સુરત: ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા (Grishma Vekaria Murder) કેસના આરોપી ફેનિલ ગોયાણી (Fenil Goyani) સામે 69 દિવસ ચાલેલી સ્પીડી ટ્રાયલના અંતે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે પેન્ડીંગ રાખેલો ચુકાદો કોર્ટમાં જાહેર કરી કેસ રેરેસ્ટ ઓફ રેર કેસમાં પડતો હોવાની સરકારપક્ષની દલીલ સાથે સંમત થઇને ફેનિલ ગોયાણીને ગળે ફાસો નાખી મૃત્યુ ન પામે ત્યાં સુધી લટકાવીને ફાંસીની સજા આપી છે. આ સાથે ફેનિલને રુપિયા 5 હજારનો દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજા ફટકારી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Gujarat Homeminister Harsh Sanghvi) પણ ગ્રીષ્માના પિરવારને પ્રાર્થનાસભામાં સાંત્વના પાઠવી છે.
'ગ્રીષ્માના માતા-પિતાને કરેલો વાયદો પૂર્ણ કર્યો'
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારને સાંત્વના આપીને જણાવ્યુ કે, તમારા દીકરાઓ બહાર શું કરે છે તેનું ધ્યાન રાખજો. ગ્રીષ્માના માતા-પિતાને કરેલો વાયદો પૂર્ણ કર્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ હું પરિવારને મળ્યો હતો ત્યારે મેં કહ્યુ હતુ કે, હું ફરી ત્યારે જ આવીશ જ્યારે હત્યારાને સજા મળશે. મેં મારું વચન પાળ્યુ છે. આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે, સમાજ શું વિચારશે તે વિચાર્યા વગર પોલીસ પાસે આવજો. સમાજમાં બદનામીનો ડર રાખ્યા વગર પોલીસ પાસે આવજો. ગુજરાત પોલીસ તમારો મિત્ર છે. તમારી દીકરીની ઓળખ જરા પણ સામે આવ્યા વગર તપાસ કરવામાં આવશે.
'દીકરો બહાર શું કરે છે તેનું ધ્યાન રાખજો'
તેમણે વધુમાં જણાવ્યુ કે, 'તમારો દીકરો બહાર શું કરે છે તેનું ધ્યાન રાખો. તમને લાગતુ હોય કે તે આઉટલાઇન પર છે તો ગુજરાત પોલીસનો સંપર્ક કરો. ગુજરાત પોલીસ સારી રીતે તેને સમજાવશે અને સારી દિશામાં વાળશે.'
નાનામાં નાની તકલીફ હોય તો પોલીસનો સંપર્ક કરો : હર્ષ સંઘવી
ત્યારે આજે ગ્રીષ્માના ઘરે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ પ્રાર્થનાસભામાં હાજર રહ્યા હતા. તેઓ પરિવારને સાંત્વના આપી હતી. આ સાથે આ કેસના પોલીસ અધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ છે.
હર્ષ સંઘવીએ ચુકાદો આવ્યા બાદ મીડિયાને સંબોધતા કહ્યુ હતુ કે, આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ થયું છે. કાલે હું મારા તમામ કાર્યક્રમો રદ કરીને ગ્રીષ્માના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવવા જવાનો છું. ગ્રીષ્માના માતા પિતાને વંદન કરવા જઇશ કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે. ભૂપેન્દ્ર સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. માતા-બહેન,દિકરીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે.
કોર્ટે હત્યારા ફેનીલને કુલ 12,500નો દંડ તથા વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર ગ્રીષ્માના માતા પિતાને રુપિયા 3 લાખ તથા ઈજાગ્રસ્ત સુભાષ તથા ફરિયાદી ધ્રુવ વેકરીયાને એક એક લાખ મળીને કુલ 5 લાખનુ વળતર ચૂકવવા ભલામણ કરી છે.
શું હતી આખી ઘટના?
12 ફેબ્રુઆરીના દિવસે સાંજે આરોપી ફેનિલ ગોયાણી પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની સોસાયટી પાસે પહોંચી ગયો હતો. અહીં તેણે ગ્રીષ્માના કાકા અને તેના ભાઈ પર હુમલો કરતા ગ્રીષ્મા તેમને બચાવવા દોડી આવી હતી. આ પછી તરત જ ફેનિલે ગ્રીષ્માને બાથમાં લઈને તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. અહીં ઉભેલા લોકોએ ફેનિલને રોકવાની કોશિશ કરી પરંતુ તે એકનો બે નહોતો થયો. પહેલા તે બે વખત ગ્રીષ્માના ગળા પર ઈજા પહોંચાડી અને પછી એક જ ઝાટકે તેનું ગળું ચીરીને હત્યા નીપજાવી દીધી હતી. આ પછી આરોપીએ આપઘાત કરી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આ કેસમાં તાત્કાલિક પગલા ભરીને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને તેની સ્થિતિ સારી થતા હોસ્પિટલથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર