સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના કપરા સમયમાં ફરજ બજાવતાં એવા રેસિડન્ટ ડોકટરોની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવી નથી, જેના કારણે નારાજગી ફેલાયેલી છે. પરંતુ કોરોના દર્દીઓના કેસ સતત વધી રહ્યા છે, તેમની પ્રથમ ફરજ દર્દીઓની સેવા છે ત્યારે મળેલી બેઠકમાં હાલના સમયે રેસિડન્ટ ડૉકટર્સ દ્રારા હડતાળનું શસ્ત્ર મ્યાન કરી દીધુ છે.
છેલ્લા ચાર માસથી કોરોના મહામારીમાં નવી સિવિલ હોસ્પિટલમાં ડૉકટર્સ, નર્સિંગ સ્ટાફ સહિત જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવામાં રહેલા રેસિડન્ટ ડૉકટર્સને રજા, પીપીઇ કીટ સહિતના પડતર પ્રશ્નો અંગે નારાજગી ફેલાયેલ છે. જે અંગે ડીન સહિતને રજુઆત કરી છે. છતાં કોઇ ઉકેલ આવતો નહીં હોવાથી હડતાળ ઉપર જવાની ચર્ચા થઇ હતી.
આ બાબતે સિવિલ હોસ્પિટલના ડીન સહિતને જાણ થતાં રેસિડન્ટ ડૉકટર્સ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. જેમાં અમુક માંગણીઓ અંગે ચર્ચા થઇ છે અને પડતર પ્રશ્નો ભવિષ્યમાં ઉકેલાય જશે એવી ધરપત આપતાં હાલ કોરોના કહેરમાં રેસિડન્ટ ડૉકટર્સ દ્રારા હડતાળ ઉપર જવાનું માંડી વાળ્યુ હોવાનું જાણવા મળેલ છે.
ઉલ્લેખનીય છે કે રેસિડન્ટ ડૉકટરો દ્વારા પહેલા અનેક વખત રજુઆતો કરી હતી પરંતુ કોઇ સુખદ ઉકેલ આવ્યો ન હતો. જેને લઇને તમામ રેસિડન્ટ એક થઇને હડતાળ પર ઉતરવાની ધમકી આપી હતી. આવા સમયે જો હડતાળ પાડવામાં આવે તો સિવિલ પ્રશાસનની સાથે રાજયનું પ્રશાસન પણ દોડતું થઇ જાય. જેથી જ પદાધિકારીઓએ તાત્કાલિક મિટિંગ બોલાવી મામલો શાંત પાડયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર