સુરત : સુરતમાં મહાભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકેલા કોરોનાના અજગરી ભરડામાં એક જ પરિવારના એક કરતાં વધુ સભ્યો સપડાઈ રહ્યાં છે અને કાળનો કોળિયો પણ બની રહ્યાં છે. આવી વધુ એક કરુણાંતિકા શહેરના વરાછા વિસ્તારમાં બનવા પામી છે. મૂળ અમરેલીના વતની અને કોરોના સંક્રમિત જોગાણી પરિવારના આઠ સભ્યો પૈકી ત્રણ વડીલ એક પછી એક મોતને ભેટતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
સુરતમાં કોરોનાને લઈ સ્થિતિ ગંભીર બની છે અને આખા પરિવારજનો સંક્રમિત થઇ રહ્યા છે. મૂળ અમરેલીના વતની અને શહેરના વરાછા, અશ્વનીકુમાર સ્થિત રૂપસાગર સોસાયટીમાં રહેતો જોગાણી પરિવાર કાપડ અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. કોરોનાના નવા સ્ટ્રેઈનની લહેર જોગાણી પરિવાર માટે આફત બનીને આવી હોય તેમ અઠવાડિયા દરમિયાન પરિવારના સવિતાબેન નાથાભાઈ જોગાણી (ઉંમર-70), નાથાભાઈ માવજીભાઈ જોગાણી (ઉંમર-74), શારદાબેન હિંમતભાઈ જોગાણી (ઉંમર-55), હિંમતભાઈ માવજીભાઈ જોગાણી, ચીરાગભાઈ હિંમતભાઈ જોગાણી, મુકેશભાઈ નાથાભાઈ જોગાણી, રાજેશભાઈ નાથાભાઈ જોગાણી અને જયેશભાઈ નાથાભાઈ જોગાણી કોરોનામાં સપડાયા હતા.
ગત ગુરુવારે આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયેલા સવિતાબેન રવિવારે મૃત્યુ પામ્યા હતા. જ્યારે સવિતાબેનના મૃત્યુ બાદ રવિવારે બપોરે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયેલા નાથાભાઈ ગુરુવારે સવારે મોતને ભેટયા હતા. આ ઉપરાંત ગત શનિવારે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરાયેલા શારદાબેનનું સોમવારે મોત થયું હતું. જ્યારે પરિવારના બીજા સભ્યો હોમ આઈસોલેશનમાં છે. જેમાં શારદાબેનના પતિ હિંમતભાઈની હાલત ગંભીર છે. બીજી બાજુ વતનમાં અમરેલીમાં રહેતા તેમના મોટાભાઈને પણ કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોગાણી પરિવારના દીપકભાઈએ કહ્યું હતું કે, ગત વર્ષે મને પણ કોરોના થયો હતો. પરંતુ આ રીતની ભયાનકતા જોઈ હતપ્રભ થઈ ગયો છે. આ વખતે લોકો જે રીતે કોરોનાને સામાન્ય સમજી રહ્યા છે, તેવું નથી. તેમણે શહેરીજનોને જીવલેણ કોરોનાથી સાવચેત રહેવા સાથે પોતાની અને પરિવારની કાળજી લેવા અપીલ કરી હતી.