એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ થિયરીકલ જ્ઞાનની સાથોસાથ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે તેવા હેતુથી મજૂરા ગેટ સ્થિત ડો.એસ.એન્ડ એસ.એસ.ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરીંગ અને ટેકનોલોજીના મિકેનીકલ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રેફ્રીજરેશન અને ટ્યુબીંગ ઓપરેશન્સ અને એ.સી.સર્વિસ કરવા માટેના અનોખા વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં એક્ષ્પર્ટ લેક્ચર અને પ્રેક્ટિકલના ડેમોસ્ટ્રેશન સાથે હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ દ્વારા એન્જિનિયરીંગના ૬ઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ નિષ્ણાંતો પાસેથી એ.સી.રિપેરીંગ અને સર્વિસ કરતાં શીખ્યા હતા.
એ.સી. અને ફ્રીજ જેવા ઉપકરણોના તજજ્ઞ ઘનશ્યામ રાદડિયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ યંત્રોના ટ્યુબીંગ ઓપરેશન્સ,AC સર્વિસ કરતા શીખી લેશે તો ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિક બનવા માટે આ યાંત્રિક જ્ઞાન અતિ માર્ગદર્શક અને ઉપયોગી બનશે. તેમણે એન્જીનિયરીંગના અભ્યાસની સાથે ઘરના તમામ ઉપકરણો જાતે જ સર્વિસ કરવાનું જ્ઞાન આસાનીથી મેળવી શકાય છે એમ જણાવી રિપેરીંગ દરમ્યાન થતી સમસ્યાઓ અને તેના સોલ્યુશન અંતર્ગત ઘણાં કેસ સ્ટડી રસપ્રદ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા.
કોલેજના પ્રોફેસર હરિકૃષ્ણ ગોહિલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, એન્જિનિયર એટલે કોઈ પણ જટિલ ટેકનિકલ સમસ્યાનું સમાધાન કરનાર કુશળ કારીગર. યુવાનોને કુશળ બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારે “કૌશલ ભારત, કુશળ ભારત” સૂત્ર હેઠળ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન, સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રોગ્રામ, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી યોજનાઓથી કૌશલ્ય વિકાસની પહેલો હાથ ધરી છે. આવનારા સમયમાં વિકસિત અને વિકાસશીલ બંને દેશોમાં કુશળ કર્મચારીઓની માંગ રહેશે. ઈજનેરી કૌશલ્ય પ્રાપ્ત કરતાં પહેલા દરેક વિદ્યાર્થીએ જાતે કોઈ પણ યંત્રમાં રહેલી ટેકનિકલ ક્ષતિઓનું નિવારણ કરતા શીખવું જોઈએ.
ઉપસ્થિત વિદ્યાર્થીઓએ એક સૂરે જણાવ્યું કે, એક્ષ્પર્ટ લેક્ચર અને પ્રેકટીકલના ડેમોન્સ્ટ્રેશન સાથે હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ માટેનાં વર્કશોપના કારણે અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. વિદ્યાર્થીઓએ આભારની લાગણી વ્યકત કરતાં કહ્યું કે, આ પ્રકારના કાર્યક્રમ વિદ્યાર્થીઓને સ્વનિર્ભર બનાવવા ઉપયોગી થાય છે. થિયરીકલ જ્ઞાનની સાથોસાથ પ્રેક્ટિકલ જ્ઞાન પણ જરૂરી છે એમ જણાવતાં સૌએ ડિગ્રી મેળવતાં પહેલા કૌશલ્યસજ્જ બનવું જરૂરી છે એમ કહ્યું હતું.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર