અને સરકારી ઈમારતો તોડી પાડયા બાદ પણ આરટીઓ વિભાગના પેટનું પાણી પણ હલ્યું નહીં અને સંબંધિત અધિકારીઓ પણ જાણે આખા આડા કાન કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો.
આથી ભીલાડના એક જાગૃત નાગરિક એવા ભરતભાઈ જાદવે સરકારી જમીનને પચાવી પાડવા માટે કેટલાક માથાભારે શખ્સોએ કરેલા આ પ્રયાસની વલસાડ આર.ટી. ઓ વિભાગના અધિકારીઓને જાણ કરી અને આ બાબતે પગલા ભરવા માટે માંગ કરી હતી. દિવસો વીત્યા બાદ પણ આર.ટી. ઓ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં આખરે જાગૃત નાગરિકે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે. માથાભારે શખ્સોએ કરેલા ષડયંત્ર ને ખુલ્લુ પાડી અને આ બાબતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને સરકારી જમીન પચાવી પાડનાર, સરકારી ઈમારતો તોડી પાડનાર લોકોને ઝડપી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જાગૃત નાગરિકોએ માંગ કરી છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભીલાડ આરટીઓની જૂની ચેકપોસ્ટની આ જમીન પર થયેલા દબાણને નરી આંખે દરેક જોઈ શકે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે માથાભારે તત્ત્વોએ સરકારી ઈમારતો તોડી પાડયા બાદ પણ આરટીઓ વિભાગના અધિકારીઓને કહેવા પ્રમાણે તેઓને જાણ થઈ ન હતી. વર્ષો સુધી કેમ્પસની કચેરીઓ બંધ રહેતા અને કોઈ ઉપયોગ નહી થતો હોવાથી તેના પર ધ્યાન આપ્યું નહોતું આપાયું તેવું અધિકારીઓ પણ સ્વીકારે છે. આરટીઓ વિભાગના અધિકારીઓએ વલસાડ જિલ્લાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં આ મામલે તપાસ કરવા પોલીસ સમક્ષ અરજી કરી હતી. જોકે આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી.
ચોંકાવનારી વાત એ છે કે આ મામલો સીધી રીતે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળનો છે પરંતુ તેમ છતાં અગમ્ય કારણોસર આરટીઓ વિભાગના અધિકારીઓએ સરકારી માલિકીની સોનાની લગડી સમાન હાઇવે ટચ જમીનને માથાભારે તત્ત્વોએ પચાવી પાડવાના પ્રયાસ કર્યો હોવા છતાં પણ આ મામલે લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાવવાને બદલે માત્ર ભીલાડ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરીને જ સંતોષ માન્યો છે. ત્યારે કરોડો રૂપિયાની કિંમતની આ સરકારી જમીન પચાવી પાડવાના આ યંત્રમાં આરટીઓ વિભાગની અધિકારીઓની ઢીલી નીતિ પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને સરકારી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ખુલ્લુ પાડી જવાબદારોને ખુલ્લા પાડી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.